પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moose Wala) મૃત્યુ પછી, ગાયકનું નામ કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા સિદ્ધુ મુસેવાલાનું નામ તેના છેલ્લા ગીત માટે ચર્ચામાં હતું. હવે આ પછી ફરી એકવાર સિંગર સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં, પાકિસ્તાનમાં ચૂંટણી પ્રચાર (Pakistan elections) દરમિયાન સિદ્ધુ મુસેવાલાની તસવીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હા, પેટાચૂંટણીમાં સ્વર્ગસ્થ ગાયકની તસવીર હોર્ડિંગ પર લગાવીને પાર્ટીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ તસવીર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) પાર્ટી તહરીક-એ-ઈન્સાફના હોર્ડિંગ પર લગાવવામાં આવી છે.
સિદ્ધુ મુસેવાલા એકમાત્ર એવા ગાયક છે, જેમના મૃત્યુને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ, એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે તેના વિશે કોઈ સમાચાર ન આવતા હોય. તેમના નિધન પર માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાને શોક વ્યક્ત કર્યો હતો. તેમની ખ્યાતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાનની પેટાચૂંટણીમાં તેમની તસવીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં યોજાનારી પેટાચૂંટણીમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના મુલતાન ક્ષેત્રમાંથી ઉમેદવાર જૈન કુરેશીનું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેણે સિદ્ધુ મુસેવાલાની તસવીર મૂકી છે. આમાં મૂસેવાલાની તસવીર સાથે તેમનું પ્રખ્યાત ગીત ‘295’ ટાંકવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે પછી એવા અહેવાલો છે કે ગાયકનું લોકપ્રિય ગીત 295 ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતા પોસ્ટરોમાં દર્શાવવામાં આવ્યું છે. આ ગીત ભારતીય દંડ સંહિતાના એક વિભાગ પર ટિપ્પણી કરે છે, જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
અહેવાલોમાં એવો પણ ખુલાસો થયો છે કે, પાકિસ્તાનમાં 17 જુલાઈએ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જ્યારે જૈન કુરેશીને ચૂંટણી પ્રચારના હોર્ડિંગ પર મુસેવાલાની તસવીરને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, તેમને આ અંગે કંઈ ખબર નથી. તે કહે છે કે ‘હું પોસ્ટર પર સિદ્ધુ મુસેવાલાની તસવીર છાપનારા તમામનો આભાર માનું છું. આ તસવીરના કારણે આ પોસ્ટર વાયરલ થઈ ગયું છે. અગાઉ અમારું કોઈ પોસ્ટર વાયરલ થયું ન હતું.