Ahmedabad : કોરોના સંક્રમણ વધતા AMCનો નિર્ણય, કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખવાનો આદેશ

Ahmedabad : AMC ના પરિપત્ર અનુસાર કોર્પોરેટ ઓફીસોમાં 50 ટકા સ્ટાફ અથવા ઓલ્ટરનેટ ડે 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.

  • Tv9 webdesk42
  • Published On - 22:46 PM, 15 Apr 2021
Ahmedabad : કોરોના સંક્રમણ વધતા AMCનો નિર્ણય, કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખવાનો આદેશ

Ahmedabad : દેશમાં અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. દરરોજ નવા કેસો, મૃત્યુની વધતી સંખ્યા અને વધતા જતા એક્ટીવ કેસ દરરોજ નવા રેકોર્ડ સ્તરે પહોચે. ગુજરાતમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદની છે. સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMC દ્વારા એક બાદ એક નિર્ણાયક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખવાનો આદેશ
અમદાવાદમાં વધતા જતા કોરોના સંક્રમણનર રોકવા AMC એ આદેશ કર્યો છે કે હવે શહેરમાં કોર્પોરેશનની હદમાં આવતી તમામ કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ ઓફીસકામ શરૂ રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં શહેરની મોટા ભાગની કોર્પોરેટ ઓફિસો આવેલી છે. હવે આ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ શરૂ રાખવનો આદેશ કરતા કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા થોડા ઘણા અંશે સફળતા મળશે.

પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે ?
અમદાવાદ શહેરમાં આવેલ તમામ પ્રકારની ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે.તાજેતરમાં ગુજરાત સરકારનાં ગૃહ વિભાગનાં હુકમ ક્રમાંક નં . વિ 1/કઅવ/102020/482 તા.12-04-2021 મુજબ કોવિડ-19 નાં સંક્રમણને અટકાવવા અંગેના કેટલાક નિર્ણયો કરવામાં આવેલ છે. જે અન્વયે અમદાવાદ શહેરમાં આવેલ તમામ પ્રકારની ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે અથવા ઓલ્ટરનેટ ડે એ કર્મચારીઓ ફરજ ઉપર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે તે મુજબનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે. ઔધોગિક એકમોને આમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

કેટલો અસરકારક રહેશે આ નિર્ણય
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોટી મોટી કોર્પોરેટ ઓફિસો આવેલી છે અને એમાંથી ઘણી ઓફિસોમાં દિવસ સાથે રાત્રે પણ કામ શરૂ રહે છે. 100 ટકા સ્ટાફ એટલે ઓફીસની પૂર્ણ ક્ષમતા સાથેનો સ્ટાફ અને 50 ટકા સ્ટાફ એટલે ઓફીસમાં અડધા સ્ટાફની જગ્યા ખાલી રહેશે.જેના કારણે ઓફીસમાં કર્મચારીઓ વચ્ચે અંતર જળવાયેલું રહેશે અને કર્મચારીઓ એકબીજાના સંપર્કમાં આવતા બચશે અને એ રીતે કોરોના સંક્રમણને ફેલાતું રોકી શકાશે.