ઉલ્લેખનીય છે કે, શનિવારે અમિત શાહે સૌરાષ્ટ્રમાં 3 સભા યોજી હતી. તો જેપી નડ્ડા, CM યોગીએ જાહેર સભા યોજી પ્રચારનો દૌર આગળ ધપાવ્યો હતો. આ વચ્ચે ભાજપે ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કર્યો હતો. જેમાં યોજનાઓની ભરમાર અને ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાના વાયદા કર્યા હતા.મતદારોને રીઝવવા નેતાજીઓના પણ અવનવા રંગ સામે આવ્યા હતા. ઉદય કાનગડે આરતીમાં નગારા વગાડ્યા તો પરસોત્તમ સોલંકીએ સત્સંગમાં મંજીરાના તાલે ઝુમ્યા હતા. આ સાથે અન્ય કેટલાક નેતાઓએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરતા એકબીજા પર વાર-પલટવાર પણ જોવા મળ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહુધામા જાહેરસભાને સંબોધિત કરી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સભા સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવલ પર પણ શબ્દો નો આકરો પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રામાં મેઘા પાટેકર જોડાઈ છે. મેધા પાટકરે ગુજરાતને નર્મદાના પાણીથી વંચિત રાખવાનું કામ કર્યું છે.