અમદાવાદના ( Ahmedabad) શિવરંજનીમાં આવેલી કે.સી.હોલિડેના માલિક અને મેનેજર સામે છેતરપિંડીની (Fraud ) ફરિયાદ નોંધાઇ છે. વિરેન કડિયા નામના વ્યક્તિએ કે.સી.હોલિડેના માલિક કિરણ ચૌહાણ અને મેનેજર મિહિર શાહ સામે ફરિયાદ નોંધાવી છે. માલિક કિરણ ચૌહાણ અને મિહિર શાહ માત્ર 40 હજારમાં દુબઇ અને 70 હજારમાં સિંગાપુર ફરવા જવાની લોકોને લાલચ આપી હતી અને ત્યારબાદ ઠગાઇ કરી ફરાર થયા હતા. વિદેશ સસ્તા પેકેજમાં મોકલવાની લાલચ આપી 15 કરોડનું ફુલેકુ ફેરવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં ઓફિસને તાળા મારી માલિક સહિતનો સ્ટાફ ફરાર છે.
મળતી માહિતી મુજબ આશરે 1500 જેટલા લોકો સાથે ઠગાઇ આચરી છે. એટલું જ નહીં કેટલાક પ્રવાસીઓ દુબઇ પણ પહોંચી ગયા હતા, પરંતુ દુબઈ પહોંચીને હોટલમાં રૂમ કે પરત આવવા ફ્લાઇટનું બુકિંગ પણ ન કર્યું હોવાનો ખુલાસો થયો છે સાથે સાથે એ પણ સામે આવ્યું છે કે વિદેશમાં અટવાયેલા લોકોએ ઠગોને ફોન પણ કર્યો હતો પણ તેમને કોઇનો ફોન ઉપાડ્યો નોહતો. જેથી દુબઈમાં અટવાયેલા લોકોએ પોતાના સંબંધીઓને ફોન કરી પૈસા મંગાવ્યા હતા. નોંધનીય છે કે અગાઉ પણ અમદાવાદ સહિત ગુજરાતમાં ટૂર અને ટ્રાવેલ સંચાલકો દ્વારા આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટનાઓ સામે આવી છે. ટૂર સંચાલકો સસ્તામાં પ્રવાસ કરાવવાના પેકેજ રજૂ કરે છે અને પ્રવાસ કરવા માંગતા લોકોને ભોળવે છે અને પ્રવાસીઓ જ્યારે ટૂર સંચાલકોનો સંપર્ક કરે ત્યારે એ લોતો કરફથી કોઈ જવાબ મળતો નથી. પરિણામે મહામહેનતે મૂડી ભેગી કરીને પરિવારને પ્રવાસ કરાવવા લોકો માંગતા લોકોને નાણાનું મસમોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે.
આવી ઘટના આ વર્ષે સુરત શહેરમાં બની હતી જેમાં ઘોડદોડ રોડ સ્થિત આવેલ ટ્રાવેલ્સ સંચાલકે ચારધામ યાત્રાના શ્રદ્ધાળુ સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ઊઠી હતી. ટ્રાવેલ્સ સંચાલકે યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સહિતની સુવિધાના નામે બધું આપીશું કહ્યા બાદ ત્યાં જઈ ને કઈ આપ્યું ન હતું . ટિકિટ બુકિંગ કરી લીધા બાદ યાત્રામાં એક પણ સુવિધા ન આપી છેતરપિંડી કરી હતી. સુરતથી 21 જેટલા યાત્રાળુઓનો સંઘ ચારધામ યાત્રાએ ગયા હતા અને છેતરિંડીનો ભોગ બન્યા હતા.
કોરોના કાળ બાદ હવે માહોલ સામાન્ય થતા લોકો ફરીથી પ્રવાસે જવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા પ્રવાસીઓ ટ્રાવેલ્સ સંચાલકોની હિસ્ટ્રી ચકાસીને પ્રવાસનું બુકિંગ કરાવે તે જરૂરી છે.