Ahmedabad: 12 લોકોને મોતની ચાદર ઓઢાડી દેનારા સિરિયલ કિલર ભુવાનું થયુ મોત, ઉલટી થયા બાદ ઢળી પડ્યો- Video
અમદાવાદમાં સરખેજ પોલીસે પકડેલા ભુવા નવલસિંગ ચાવડાનું લોકઅપમાં મોત થયુ છે. પોલીસ રિમાન્ડ દરમિયાન ભુવાની પૂછપરછમાં મોટો ખૂલાસો થયો છે. એકના ચાર ગણા પૈસા કરવાની લાલચ આપી લોકોને તાંત્રિક વિધિના નામે છેતરનારા આ નરપિશાચીએ અત્યાર સુધીમાં 12 લોકોની હત્યા કરી છે. આ 12 લોકોની હત્યા પણ તેણે એક જ પેટર્નથી કરી હોવાનો પણ ચોંકાવનારો ખૂલાસો થયો છે.
અમદાવાદમાં સરખેજ પોલીસે પકડેલા સિરિયલ કિલર ભુવાને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ ભુવાનું કસ્ટોડિયલ મોત થયુ છે. તાંત્રિક વિધિથી પૈસા ચાર ગણા કરવાની લાલચ આપી લોકોને મોતને ઘાટ ઉતારનારા ભુવાનો પર્દાફાશ થયો છે. છેલ્લે તેમણે સાણંદના એક વેપારીની હત્યાનો કારસો રચ્યો હતો. પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સાત દિવસના રિમાન્ડ પર હતો અને 10 ડિસેમ્બરે તેના રિમાન્ડ પૂરા થઈ રહ્યા હતા. જો કે એ રિમાન્ડ પૂરા થાય એ પહેલા જ તેનુ મોત નિપજ્યુ છે. આજે સવારે ઉલટી થયા બાદ ભુવા નવલસિંહ ચાવડાની તબિયત લથડી હતી. તેને 108માં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જો કે કસ્ટોડિયલ ડેથ હોવાથી આ અંગે જ્યુડિશ્યલ તપાસ પણ હાથ ધરાશે.
તાંત્રિક વિધિના નામે એકના ચાર ગણા રૂપિયા કરવાની આપતો લાલચ
જો કે મોત પહેલા આરોપી ભુવાએ એવા ચોંકાવનારા ખૂલાસા કર્યા કે એ સાંભળીને પોલીસ પણ બે ઘડી ચોંકી ગઈ હતી. પૈસા માટે તાંત્રિક વિધિના નામે સોડિયમ નાઈટ્રેટનો પાઉડર પીવડાવી આ ભુવાએ 4 જેટલા લોકોને મોતને ઘાટ ઉતતાર્યા હતા. છેલ્લા 13 વર્ષમાં ભુવાએ 12 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આ 12 પૈકી 3 હત્યા તો તેના પરિવારના લોકોની જ કરી છે. જેમા તેના માતા, દાદી અને કાકાને મોતને ઘાટ ઉતાર્યા હતા. સમગ્ર તપાસમાં સામે આવ્યું છે કે ભુવો પાણી કે દારૂમાં સોડિયમ નાઈટ્રાઈટ મિક્સ કરી દેતો. જેની 20 જ મિનિટમાં વ્યક્તિને હાર્ટ એટેક આવતો અને આ જ કારણથી પોસ્ટમોર્ટમમાં પણ આ વાત પકડાતી ન હતી.
પોલીસ તપાસમાં થયા અનેક ખુલાસા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ભુવો મૂળ વઢવાણનો રહેવાસી હતો અને થોડા દિવસ પહેલાં અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો હતો. આરોપી વઢવાણમાં મસાણી મેલડી માતાનો મઢ ચલાવતો હતો. ત્યાં ભુવા તરીકે તાંત્રિક વિધિ કરતો હતો. એટલું જ નહીં, આ ભુવો યુ-ટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ બનાવી હતી. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરતો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો કે ભુવો ક્રાઇમ પેટ્રોલ શો વધારે જોતો હતો અને તેનાથી પ્રેરણા મેળવી સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો. આ સોડિયમ નાઇટ્રેટ સુરેન્દ્રનગરની લેબમાંથી મેળવ્યુ હતુ. નોંધનીય છે કે, આરોપી નવલસિંહે ફેક્ટરીના માલિક પાસેથી 15 લાખના રોકાણ પર ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી.
શું હતી સમગ્ર ઘટના?
આ ભુવાએ સરખેજમાં રહેતા અને ચાંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજીતસિંહ રાજપૂતને તાંત્રિક વધુ કરી ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરી માલિકને રૂપિયા લઈ 1 ડિસેમ્બરે સનાથલ બોલાવ્યો હતો અને ત્યા તાંત્રિક વિધિના નામે માલિકને સોડિયમ નાઈટ્રેટ પીવડાવી હત્યાનુ ષડયંત્ર ઘડ્યુ હતુ. આ ફેક્ટરી માલિકની હત્યા કરી ભુવો રૂપિયા લઈને નાસી જવાની તૈયારીમાં હતો. જોકે સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતા તે સમયસર ઘટનાસ્થળે પહોંચી ફેક્ટરી માલિકનો જીવ બચાવ્યો હતો. ભુવાના સકંજામાં ફસાયેલો આ ફેક્ટર માલિક તેનો કૌટુંબિક સંબંધી હોવાનું પણ સામે આવ્યુ છે.
13 વર્ષમાં 12 લોકોની હત્યા કરી
આ ભુવાએ અત્યાર સુધીમાં કૂલ 12 હત્યા કરી તેમા સુરેન્દ્રનગરમાં 3, પડધરીમાં 3 અસલાલીમાં 1, અંજારમાં 1 અને વાંકાનેરમાં હત્યા કરી. જ્યારે ત્રણ હત્યા પોતાના જ પરિવારજનોની કરી છે.