પશ્ચિમ બંગાળમાં હવે EC વિરુધ્ધ મમતા દીદી, પ્રચાર કરવા સામે પ્રતિબંધ લગાવતા આજે કરશે ધરણા

કેન્દ્રીય ચૂંટણી પંચે, મમતા બેનર્જીના ( Mamta benarji ) નિવેદનને અત્યંત અપમાનજનક અને કાયદો વ્યવસ્થા માટે ખતરારૂપ ગણાવીને 24 કલાક માટે પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો.

  • Bipin Prajapati
  • Published On - 9:25 AM, 13 Apr 2021
પશ્ચિમ બંગાળમાં હવે EC વિરુધ્ધ મમતા દીદી, પ્રચાર કરવા સામે પ્રતિબંધ લગાવતા આજે કરશે ધરણા
મમતા બેનર્જી

કેન્દ્રીય ચૂટણી પંચે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamta benarji ) ઉપર 24 કલાક સુધી પ્રચાર કરવા લાદેલા પ્રતિબંધ, બાદ તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યુ છે કે, ચૂંટણી પંચ ( Election Commission-EC) નો મતલબ ખુબજ સમાધાનકારી (Extremly Compromised) છે. ચૂંટણી પ્રચાર કરવા માટે પ્રતિબંધ લાગવાથી મમતા બેનર્જી 13 એપ્રિલના રાત્રીના 8 વાગ્યા સુધી પ્રચાર નહી કરી શકે.

પોતાના ઉપર ચૂંટણી પ્રચાર કરવા સામે લગાવેલા પ્રતિંબધથી લાલપીળા થઈ ઉઠેલા મમતા બેનર્જીએ મંગળવારે ધરણા કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ચૂંટણીપંચના અલોકતાત્રિક અને અસંવૈધાનિક નિર્ણયના વિરોધમાં, બપોરના 12 વાગે કોલકત્તામાં ગાંધીમૂર્તિ પાસે ધરણા કરશે. આ પહેલા મમતા બેનર્જીએ ડમડમ ખાતે જાહેર સભાને કરેલા સંબોધનમાં કહ્યુ હતું કે, કેન્દ્રીય ચૂંટણી પંચ માત્ર ભાજપની વાતો ના માને. બધાની વાત માને. કોઈ પ્રકારે પક્ષપાતી સાબિત ના થાય પંચ.

કેન્દ્રીય ચૂંટણી પંચે પોતાના આદેશમાં જણાવ્યુ છે કે, મમતા બેનર્જીએ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવાની સાથેસાથે 1951ના જનપ્રતિનિધિત્વ ધારાની કમલ 123(3) અને (3-અ) તેમજ ઈન્ડિયન પીનલ કોડની (ipc) સહીત અનેક ધારાઓનો ભંગ કર્યો છે. મમતા બેનર્જીએ એક રેલીમાં એવુ કહ્યુ હતું કે, કેન્દ્રિય સુરક્ષાદળ રોકે તો કેટલાક તેમનો ધેરાવ કરો અને બાકીના જઈને મતદાન કરો. આ ઉપરાંત અન્ય એક રેલીમાં લઘુમતી મતદારોને એકસંપ થઈને મતદાન કરવા અપિલ કરી હતી. આ નિવેદન બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે મમતા બેનર્જીને કારણદર્શક નોટીસ ફટકારી હતી. જેની સામે મમતાએ હુકાર કર્યો હતો કે ચૂંટણી પંચ એક નોટીસ આપે કે દશ, હુ મારા પોતાના નિવેદનને વળગી રહીશ.

પશ્ચિમ બંગાળમાં ચોથા ચરણની ચૂંટણી દરમિયાન કુચબિહારમાં કેન્દ્રીય સુરક્ષાબળોએ કરેલા ગોળીબારમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટના બાદ, મમતા બેનર્જીએ ટવીટ કરીને કહ્યુ હતું કે, કેન્દ્રીય ચૂંટણી પંચે મોડલ કોડ ઓફ કન્ડક્ટ (MCC)નું નામ બદલીને મોદી કોડ ઓફ કન્ડક્ટ (MCC) કરી નાખવું જોઈએ. ભાજપ ભલે પોતાની પૂરેપૂરી તાકાત લગાવે, પણ આ દુનિયામમાં મને મારા પોતાના લોકોનો સાથ આપવા અને તેમના દર્દમાં ભાગીદાર બનતા કોઈ નહી રોકી શકે.