“છોકરીઓ રાહુલ ગાંધીથી દૂર રહે છે કારણ કે” કેરળના પૂર્વ સાંસદનું વિવાદિત નિવેદન

તાજેતરમાં કેરળના પૂર્વ સાંસદ જોયસ જોર્જે કોંગ્રેસના નેતા અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધી વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

  • tv9 webdesk37
  • Published On - 15:31 PM, 30 Mar 2021
"છોકરીઓ રાહુલ ગાંધીથી દૂર રહે છે કારણ કે" કેરળના પૂર્વ સાંસદનું વિવાદિત નિવેદન
પ્રતિકાત્મક તસ્વીર

ચૂંટણીમાં નેતાઓ વચ્ચે મૌખિક યુદ્ધ દરમિયાન અવારનવાર અપમાનજનક નિવેદનો આપવામાં આવે છે. ઘણી વખત નેતાઓ સામેના પક્ષની ટીકા કરવામાં ગરિમા ઓળંગી હતા હોય છે. તાજેતરમાં કેરળના પૂર્વ સાંસદ જોયસ જોર્જે પણ આવું જ કંઈક કર્યું છે. જોયસે કોંગ્રેસના નેતા અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધી વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે તે માત્ર ગર્લ્સ કોલેજોમાં જ જાય છે. જોયસ અહીં જ અટક્યા નહીં, તેમણે એમ પણ કહ્યું કે છોકરીઓએ રાહુલ ગાંધીથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેમના લગ્ન થયા નથી.

જોયસ કેરળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સીપીઆઈ (એમ) ના નેતા એમએમ મણિના સમર્થનમાં જાહેર સભા કરી રહ્યા હતા. જોયસના નિવેદનથી હવે વિવાદ શરુ થઇ ગયો છે અને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરવાની તૈયારી કરી લીધી છે.

જોયસે કહ્યું હતું કે, ‘રાહુલનો ચૂંટણી પ્રચાર એટલો જ છે કે તે છોકરીઓની કોલેજમાં જશે. ત્યાં જઇને તે છોકરીઓને ઝૂકવાનું શીખવશે. મારા વહાલા બાળકો તેની સામે ઝૂકો નહીં, સીધા ઉભા રહો… તેના લગ્ન નથી થયાં.’

જોયસ કેરળના ઇડુક્કીથી અપક્ષ સાંસદ રહી ચૂક્યા છે. જ્યારે જોયસે આ નિવેદન આપ્યું ત્યારે કેરળના મંત્રી એમએમ મણિ પણ મંચ પર હાજર હતા. જોયસના નિવેદન પછી તેઓ કેમેરામાં પણ હસતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા કોંગ્રેસના કેરળ એકમે પૂર્વ સાંસદ પર પ્રહાર કર્યા અને કહ્યું કે “એ સ્પષ્ટ છે કે સીપીઆઇએમને વિધાનસભાની ચૂંટણીમાં પોતાની હારનો અહેસાસ થઇ ગયો છે.” આ સમગ્ર ઘટનાના વીડિયોને ટ્વીટ કરતાં કોંગ્રેસે જોયસના નિવેદનની નિંદા કરી છે.

આપને જણાવી દઈએ કે કેરળમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ કોચીની સેન્ટ ટેરેસા કોલેજની મહિલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત કર્યા બાદ જોયસનું નિવેદન તાજેતરમાં આવ્યું છે.

દેશમાં પાંચ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. ત્યારે દરેક પ્રદેશમાં નાના મોટા દરેક નેતાઓ દ્વારા આવા ગરિમા ઓળંગતા વિવાદિત નિવેદનો આપવામાં આવે છે. આના પરથી લાગે છે કે ચૂંટણી જીતવાની લ્હાયમાં નેતાઓ ગરિમા જાળવવાનું ભૂલતા જઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: બંગાળમાં શાબ્દિક દંગલ: નંદીગ્રામમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી આમને-સામને