ગુજરાત ચૂંટણી 2022: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી જીતવાનો કર્યો દાવો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mina Pandya

Updated on: Dec 05, 2022 | 11:43 PM

Gujarat Election 2022: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. મતદાન બાદ પાટીલે ગુજરાતના તમામ મતદાતાઓ, ભાજપના આગેવાનો, કાર્યકરો અને વિશેષ રીતે પીએમ મોદી અને અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત ચૂંટણી 2022: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી જીતવાનો કર્યો દાવો
C R Patil

ગુજરાતમાં બંને તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. મતદાન બાદ પાટીલે જણાવ્યું કે ગુજરાતમાં મતદારોએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કરી મતદાનમાં ઉમળકો દર્શાવ્યો છે તેના કારણે ભાજપને અપેક્ષા કરતા પણ વધુ બેઠકો મળશે. સી આર પાટીલે જણાવ્યુ કે ગુજરાતના દરેક મતદાતા ભાઈ બહેનોએ જે રીતે મતદાનમાં ઉમળકો બતાવ્યો, જે રીતે તેમણે ગુજરાતના ઉત્કર્ષ અને સુરક્ષા માટે પીએમ મોદી પર વિશ્વાસ કર્યો અને મતદાન પ્રક્રિયામાં શાંતિપૂર્ણ રીતે ભાગ ભજવ્યો છે એના માટે મતદાતાનો આભાર માન્યો છે.

પાટીલે વિશેષ રીતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે પીએમ મોદી અને અમિત શાહે સતત ગુજરાતના પ્રવાસ કરી સતત મતદારોનો અને કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો.

બંને તબક્કામાં સરેરાશ 60.84 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન યોજાયુ હતુ. જેમાં સરેરાશ 60 સરેરાશ મતદાન નોંધાયુ છે. 833 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયુ છે તો પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન નોંધાયુ હતુ. બંને ચરણનું મળીને સરેરાશ 60.84 ટકા સરેરાશ મતદાન થયુ છે.

ઉલ્લેખનીય છે કે આજે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આચારસંહિતાનો કડક અમલ કરાવવામાં આવ્યો. ફ્લાઈંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ દ્વારા પણ ચુસ્ત  દેખરેખ રાખી ચકાસણી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ.31.92 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા, રૂ. 16.40 કરોડની કિંમતનો દારૂ, રૂ. 540.63 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. 36.51 કરોડના મૂલ્યની સોના-ચાંદી કે અન્ય મૂલ્યવાન ધાતુ કબ્જે કરવામાં આવી છે. રૂ. 176.38 કરોડની અને ચીજવસ્તુઓ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. 801.85 કરોડની કિંમતની રોકડ અને ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના બીજા તબક્કામાં અલગ અલગ પ્રકારની ફરિયાદો મળી છે. જેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું છે. આજે દિવસ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા 27 ફરિયાદો, અન્ય પ્રકારે 28 ફરિયાદો અને ઈમેલ દ્વારા 55 જેટલી ફરિયાદો મળી હતી. કૉલ સેન્ટર દ્વારા 39 ફરીયાદો મળી છે અને c-VIGIL મોબાઇલ એપ્લિકેશન દ્વારા 180 જેટલી ફરિયાદો મળી છે. ટેલિવિઝન અને અન્ય પ્રચાર માધ્યમો (ECI એલર્ટ્સ) દ્વારા 38 જેટલી ફરિયાદો ધ્યાનમાં આવી છે. આમ કુલ 312 જેટલી નાની-મોટી ફરિયાદો ઇલેક્શન કમિશનના ધ્યાને આવી હતી. જેનું તત્કાળ નિરાકરણ કરવામાં આવ્યું છે.


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati