અમદાવાદમાં બુટલેગરની કમાલની કારીગરી ઝડપાઈ, બહારથી ફર્નિચર અંદર હાઇડ્રોલિક દરવાજા સાથે ચોર રુમ
ગુજરાત પોલીસ ગુનેગારોને ઝડપવા માટે સતત સતર્ક રહે છે. આ માટે સતત ગુનેગારો પર નજર રાખતી હોય છે અને જેની નજરમાં બચવુ મુશ્કેલ હોય છે. આમ છતાં ગુનેગારો પોલીસની બાજ નજર પર ધૂળ નાંખવા અનેક પ્રયાસ કરતા નજર આવે છે અને છતાંય તેઓ જેલના સળીયા પણ ગણવાથી બચી શકતા નથી. ખાડીયાના એક બુટલેગરે દારુ સંતાડવા માટે ગજબની કલાકારી કરીને હાઈડ્રોલિક દરવાજા ધરાવતુ ચોરખાનું બનાવ્યુ હતુ. જોકે પોલીસની નજરમાંથી તે બચી શક્યો નહીં.
ગુનેગારો પોલીસની બાજ નજરથી બચવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. પરંતુ આમ છતાં તેઓ પોલીસની નજરમાંથી બચી શકતા નથી. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ઝોન-3 ની સ્ક્વોડ દ્વારા એક ઘરમાંથી મોટો દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. જે જથ્થો સંતાડવા માટે બુટલેગરે ઘરમાં જ હાઈડ્રોલિક દરવાજા સાથેનું ચોરખાનું બનાવ્યું હતુ.
ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી ઝોન 3 ની સ્કોડે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે. જેમાં એકના સ્કૂટરની ડેકીમાંથી તો અન્યના ઘરમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. બંને ઘટનામાં દારુનો જથ્થો ઝડપી લઈને પોલીસે કાર્યવાહી શરુ કરી છે.
બે સ્થળો પર દરોડા
અમદાવાદ સહિત રાજ્યની પોલીસ દારૂના દુષણને ડામવા દારૂની હેરાફેરી પર નજર રાખી રહી છે, ત્યારે અમદાવાદ શહેરની ઝોન 3 ની સ્કોડ દ્વારા શહેરના બે નામચીન બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યા હતા જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે બુટલેગર રાકેશ ઉર્ફે રાકલો અને જીગર નટુજી ઠાકોરની ધરપકડ કરી તેમની પાસેથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે રાકેશ રાકેશની બાઈકની ડેકી માંથી તેમજ જીગર ઠાકોરના ઘરમાંથી કુલ મળીને દારૂ અને બિયરની 809 બોટલો કે જેની કુલ કિંમત ચાર લાખ જેટલી થાય છે જે પોલીસે કબજે કર્યો છે.
ઘરમાં હાઈડ્રોલિક દરવાજાનુ ચોરખાનું
ઝોન-3 સ્ક્વોડે બુટલેગર હવે દારૂ છુપાવવાના અલગ અલગ રસ્તાઓ શોધી કાઢ્યા છે. જેમાં જીગર નટુજી ઠાકોરના ઘરમાં પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ટીવી સ્ટેન્ડની બાજુમાં લાગેલું એક ફર્નિચર હતું જે હાઇડ્રોલિક દરવાજા જેવું બનાવવામાં આવ્યું હતું. જેને ખોલતા જ અંદર ચોરખાનું મળી આવ્યું હતું અને જેમાં મોટી માત્રામાં દારૂ અને બિયરોની બોટલો રાખવામાં આવી હતી. પોલીસ આ ખાનાને જોઈને જ દંગ રહી ગઈ હતી.
આ પણ વાંચો: લક્ષદ્વીપની અદ્ભૂત સુંદરતાના વીડિયો મચાવવા લાગ્યા ધૂમ, જોઈને માલદીવ ભૂલાઈ જશે, જુઓ
બંને બુટલેગરો પાસેથી દારૂનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી છે. આ બંને બુટલેગરો વિરુદ્ધ ખાડિયા પોલીસ સ્ટેશનમાં જ અગાઉ પણ પ્રોહીબિશનના અનેક કેસો નોંધાઈ ચૂક્યા છે ત્યારે હવે સવાલ એ થાય છે કે જો આટલા નામચીન બુટલેગરોને ત્યાં ચાર લાખ જેટલો દારૂ મળી આવે તો સ્થાનિક પોલીસ જાણી જોઈને આંખ આડા કાન તો નથી કરી રહી ને ?જો અન્ય પોલીસની ટીમને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઘરમાં સંતાડ્યો છે તેની માહિતી મળે તો શા માટે સ્થાનિક પોલીસને આટલી મોટી માહિતી ન મળી શકે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે.