ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના પ્રવાસ પણ વધી ગયા છે, ત્યારે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી (PM Modi) 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં (Rajkot) PM મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. ઉપરાંત PM મોદી રાજકોટવાસીઓને વિકાસની ભેટ પણ આપશે. રાજકોટમાં વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે.
આ સભામાં દોઢ લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા છે. PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને વડાપ્રધાનના કાર્યક્રમને લઈને કલેક્ટર કચેરીમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની (Jitu vaghani) અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. જેમાં રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે ગઈ કાલે પાટીદારના ગઢ ગણાતા જામકંડરણામાં વડાપ્રધાન મોદીએ વિશાળ જનસભાને સંબોધી હતી. અને હવે ફરી તેઓ રાજકોટમાં આવનાર છે. તો આપને જણાવી દઈએ કે, હાલ ભાજપ સૌરાષ્ટ્રમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે. ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી 15 ટકા છે. એકલો લેઉવા પાટીદાર સમાજ (Patidar community) સૌરાષ્ટ્ર, સુરત અને મધ્ય ગુજરાતમાં કુલ 50 સીટો પર સીધી રીતે અસર કરી શકે છે, ત્યારે લેઉવા પાટીદાર સમાજના એપી સેન્ટર સમાન જામકંડોરણામાં આ મોદીની સભાનું આયોજન કરીને ભાજપે એક તીરે અનેક નિશાન સાધ્યા.
ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર થઇ હતી અને તેમાં પણ ગ્રામ્ય સ્તરે લેઉવા પાટીદાર સમાજના મતો ભાજપ (BJP) વિરુદ્ધ જોવા મળ્યા હતા ત્યારે આ વખતે આ મતનો લાભ ભાજપને મળે અને લેઉવા પાટીદાર સમાજ ભાજપ તરફ આકર્ષાય તેવા ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે. એટલા માટે જામકંડોરણાની આ સભા ખૂબ જ મહત્વની ગણી શકાય અને હવે 19 ઓક્ટોબરે પણ રોડ શો થકી ભાજપ પ્રચાર કરશે. એટલે કહી શકાય કે સૌરાષ્ટ્રવાસીઓને રીઝવવા ભાજપે સ્ટાર પ્રચારક અને ગુજરાતનો પોતાનો ચેહરો કહી શકાય તેવા વડાપ્રધાન મોદીને મેદાનમાં ઉતાર્યા છે.