ગુજરાતના ચૂંટણી રણમાં રાહુલ ગાંધીની પ્રથમ સભા, કહ્યુ- આદિવાસી જ આ દેશના પહેલા અને સાચા હક્કદાર

Gujarat Election 2022: રાહુલ ગાંધીએ આજે સુરતના મહુવામાં તેમની પ્રથમ ચૂંટણી સભા સંબોધી હતી. આ તકે રાહુલ ગાંધીએ આદિવાસી વોટબેંકને સાધવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ આદિવાસીઓને દેશના પહેલા અને અસલી હક્કદાર ગણાવ્યા.

ગુજરાતના ચૂંટણી રણમાં રાહુલ ગાંધીની પ્રથમ સભા, કહ્યુ- આદિવાસી જ આ દેશના પહેલા અને સાચા હક્કદાર
રાહુલ ગાંધી
TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Nov 21, 2022 | 5:34 PM

ગુજરાતના ચૂંટણી રણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે પ્રથમ ચૂંટણી રેલી સંબોધી હતી. સુરતના મહુવા તાલુકાના અનાવલમાં રાહુલ ગાંધીએ પ્રથમ સભા સંબોધી. અહીં રાહુલે આદિવાસી વોટબેંકને સાધવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે તમે જ આ દેશના સાચા હક્કદાર અને હિંદુસ્તાનના પ્રથમ માલિક છો. રાહુલે ભાજપ પર પ્રહાર કર્યો કે ભાજપના લોકો તમને આદિવાસી નથી કહેતા, પરંતુ વનવાસી કહે છે. એ લોકો તમને એવુ નથી કહેતા કે તમે હિંદુસ્તાનના પ્રથમ માલિક છો, એ એવુ કહે છે કે તમે જંગલમાં રહો છો.

ભાજપના લોકો તમને આદિવાસી નથી ગણતા વનવાસી ગણે છે: રાહુલ ગાંધી

રાહુલે પ્રહાર કર્યા કે ભાજપના લોકો એવુ નથી ઈચ્છતા કે તમે પણ શહેરમાં રહો, તમારા બાળકો એન્જિનિયર, ડોક્ટર બને, પ્લેન ઉડાવતા શીખે. અંગ્રેજી બોલે એવુ ભાજપના લોકો નથી ઈચ્છતા. એ ઈચ્છે છે કે તમે જંગલમાં જ રહો. રાહુલે ઉમેર્યુ કે એ તમારી પાસેથી જંગલ પણ છીનવી લેશે. જો આમ જ ચાલતુ રહેશે તો પાંચ-દસ વર્ષ બાદ આખુ જંગલ તેમના બે ત્રણ ઉદ્યોગપતિ મિત્રો પાસે હશે અને તમને રહેવાની કોઈ જગ્યા પણ નહીં રહે.

રાહુલે કહ્યુ આદિવાસી શબ્દનો મતલબ આ દેશ તમારો હતો અને તમને આ દેશમાં હક્ક મળવા જોઈએ, રોજગાર મળવો જોઈએ. સ્વાસ્થ્ય અને શિક્ષણ મળવુ જોઈએ. વનવાસીનો અર્થ જે કંઈપણ તમારુ છે તે કહેવાતા ઉદ્યોગપતિઓને સોંપી દો, તમારા હક્ક છીનવી લેવામાં આવે. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે તમે વનવાસી નથી. તમે આદિવાસી છો આ દેશમાં તમારી જમીનનુ રક્ષણ થશે. તમને સ્વાસ્થ્ય અને શિક્ષણ મળશે અને યુવાઓને રોજગારી મળશે.

કોંગ્રેસ આદિવાસીઓના હક્કોના રક્ષણ માટે પેસા કાનુન લાવી: રાહુલ ગાંધી

રાહુલે જણાવ્યુ કે તમારી રક્ષા કરવા માટે અમે પેસા કાયદો લાવ્યા અને સમગ્ર દેશમાં જમીન અધિગ્રહણ બિલ લાવ્યા. ફોરેસ્ટ રાઈટ એક્ટ લાવ્યા. તમારુ પાણી, જમીન અને જંગલ તમને પરત અપાવવા માટે અમે આ કાયદા લાવ્યા હતા. જે ક્રાંતિકારી કાયદા હતા. પરંતુ ભાજપની સરકારે આ કાયદાઓ લાગુ ન કર્યા. ભાજપ શાસિત એકપણ રાજ્યમાં આ કાયદાઓને લાગુ ન થવા દીધા. આ કાયદાઓને તેમણે નબળા પાડવાનુ કામ કર્યુ. આ જ તફાવત છે. અમે મનરેગા, રોજગાર, શિષ્યવૃતિ, જમીનનો અધિકાર આપ્યો. ભાજપના લોકો તમારી જમીન તમારી પાસેથી છીનવે છે.


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati