કોમેડિયન સુનીલ ગ્રોવરે (Sunil Grover) હાલમાં જ બાયપાસ સર્જરી (Bypass Surgery) કરાવી છે. ચાહકોને આ સમાચાર મળતા જ બધા ચોંકી ગયા. બધાને સુનીલની ચિંતા હતી. અભિનેતાઓથી લઈને ચાહકો સુધી, દરેક સુનીલના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, સુનીલને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દરમિયાન સુનીલને મીની હાર્ટ એટેક આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. હવે સુનીલની હાલત પર કપિલ શર્માની પ્રતિક્રિયા આવી છે.
જ્યારે કપિલને સુનીલની હાલત વિશે પૂછવામાં આવ્યું તો તેણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું, ‘હું આ સમાચાર સાંભળીને ખૂબ જ ચોંકી ગયો હતો. હું સુનીલની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત છું. મેં તેમને મેસેજ કર્યો છે. હવે જ્યારે તેને તાજેતરમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, તો તેણે કદાચ મારો સંદેશ હજુ સુધી વાંચ્યો નથી. આટલી નાની ઉંમરે તેને હાર્ટ સર્જરી કરાવવી પડી હતી, પરંતુ મને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. મે અમારા કોમન ફ્રેન્ડ્સ દ્વારા તેની સ્થિતિ વિશે જાણવાની કોશિશ કરી. તેઓ બધા મને તેમના સ્વાસ્થ્યના અપડેટ્સ આપતા રહે છે.
તમને જણાવી દઈએ કે કપિલ અને સુનીલ પહેલા સારા મિત્રો હતા અને બંનેએ કપિલ શર્મા શોમાં પણ સાથે કામ કર્યું છે. ચાહકોને પણ બંનેની જોડી ખૂબ પસંદ આવી હતી, પરંતુ પછી વર્ષ 2017માં એક ફ્લાઈટ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. ભારત પાછા આવ્યા બાદ બંનેએ વાત કરવાનું બંધ કરી દીધું અને સુનીલે કપિલ સાથે કામ કરવાની ના પાડી દીધી. કપિલ અને શોના મેકર્સ દ્વારા વારંવાર ફોન કરવા છતાં સુનીલ પરત આવ્યો ન હતો.
ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ ડોક્ટરોનું કહેવું છે કે સુનીલને માઈનોર હાર્ટ એટેક આવ્યો હતો. આ સાથે તે કોવિડ પોઝિટિવ પણ હતો. ડોક્ટરોનું કહેવું છે કે સુનીલની 4 બાયપાસ સર્જરી થઈ છે. સર્જરીના 7 દિવસ બાદ એટલે કે 3 ફેબ્રુઆરીએ સુનીલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સુનીલને હવે આરામની જરૂર છે અને તેણે પોતાની જીવનશૈલી પર પણ ધ્યાન આપવું પડશે. તેમને દરરોજ ચાલવું અને કસરત કરવી પડશે. ડૉક્ટરોનું કહેવું છે કે જ્યારે સુનીલ આગામી થોડા અઠવાડિયામાં સારું અનુભવશે ત્યારે તે કામ પર પરત ફરી શકે છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –