ગુજરાતમાં આગામી વિધાનસભાની (Gujarat vidhan sabha Election) ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ (Election Commission of India ) દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જૂન 2022માં જાહેર કરવામાં આવેલા મતદાર યાદી સબંધી સુધારાઓ અન્વયે જાહેર કરવામાં આવેલી લાયકાતની ચાર તારીખોને કારણે હવે યુવાનો માટે મતદાર બનવાનું આસાન થયું છે. નવા સુધારાઓ સાથે તા.12 મી ઓગસ્ટ-2022થી11 મી સપ્ટેમ્બર-2022 દરમ્યાન યોજાયેલા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વ્યાપકણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજીને વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નામ નોંધાવે તે માટે ઝુંબેશ હાથ હાથ ધરવામાં આવી હતી.
આખરી મતદારયાદીમાં સમાવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં 18થી 19 વયના જુથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.એટલે કે, આ વય જુથમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓએ મતદાર તરીકે વધુ નોંધણી કરાવી છે.
કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે અને ભારતના ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારો માટે PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાની માહિતી આપીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.
મતદારયાદીમાં નામ નોંધાવનાર નવા મતદારો સહિત જે મતદારોએ મતદારયાદીમાં પોતાની વિગતોમાં સુધારા કરાવ્યા છે તે તમામને નવા અને સુધારેલા મતદાર ઓળખ પત્ર (EPIC) પહોંચાડવાની કામગીરી હાલમાં વેગીલી બનાવવામાં આવી છે. તેમજ લાયકાત ધરાવતો કોઇ મતદાર, મતદાન કર્યા વગર ના રહે અને ચૂંટણી પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગોની સહભાગિતા વધે તે માટે અને તે દ્વારા આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા વિવિધ સરકારી તથા બિન-સરકારી સંસ્થાઓ સાથે MoU પણ કરવામાં આવી રહ્યાં છે.