ગુજરાત (Gujarat) ના યુવાધનને બરબાદ કરવાના કારસાને નિસ્ફળ બનાવવા પોલીસ (Police) સતર્ક છે. ત્યારે ગત એક વર્ષમાં ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સને લગતા અલગ અલગ કેસમાં 300 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક સમયમાં દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ (Drugs) નો જથ્થો ઝડપ્યા બાદ હવે પોલીસે ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે અને ઓછી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પોતાની પાસે રાખીને છૂટક વેચાણ કરતા લોકો સામે પણ તવાઈ બોલાવી છે.
મોટા ભાગના કિસ્સામાં સામે આવ્યું છે કે ડ્રગ્સ પેડલરો પણ ડ્રગ્સના બંધાણી હોય છે. અને પોતાની આદતને પૂર્ણ કરવા માટે ડ્રગ્સનું વેચાણ કરવા લાગે છે. જ્યારે તેઓ કોઈ પણ યુવક યુવતીને ડ્રગ્સના બંધાણી બનાવવા માટે પ્રથમ બેથી ત્રણ વખત મફતમાં ડ્રગ્સ આપે છે. બાદમાં ડ્રગ્સના બંધાણી બનતા તેની પાસેથી રૂપિયા વસૂલે છે. તો ઘણીવાર ડ્રગ્સ પેડલરો કાફેની આસપાસના વિસ્તારોમાં પણ યુવાનોને ટાર્ગેટ કરતા હોય છે. જેનાથી સાવધાન રહેવાની જરૂર છે. ડ્રગ્સ પેડલરો સોશ્યલ મીડિયા મારફતે પણ યુવાધનને ટાર્ગેટ કરતા હોય છે.જેને લઇને ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓ આવા પેડલરો સામે કડક પગલા લઈ રહી છે.
ડ્રગ્સની બદી દૂર કરવા માટે હવે સુરક્ષા એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહી નું પ્રમાણ ખૂબ જ ઓછા પ્રમાણ માં જોવા મળતું હતું. જો કે હવે ક્રાઇમ બ્રાન્ચ સહિત ની એજન્સી ઓએ ડ્રગ્સ પેડલરો સામે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. અને માત્ર એક જ વર્ષ માં 300 જેટલા આરોપી ઓને જેલ હવાલે કર્યા છે.
આ અગાઉ મે મહિનાની શરૂઆતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૉશ વિસ્તાર સિંધુભવન રોડ પર આવેલા કાફે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા 3 પેડલરોની ડ્રગ્સ સહિત રૂપિયા 9 લાખ 87 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3 ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ શહેરના SG હાઈવે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા. આરોપીઓ પાસેથી ડ્રગ્સ સહિત રૂપિયા 9 લાખ 87 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે વડોદરાથી 310 ગ્રામ MD ડ્રગ્સ સાથે ડ્રગ્સ પેડલર અસગર ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે.