
અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની લવ સ્ટોરી ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા-રામલીલા’ના સેટ પર શરૂ થઈ હતી. આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી અને તેમાં દીપિકા-રણવીરની સિઝલિંગ કેમેસ્ટ્રી ચાહકોને જોવા મળી હતી.
આ ફિલ્મ પછી બંનેએ થોડાં વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી દીપિકા-રણવીરે 14 નવેમ્બર 2018ના રોજ ઈટાલીમાં લગ્ન કર્યા. હવે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ રણવીર સાથે ફેમિલી પ્લાનિંગ વિશે ખુલીને વાત કરી છે. તેણે પતિ રણવીર સાથે પરિવારની શરૂઆત કરવા અંગે કોમેન્ટ્સ કરી છે.
એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં દીપિકાએ તેના માતા-પિતાના ઉછેરની વાત કરી હતી. “જે લોકો સાથે હું મોટી થઈ છું, મારી કાકીઓ, કાકાઓ, કુટુંબના સભ્યો, મિત્રો… તેઓ હંમેશા મને કહે છે કે હું બિલકુલ બદલાઈ નથી. તેઓ વારંવાર અમારા ઉછેરની વાત કરે છે. પ્રસિદ્ધિ અને પૈસા મળ્યા પછી આ ઈન્ડસ્ટ્રીમાં બદલાવ લાવવા ખૂબ જ સરળ છે. તે હવા તમારા માથા સુધી પહોંચવામાં લાંબો સમય લાગતો નથી. પરંતુ મારા ઘરમાં કોઈ મારી સાથે સેલિબ્રિટી જેવું વર્તન કરતું નથી. જ્યારે હું ઘરે હોઉં છું, ત્યારે હું એક સામાન્ય પુત્રી અને સામાન્ય બહેન છું. હું માનું છું કે આ વસ્તુ ક્યારેય બદલવી જોઈએ નહીં. મારો પરિવાર મારા પગ જમીન પર રાખે છે. આ તે મૂલ્યો છે જે રણવીર અને હું અમારા બાળકોમાં કેળવવા માંગીએ છીએ,” દીપિકાએ કહ્યું.
બાળકો વિશે વાત કરતાં દીપિકાને તેના ફેમિલી પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું. તેમને પૂછવામાં આવ્યું, “શું તમે તેના વિશે કંઈ વિચારી રહ્યા છો કે પ્લાનિંગ કરી રહ્યા છો?” આના જવાબમાં દીપિકાએ કહ્યું કે, ચોક્કસ. રણવીર અને હું બાળકોને પ્રેમ કરીએ છીએ. “અમે અમારું કુટુંબ શરૂ કરવા માટે આતુર છીએ.”
દીપિકાની ફિલ્મોની વાત કરીએ તો તે હાલમાં ફિલ્મ ‘ફાઈટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આમાં તેની સાથે અભિનેતા રિતિક રોશન મુખ્ય ભૂમિકા ભજવશે. આ પહેલા તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં જોવા મળી હતી. તેણે આ રોલ માટે કોઈ ફી લીધી ન હતી.