Mamta Banerjeeનો આરોપ, કેન્દ્ર બંગાળને વેક્સિન નથી આપી રહ્યું, કેન્દ્રએ આપ્યો આવો જવાબ અને પછી થઈ જોવા જેવી

પશ્ચિમ બંગાળની ચૂંટણીની રેલીઓમાં ભાત ભાતના આરોપો લાગી રહ્યા છે. આવામાં મમતાએ કેન્દ્ર પર વેક્સિનની અપૂરતી પર આરોપ લગાવ્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 10:13 AM, 18 Mar 2021
Mamta Banerjeeનો આરોપ, કેન્દ્ર બંગાળને વેક્સિન નથી આપી રહ્યું, કેન્દ્રએ આપ્યો આવો જવાબ અને પછી થઈ જોવા જેવી

રાજસ્થાન, મહારાષ્ટ્ર પછી બંગાળ પણ કોરોના વેક્સિનના મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વિવાદમાં આવી ગયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓને પૂરતી સંખ્યામાં કોરોના વેક્સિન આપવામાં આવતી નથી. આ આરોપને કેન્દ્રએ ફગાવી દીધો છે. બુધવારે મમતાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્ર રાજ્યને કોરોના વેક્સિન આપી રહ્યું નથી. તેના જવાબમાં કેન્દ્ર સરકારે વેક્સિન ડેટા સંબંધિત માહિતી શેર કરી અને કહ્યું કે રસીકરણના 20 લાખથી વધુ ડોઝ હજી બંગાળ સરકાર પાસે બચ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વેક્સિન ડોઝ ડેટા જાહેર કર્યો, જેમાં જણાવ્યું છે કે બંગાળમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના કુલ 52.90 લાખ ડોઝ પૂરા પાડવામાં આવ્યા હતા. તેમાંથી રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન દરમિયાન 30.89 લાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે 22.01 લાખ કોરોના વેક્સિન ડોઝ બાકી છે. આ આંકડા 17 માર્ચ, સવારે આઠ વાગ્યા સુધીના છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી વિવિધ મુખ્યમંત્રીઓ સાથેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં ભાગ લીધો ન હતો. કોરોના મુદ્દે બંગાળના મુખ્ય સચિવ અલાપમ બંધોઉપાધ્યાય વડા પ્રધાન સાથેની આ વાતચીતમાં સામેલ થયા હતા. તેમણે બેઠક દરમિયાન રસીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે બંગાળને વધુ રસીની જરૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે મમતા બેનર્જી પીએમ મોદી સાથેની આ બેઠકમાં ભાગ લઈ શક્યા ન હતા.

બીજી તરફ, મમતા બેનર્જીએ ઝારગ્રામમાં યોજાયેલી એક રેલીમાં આરોપ લગાવ્યો હતો કે તે રાજ્યના લોકો માટે મફત કોવિડ -19 રસીકરણ માંગ કરે છે. પરંતુ કેન્દ્ર તેમને મંજૂરી આપી રહ્યું નથી. તેમણે કહ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ભાજપે વચન આપ્યું હતું કે રાજ્યના તમામ લોકોને વિના મૂલ્યે રસી અપાશે, પરંતુ તેમણે આ વચન પાળ્યું નથી.

રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ વેક્સિનના અભાવનો મુદ્દો

પશ્ચિમ બંગાળ એક માત્ર એવું રાજ્ય નથી કે જેણે હાલના સમયમાં વેક્સિનની ઉણપનો મુદ્દો ઉઠાવ્યો છે. અગાઉ રાજસ્થાન અને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીઓએ પણ વેક્સિનના અભાવ વિશે વાત કરી હતી. જો કે કેન્દ્ર સરકારે તે સમયે એમ પણ કહ્યું હતું કે બંને રાજ્યોમાં પૂરતી સંખ્યામાં વેક્સિન છે. રાજસ્થાનના આરોગ્ય પ્રધાન ડોક્ટર રઘુ શર્માએ કહ્યું હતું કે અમારી પાસે માત્ર ત્રણ દિવસની વેક્સિન બાકી છે. ત્યારબાદ કેન્દ્રએ જવાબ આપ્યો હતો રાજસ્થાનમાં વેક્સિનની કમી નથી. 37.61 લાખ ડોઝ મોકલાયા છે, જેમાંથી ફક્ત 24.28 લાખ ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.