ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પૂર્વે જ કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા લઈ સમગ્ર રાજ્યમાં ફરશે. 2017માં જ્યાં રાહુલ ગાંધી બસ લઈને ગુજરાતભરમાં ફર્યા હતા, ત્યારે આ ચૂંટણીમાં એક યાત્રાને બદલે અલગ-અલગ 5 જગ્યાઓથી એક સાથે યાત્રા શરૂ કરવા જઈ રહ્યું છે. પરિવર્તન સંકલ્પ યાત્રા સાથે કોંગ્રેસ આક્રમક પ્રચાર પ્રસારની શરૂઆત કરશે.
વિધાનસભા 2022ની ચૂંટણીને ગુજરાત કોંગ્રેસ એક મિશન તરીકે લઈ રહી છે અને આ જ કારણથી આ મિશનને પાર પાડવા માટે નવી નવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી છે. આ વખતે 2022 વિધાનસભાની ચૂંટણીમાં 2017 વિધાનસભાની ચૂંટણી કરતા અલગ જ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. જેમાં કોંગ્રેસ વધારેમાં વધારે લોકો સુધી પહોંચવા યાત્રાઓના સહારે જોવા મળી રહ્યું છે. દિવાળી પહેલા પણ યુથ કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં સમગ્ર રાજ્યમાં યુવા પરિવર્તન યાત્રા યોજી હતી. ત્યારે હવે દિવાળી બાદ રાષ્ટ્રીય નેતા તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના માર્ગદર્શનમાં ગુજરાતના ચારેય ઝોનમાંથી 5 પરિવર્તન સંકલ્પ યાત્રા યોજવામાં આવશે. સરદાર પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબરથી કોંગ્રેસ રાજ્યમાં 5 પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત કરશે.
ગુજરાત કોંગ્રેસની આ યાત્રાથી રાજ્યની 175 વિધાનસભા વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ યાત્રાઓની શરુઆત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ કરશે અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ યાત્રાને આગળ ધપાવશે. યાત્રાઓ દરમ્યાન રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આપેલા 8 વચનો જન જન સુધી પહોચાડવામાં આવશે