Ahmedabad: વાસણામાં વિધર્મી રિક્ષા ચાલકે સગીરાને જાહેરમાં કર્યું ચુંબન, શહેરમાં છેડતીના 2 બનાવમાં પોલીસે આરોપીઓની કરી ધરપકડ
શહેરમાં અવાર નવાર જાહેરમાં છેડતીના બનાવો બને છે અથવાતો જે રીતે અસામાજિક તત્વો જાહેરમાં બેફામ બનવાની ઘટના બને છે તેને લઈને પોલીસે કડક વલણ બતાવી પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારવાની લોક માંગણી ઉઠી છે.
અમદાવાદમાં જાણે કે પોલીસનો કોઈ ખોફ જ નો હોય તેમ છેડતીના બનાવો વધી રહ્યા છે. શહેરમાં વાસણા વિસ્તારમાં એક સગીરાને વિધર્મી યુવક દ્વારા જાહેરમાં ચુંબન કરવાની ઘટના બની હતી તો બીજી ઘટનામાં સરખેજ વિસ્તારમાં એક વિધવા મહિલાને એરગન બતાવી એક આધેડે મારી સાથે કેમ સબંધ નથી રાખતી કહી પરેશાન કરી હતી. જોકે બંને કિસ્સાઓમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં જાણે કે લુખ્ખાઓ બેફામ બન્યા હોય તેમ જાહેરમાં હથિયારો સાથે ફરતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો હવે અમુક તત્વો પોતાની હવસ સંતોષવા નિર્દોષ સગીરા કે યુવતીઓની જાહેરમાં છેડતી કરી રહ્યા છે. આવા કિસ્સાઓ પરથી પોલીસની જાણેકે કોઈ ધાક જ નો હોય તેવું લાગી રહ્યું છે.
શહેરના વાસણા વિસ્તારમાં એક સગીરા શાળાએથી આવતી હતી તે સમયે એક રિક્ષાચાલકે તેને ઊભી રાખી સરનામું અને રોડની માહિતી પૂછી હતી. જે બાદ આ રિક્ષાચાલક થોડે દૂર જઈને ફરીથી સગીરા પાસે આવ્યો અને એકલતાનો લાભ લઈને રોડ પર રિક્ષા ચાલુ રાખી સગીરાને ચુંબન કરવા લાગ્યો. આ ઘટનાથી સગીર ગભરાઈને પોતાની જાત બચાવીને નાસી છૂટી હતી.
સગીરાએ સમગ્ર મામલે પરિવારને જાણ કરતા મામલો પોલીસ મથક પહોચ્યો હતો. જોકે પોલીસે પણ ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક અલગ અલગ સીસીટીવી ચકાસ્યા હતા. જેમાં સગીરાના જણાવ્યા મુજબની એક વ્યક્તિ મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે રિક્ષા નંબર ઉપરથી વેજલપુરમાં રહેતા રિક્ષા ચાલક સિકંદર ઉર્ફે કાળિયાની ધરપકડ કરી છે. છેડતી કરનાર રિક્ષા ચાલક સિકંદર વિરૂધ્ધ પોસ્કો જેવી કલમો લગાડી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સિકંદર અગાઉ પણ પાલડી અને શાહપુર પોલીસ મથકમાં ગુનાહીત ઇતિહાસ ધરાવે છે.
સરખેજમાં આધેડે મહિલાને સંબંધ બાંધવા અંગે આપી ધાકધમકી
અમદાવાદમાં વધુ એક છેડતીનો કિસ્સો સરખેજ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં ઉજાલા સર્કલ પાસે મેલડી5 માતાના મંદિર નજીક એક મહિલાની એક આધેડ દ્વારા છેડતી કરી ધાકધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 44 વર્ષીય વિધવા મહિલાને ભાવેશ પટેલ નામના વ્યક્તિએ હથિયાર બતાવી મારી સાથે કેમ સબંધ નથી રાખતી તેમ જણાવી ધાક ધમકી આપી હતી.
સમગ્ર મામલે મહિલાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ભાવેશ પટેલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભાવેશ પટેલ એરગન દ્વારા મહિલાને ડરાવી હતી. મહિલા અને આરોપી ભાવેશ પટેલ વચ્ચે થોડા સમય પહેલા સબંધ હતો, પરંતુ છેલ્લા થોડાક મહિનાથી બંને વચ્ચે અણબનાવને કારણે સબંધ તૂટી ગયો હતો. જેને લઇને ભાવેશ પટેલ તેની પાસેની એરગન લઇને મહિલા પાસે ગયો હતો અને શાબ્દિક છેડતી બાદ તેને સબંધ રાખવા ધમકી આપી હતી. સમગ્ર મામલે પોલીસે એરગન સાથે ભાવેશની ધરપકડ કરી છે.
જે રીતે શહેરમાં અવાર નવાર જાહેરમાં છેડતીના બનાવો બને છે અથવાતો જે રીતે અસામાજિક તત્વો જાહેરમાં બેફામ બનવાની ઘટના બને છે તેને લઈને પોલીસે કડક વલણ બતાવી પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારવાની લોક માંગણી ઉઠી છે.