Breaking News : દવાઓના ગેરકાયદે વેચાણ પર પોલીસની લાલ આંખ, મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરી, જુઓ Video
અમદાવાદમાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ અને દુરુપયોગને ડામવા માટે અમદાવાદ પોલીસે એક વ્યાપક તપાસ અભિયાન હાથ ધર્યું છે. ઇસનપુર, મણિનગર, કાગડાપીઠ અને વટવા સહિતના ઝોન 6 વિસ્તારના વિવિધ મેડિકલ સ્ટોર્સ પર પોલીસ ટીમો દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ અને દુરુપયોગને ડામવા માટે અમદાવાદ પોલીસે એક વ્યાપક તપાસ અભિયાન હાથ ધર્યું છે. ઇસનપુર, મણિનગર, કાગડાપીઠ અને વટવા સહિતના ઝોન 6 વિસ્તારના વિવિધ મેડિકલ સ્ટોર્સ પર પોલીસ ટીમો દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા મેડિકલ સ્ટોર્સ પણ આ તપાસના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે.
આ તપાસનો મુખ્ય હેતુ નશાકારક દવાઓનું ગેરકાયદેસર વેચાણ અટકાવવાનો છે. પોલીસ દ્વારા મેડિકલ સ્ટોર્સમાં દવાઓના સ્ટોક, વેચાણ રજિસ્ટર અને પ્રિસ્ક્રિપ્શનની ચકાસણી કરવામાં આવી રહી છે. મેડિકલ સ્ટોર સંચાલકોની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. ખાસ કરીને, એવી દવાઓ કે જેનો ઉપયોગ યુવાધન અને અન્ય વ્યક્તિઓ દ્વારા નશા તરીકે કરવામાં આવે છે, તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોડેન ફોસ્ફેટ ધરાવતી કફ સિરપ, જે પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી, તેની ચકાસણી કરાઇ રહી છે. આ ઉપરાંત, અલ્પ્રાઝોલમ અને NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત શેડ્યુલ વન ડ્રગ્સના સ્ટોક અને વેચાણ અંગે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરી
DCP ઝોન 6 સાહેબની સૂચના મુજબ, ઝોન વિસ્તારમાં આવેલા તમામ પોલીસ સ્ટેશનો દ્વારા આ એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત, મેડિકલ સ્ટોર સંચાલકોને પ્રિસ્ક્રિપ્શન વગર આવી દવાઓ કોઈ પણ દર્દી કે વ્યક્તિને ન આપવા માટે સમજાવવામાં આવી રહ્યા છે અને સ્ટોકની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ફક્ત ડોક્ટર્સ દ્વારા લખેલી દવાઓનું જ વેચાણ થાય અને કાયદાનું કડકાઈથી પાલન થાય.
સમગ્ર ઝોન સિક્સ વિસ્તારમાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ પર આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ મેડિકલ સ્ટોર સંચાલક દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવશે અથવા નશાકારક દવાઓનું ગેરકાયદેસર વેચાણ જણાશે, તો તેમની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી નશાખોરીના દૂષણને દૂર કરવાનો અને નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો છે.