સ્વ. ડો અનિલ જોષીયારાના પુત્ર હવે ભાજપમાં જોડાશે, દિગ્ગજ નેતાના પુત્ર BJP માં જોડાવવાની સંભાવનાને લઈ કોંગ્રેસને વધુ એક ઝટકો

સ્વ. ડો અનિલ જોષીયારાના પુત્ર હવે ભાજપમાં જોડાશે, દિગ્ગજ નેતાના પુત્ર BJP માં જોડાવવાની સંભાવનાને લઈ કોંગ્રેસને વધુ એક ઝટકો
MLA ડો. અનિલ જોષીયારા ગત માર્ચમાં અવસાન પામ્યા હતા

એન્જીનિયર પુત્રએ કોંગ્રેસના બદલે ભાજપનો ખેસ પહેરવાનુ પસંદ કરી સીઆર પાટીલના હસ્તે કેસરી ખેસ ધારણ કરવાની શક્યતાઓ પ્રબળ બની છે. આગામી સપ્તાહે BJP માં જોડાય તેવી શક્યતા

Avnish Goswami

|

May 18, 2022 | 9:53 PM

ઉત્તર ગુજરાતમાં એક બાદ એક કોંગ્રેસી નેતાઓ પંજાનો સાથ છોડી રહ્યા છે. હવે કોંગ્રેસના દિગ્ગજ પરિવાર પણ આ જ લાઈન પર હોવાના સમાચારે કોંગ્રેસની છાવણીને દોડતી કરી મુકી છે. ભિલોડા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ડો અનિલ જોષીયારા (Bhiloda MLA , Congress leader Dr Anil Joshiyara) કોરોના ગ્રસ્ત થયા બાદ તેઓ સાજા થઈ શક્યા નહોતા. તેઓના અવસાન બાદ ખાલી પડેલી બેઠક પર કોંગ્રેસ તેમના પુત્ર કેવલ જોષીયારા (Keval Joshiyara) માટે તૈયારીઓ કરી રહ્યુ હતુ. પરંતુ અત્યાર સુધી રાજકારણથી અંતર જાળવી રહેલા કેવલ જોષીયારા ભાજપના કેસરી રંગ તરફ આકર્ષાયા લાગ્યા છે. તેઓ હવે આગામી સપ્તાહ સુધીમાં ભાજપ (Bhartiya Janta Party) માં જોડાઈ શકે છે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. આ માટે આગામી 24 તારીખે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેવલ જોષીયારાને વિધીવત રીતે જોડવા માટે અરવલ્લી જિલ્લાના ભિલોડા આવી પહોંચે એવી સંભાવના છે.

ડો અનિલ જોષીયારા જ્યારે માંદગીમાં હતા ત્યારે રાજ્ય સરકારે શક્ય તમામ મદદ રાજકારણ ભૂલીને કરી દર્શાવી હતી. દિગ્ગજ કોંગ્રેસી નેતાને ચેન્નાઈમાં મળી રહેલી સારવાર માટે સરકારી મદદ પણ કરવામાં આવી હતી. જોકે કમનસીબે શાંત અને ખૂબ જ સૂઝબૂઝ ધરાવનારા નેતા અવસાન પામ્યા હતા. ત્યાર બાદ રાજકીય તમામ ગતીવિધીઓ પણ ભિલોડામાં શાંત બની ગઈ હતી અને સાથે જ સ્વર્ગસ્થ જોષીયારાનો ખાલીપાનો માહોલ પણ સ્થાપ્યો હતો. જોકે પુરી ના શકાય એ ખાલીપાને ભરવા માટે સ્થાનિક રીતે જ તેમના પુત્ર કેવલ જોષીયારા પર પસંદગી ઉતરવાનો માહોલ શરુ થયો હતો. લોકોએ પણ પિતાના માર્ગે ચાલવા માટે તેને સલાહો આપવી શરુ કરી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ સૌથી આગળ રહ્યા હતા. પરંતુ કેવલ જોષીયારા કોંગ્રેસના બદલે કમલમનો માર્ગ પકડવા લાગ્યા હોય એમ છે.

કેવલ જોષીયારા આમ તો એન્જીનીયરીંગનો અભ્યાસ ધરાવે છે અને તે રાજકારણની સક્રિયતાથી દૂર હતા. પિતા અનિલ જોષીયારા પૂર્વ આરોગ્ય પ્રધાન અને લાંબા સમય થી ભિલોડા બેઠકના ધારાસભ્ય હોવા છતાં તેઓેએ રાજકારણ અને પોતાના વ્યક્તિગત જીવન વચ્ચે નાની ઉંમરે બેલેન્સ જાળવી રાખ્યુ હતુ. પરંતુ સ્થાનિક માહોલ અને લોકોની લાગણીઓને લઈ હવે જોષીયારા પુત્ર કેવલ રાજકીય સક્રિયતા કરવાનો નિર્ણય કરી ચુક્યો છે. જે નિર્ણયને ભાજપે પારખી લીધો છે અને તેને વિકાસના સુત્રના ભાગીદાર બનવા માટે મનાવી પણ લીધો છે. આ પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કેવલ જોષીયારીની ભાજપમાં જોડાણની વાતોને માત્ર અફવા ગણાવી હતી. પરંતુ હવે કોંગ્રેસના નેતાઓની જ ઉંઘ ઉડવા લાગી છે.

ડો. જોષીયારાની રાજકીય કારકિર્દી

ભિલોડા બેઠકના પૂર્વ ધારાસભ્ય ડો અનિલ જોષીયારા 5 વાર વિધાનસભા બેઠક જીતી ચુક્યા છે. તેઓ સૌથી પહેલા 1995માં ભાજપની ટિકિટ પરથી ભિલોડાના ધારાસભ્ય બન્યા હતા. તેઓ 1996માં કેબિનેટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન બન્યા હતા. તેઓ 2002 થી સતત ચાર વાર સતત કોંગ્રેસમાંથી વિજેતા રહ્યા હતા. આ પહેલા તેઓ ભાજપ છોડીને રાજપામાં જોડાતા એ વખતે તેઓએ તેમની બીજી વારની વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા. રાજકીય કારકિર્દીની શરુઆત પહેલા તેઓએ હિંમતનગરમાં સર્જન તરીકે ખાનગી હોસ્પીટલ ચલાવતા હતા. ગત માર્ચ માસમાં 69 વર્ષની વયે અવસાન પામ્યા હતા.

હજુ પણ ઉત્તર ગુજરાતના કોંગ્રેસી આગેવાનો નારાજ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા બેઠકના ધારાભ્ય અશ્વિન કોટવાલે પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ મુકી દઈને કોંગ્રેસને છોડી દીધી હતી. આ માટે તેમણે તેમના નેતાઓની નિતી રીતીનો જ વિરોધ કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં હજુ પણ બે દિગ્ગજ નેતાઓ નારાજ હોવાનુ મનાઈ રહ્યુ છે. બે વાર ધારાસભ્ય રહી ચુકેલા એક કોંગ્રેસી નેતાએ ભાજપના એક યુવા નેતા દ્વારા ભાજપની સાથે જોડાણ કરવાની વાતો કરી હોવાના સમાચાર પણ ચર્ચાઈ રહ્યા છે. આ સિવાય પણ કેટલાક અગ્રણીઓ જિલ્લામાંથી ભાજપમાં જોડાવવા માટે ઉત્સુક બન્યા હોવાની પણ ચર્ચા તેજ બની છે. આ માટે જિલ્લા કોંગ્રેસના સંગઠન અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની નિતી જવાબદાર હોવાનો રોષ પણ દર્શાવાઈ રહ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati