Gujarat Election 2022 : પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂર્ણ, 1લી ડિસે. 89 બેઠકો પર 788 ઉમેદવારો માટે થશે મતદાન, બે કરોડ 39 લાખથી વધુ મતદારો કરશે મતદાન

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mina Pandya

Updated on: Nov 29, 2022 | 10:15 PM

Gujarat Election 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે પોતાના વિસ્તારમાં ક્યારેય ગાડીઓમાં પણ ન જોવા મળતા નેતાઓ પગપાળા મતદારો સુધી પહોંચી રહ્યા છે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચાર અહીં.

Gujarat Election 2022 : પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂર્ણ, 1લી ડિસે. 89 બેઠકો પર 788 ઉમેદવારો માટે થશે મતદાન, બે કરોડ 39 લાખથી વધુ મતદારો કરશે મતદાન
Gujarat Election 2022 Live

Gujarat Vidhansabha Election 2022 :  : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે, ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો પર યોજાનાર છે. તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યુ હતુ..એક તરફ ભાજપ સત્તા કાયમી રાખવા માટે મથામણ કરી રહી છે, વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજો હાલ ગુજરાત ગજવી રહ્યા છે. તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ આ વખતે એડી ચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી કે જે ગુજરાતમાં પરિવર્તનની આશાથી પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે. આ વખતની લડાઈ પરિવર્તન સામે પુનરાવર્તનની છે. જો કે નેતાઓના પ્રચાર દરમિયાન ઉમટતી ભીડનો ઝુકાવ કોના તરફ રહેશે તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 29 Nov 2022 09:18 PM (IST)

  હિન્દુ મંદિર અને મહિલાઓનું અપમાન કરનારને એકપણ વોટ મળવા ન જોઈએ- સ્મૃતિ ઈરાની

  અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વેજલપુર બેઠકના ઉમેદવારના સમર્થનમાં સભા સંબોધી હતી. જેમાં તેઓએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “રેવડીવાળા અને ઇટલીયાએ હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. મને આજે ખબર પડી કે સ્વામિનારાયણના નિયમોનું પણ આ લોકોએ અપમાન કર્યું છે. હિન્દુ મંદિર અને મહિલાઓનું અપમાન કરનારને એકપણ વોટ મળવા ન જોઈએ.”

 • 29 Nov 2022 06:10 PM (IST)

  જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથિરીયાનું અનોખુ સોગંધનામું

  જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મનોજ કથિરીયાએ અનોખુ સોગંદનામું રજૂ કર્યું. મનોજ કથિરીયાએ પાંચ વર્ષ સુધી પક્ષ પલટો ન કરવાની કે રાજીનામું ન આપવાની લેખિતમાં મતદારોને ખાતરી આપી છે. આ ઉપરાંત ધારાસભ્યોને મળતા પગાર, ભથ્થા સહિતની કોઈ સવલત પણ ન લેવાની બાંહેધરી આપી. મનોજ કથિરીયાએ કહ્યું કે હું કમાવવા માટે નહીં પરંતુ વેપાર-ધંધો છોડીને પ્રજાની સેવા માટે રાજકારણમાં આવ્યો છું.

 • 29 Nov 2022 06:05 PM (IST)

  ભગવાનની મજાક ઉડાવતા આપના નેતાઓને મતદારો બરાબરનો પાઠ ભણાવશે- સ્મૃતિ ઈરાની

  કચ્છના માંડવીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર નિશાન તાક્યુ. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના સેનાપતિઓ જ મેદાન છોડી ભાગી ગયા છે. ભગવાનની મજાક ઉડાવતા આપના નેતાઓને મતદારો બરાબરનો પાઠ ભણાવશે તેવો સ્મૃતિ ઈરાનીઓ આશાવાદ વ્યવક્ત કર્યો. કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મહિલા સંમેલનને સંબોધતા ફ્રી શિક્ષણ, તેજસ્વી વિદ્યાર્થીઓને ફ્રી ઈ-સ્કુટર, 1 લાખ મહિલાઓને સરકારી નોકરીના વચન યાદ અપાવ્યા.

 • 29 Nov 2022 05:58 PM (IST)

  દરેક રાજ્યમાં ડિપોઝીટ જપ્ત કરવાનો AAPનો રેકોર્ડ છે- જેપી નડ્ડા

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેજરીવાલ પર પ્રહાર કર્યા કે અરવિંદ કેજરીવાલને ગંભીરતાથી લેવાની જરૂર નથી. દરેક રાજ્યમાં ડિપોઝીટ જપ્ત કરવાનો આપનો રેકોર્ડ છે. કેજરીવાલ લોકોને ભ્રમિત કરીને ગેરમાર્ગે દોરે છે. લોકોને વિશ્વાસ છે કે ભાજપ જ વિકાસ કરી શકે.

 • 29 Nov 2022 05:53 PM (IST)

  ગુજરાતમાં ભાજપને પડકાર આપવાનુ તો દૂર, ભાજપ સામે ચૂંટણી લડવાની સ્થિતિમાં પણ કોઈ નથી- જેપી નડ્ડા

  ભાવનગરમાં રોડશો દરમિયાન જેપી નડ્ડાએ કહ્યુ હું જ્યાં જ્યાં પણ ગયો છુ. ત્યાં મને એકતરફી માહોલ જોવા મળ્યો છે. ભાજપ ગુજરાતમાં તેના તમામ રેકોર્ડ તોડશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં એકતરફી પરિણામ આવશે. લોકો પીએમ મોદીને તેમના કામને અને તેમના પર જે અતૂટ વિશ્વાસ છે અને અથાગ પ્રેમ છે તેને લોકો મત આપશે. વધુમાં જેપી નડ્ડાએ કહ્યુ કે ભાજપની સામે મને કોઈ પડકાર આપવા માટે તો નહીં પરંતુ ચૂંટણી લડવાની સ્થિતિમાં હોય તેવો પણ નથી દેખાઈ રહ્યો. એકતરફી નિર્ણય ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીના પક્ષમાં કરી લીધો છે.

 • 29 Nov 2022 05:43 PM (IST)

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પ્રથમ તબક્કાની 89 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે 1લી ડિસેમ્બરે 89 બેઠકો પર પ્રથમ ચરણમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

 • 29 Nov 2022 05:16 PM (IST)

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના વિસ્તારોમાં પ્રચાર પડઘમ શાંત

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના વિસ્તારોમાં પ્રચાર પડઘમ શાંત થયા છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં  1 ડિસેમ્બર, 2022ના રોજ મતદાન યોજાશે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે.

 • 29 Nov 2022 05:06 PM (IST)

  ગુજરાતના ગામોમાંથી જાતિવાદ દૂર કરવાનું કામ ભાજપ સરકારે કર્યુ: અમિત શાહ

  ગુજરાતના ગામોમાંથી જાતિવાદનું ઝેર સમાપ્ત કરવાનું કામ ભાજપ સરકારે કર્યુ છે. ગુજરાતના ગામોમાં મજબુત સહકારી બનાવવાનું કામ ભાજપે કર્યુ છે. નર્મદા યોજનાથી કચ્છ, બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારો સુધી પાણી પહોંચાડવાનું કામ પણ ભાજપ સરકારે કર્યુ છે.

 • 29 Nov 2022 05:03 PM (IST)

  કપડવંજની સભામાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

  ખેડાના કપડવંજમાં ગૃહ પ્રધાન અમિત શાહે સભા સંબોધી. જેમા તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસના રાજમાં સમગ્ર સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ થઇ ગઇ હતી. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ડેરીઓ પણ બંધ થવાનું વાતાવરણ ઊભુ થયુ હતુ. નરેન્દ્ર મોદી આ આખી પરિસ્થિતિમાં જબરદસ્ત પરિવર્તન લાવ્યા. આજે ગુજરાતના ગામે ગામને રોડથી જોડવાનું કામ ભાજપ સરકારે કર્યુ. ગુજરાતમાં શાંતિ સ્થાપવાનું કામ પણ ભાજપ સરકારે કર્યુ છે.

 • 29 Nov 2022 04:33 PM (IST)

  કથિત ભાજપના કાર્યકરો યુવાનોને રૂપિયા આપતા હોવાનો વીડિયો વાયરલ

  ચૂંટણીમાં નેતાઓ મત મેળવવા માટે અનેક પ્રકારના હથકંડા અપનાવતા હોય છે. ત્યારે બનાસકાંઠાની દાંતા બેઠક પર વધુ એક વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. કથિત ભાજપના કાર્યકરો યુવાનોને રૂપિયા આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. અગાઉ પણ મહિલાઓને સાડીની લહાણીનો અને દારૂના નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો.

 • 29 Nov 2022 03:45 PM (IST)

  સમગ્ર દેશને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ PM મોદી કર્યુ: અમિત શાહ

  ઠાસરાની સભામાં અમિત શાહે જણાવ્યુ કે, જ્યારે કોરોનાના કપરાકાળમાં કોંગ્રેસ દ્વારા રાજકારણ રમવાનું કામ કરાતુ હતુ, ત્યારે PM મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યુ. નરેન્દ્ર મોદીએ ગરીબોનું દર્દ સમજી સવા બે વર્ષ સુધી દર મહીને ગરીબોને પાંચ કિલો અનાજ મફતમાં આપ્યુ છે.

 • 29 Nov 2022 03:38 PM (IST)

  કોંગ્રેસને પુછીશ કે કોંગ્રેસે પાંચ વર્ષમાં તમે શું કર્યુ ?: અમિત શાહ

  ખેડાના ઠાસરામાં ગૃહ પ્રધાન અમિત શાહે સભા સંબોધી. જેમાં તેમણે જણાવ્યુ કે, PM મોદીએ સમગ્ર દેશમાં ગરીબોનો ઉદ્ધાર કરવાનું કામ કર્યુ છે.ઠાસરા વિસ્તારમાં 20 કરોડ રુપિયાના રોડ બનાવવાનું કામ ભાજપ સરકારે કર્યુ છે. ખેડા જિલ્લામાં ચેકડેમ બનાવ્યા, તળાવો ઉંડા કર્યા, 200 કરોડ રુપિયાથી પાણીનું જળસંચય કરવાનું કામ ભાજપ સરકારે કર્યુ છે. તમે કોંગ્રેસને પુછી જોજો કે કોંગ્રેસે અહીં પાંચ વર્ષમાં શું કર્યુ છે.? અમિત શાહે કહ્યુ આ વખતે યોગેન્દ્રભાઇને મત આપી દો, ભાજપ આ વિસ્તારને નંબર વન મત વિસ્તાર બનાવવાનું કામ ભાજપ સરકાર કરશે.

 • 29 Nov 2022 03:25 PM (IST)

  ખડગેના નિવેદન પર ભાજપ નેતા રવિશંકર પ્રસાદના પ્રહાર

  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને લઈ કરેલી ટિપ્પણી પર ભાજપે આકરા પ્રહાર કર્યા. પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશ અને દુનિયા જેમનું સન્માન કરે છે. તે PMનું કોંગ્રેસ કેમ વારંવાર અપમાન કરે છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે સોનિયા ગાંધીના ઈશારે વારંવાર PM મોદીનું અપમાન કરાઈ રહ્યું છે. આ અપમાનનો જડબાતોડ જવાબ ગુજરાતની જનતા મતદાન સમયે આપશે.

 • 29 Nov 2022 03:06 PM (IST)

  રાજકોટ: સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક

  સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રાજકોટ કમલમમાં શહેર અને જિલ્લાની 8 વિધાનસભા સીટ માટે સમીક્ષા બેઠક મળી હતી. 8 બેઠકોની જીત માટે ઉમેદવારો, સાંસદ, ધારાસભ્યો સાથે ચર્ચા થઈ હતી. ભીખુ દલસાણીયા, રામ મોકરીયા સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

 • 29 Nov 2022 03:00 PM (IST)

  મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર સીએમ ભૂપેન્દ્ર પટેલનું ટ્વિટ

  મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યુ છે કે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન એ ગુજરાતીઓ પ્રત્યે નફરત દર્શાવે છે. ગુજરાતની પ્રજા કોંગ્રેસને નકારી કાઢશે.

 • 29 Nov 2022 02:51 PM (IST)

  મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભાજપ નેતા રવિશંકર પ્રસાદના પ્રહાર

  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને લઈ કરેલી ટિપ્પણી પર ભાજપે આકરા પ્રહાર કર્યા. પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશ અને દુનિયા જેમનું સન્માન કરે છે. તે PMનું કોંગ્રેસ કેમ વારંવાર અપમાન કરે છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે સોનિયા ગાંધીના ઈશારે વારંવાર PM મોદીનું અપમાન કરાઈ રહ્યું છે. આ અપમાનનો જડબાતોડ જવાબ ગુજરાતની જનતા મતદાન સમયે આપશે.

 • 29 Nov 2022 02:32 PM (IST)

  ખડગેના નિવેદનનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપ્યો જવાબ

  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અંગે કરેલા વિવાદિત નિવેદન બાદ રાજનીતિ તેજ થઈ છે. ત્યારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે રાજકોટમાં વળતો જવાબ આપતા કહ્યું- કોંગ્રેસે પોતાની સંસ્કારીતા ગુમાવી દીધી છે. ખડગે જેવા સિનિયર નેતાને આવા નિવેદન શોભતા નથી. પ્રધાનમંત્રી કોઈપણ પાર્ટીના હોય તેના પ્રત્યે સન્માન હોવું જોઈએ. પરંતુ હવે કોંગ્રેસ પાસે સંસ્કારની કોઈ અપેક્ષા ન કરવી જોઈએ.

 • 29 Nov 2022 02:21 PM (IST)

  આદિવાસી સમાજની મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા: અમિત શાહ

  દાહોદના ગરબાડામાં ગૃહ પ્રધાન અમિત શાહે સભા સંબોધી. જેમાં તેમણે જણાવ્યુ કે, દેશને આઝાદ કરવામાં આદિવાસીઓનું મોટુ બલિદાન છે. પણ કોંગ્રેસના સમયમાં આદિવાસીઓનું અપમાન થતુ હતુ. PM મોદીએ આદિવાસીઓને સન્માન અપાવ્યુ છે. ભાજપ સરકારે આદિવાસી સમાજની મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા છે.

 • 29 Nov 2022 01:42 PM (IST)

  Gujarat Assembly Election : ગોંડલ બેઠક પર ગજગ્રાહ ચરમસીમાએ

  ગોંડલ વિધાનસભાની ચૂંટણી હવે ખરા અર્થમાં રાજકીય રણસંગ્રામમાં ફેરવાઇ ગઇ છે. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચેની લડાઇ ચરમ સીમાએ પહોંચી છે, ત્યારે હવે અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ બેઠક પર કોંગ્રેસને ટેકો જાહેર કરતા ગોંડલમાં રાજકીય ગરમાવો આવ્યો છે. અનિરૂદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું કે હું ભાજપ સાથે જ છું પરંતુ ગોંડલ બેઠક પૂરતો હું કોંગ્રેસને સમર્થન કરીશ. આ માટે હું પીએમ મોદી અને અમિત શાહની માફી માગુ છું. તેમણે કહ્યું કે હવે વાત મારા પરિવારના સ્વમાનની છે, કોઇ પદ કે પ્રતિષ્ઠાની નહીં. અમે ચૂંટણી નથી લડતા છતાં જયરાજસિંહ દરેક પ્રચારમાં મારા પરિવારને ઢસડે છે. લોકોને એમ છે કે રીબડાવાળા ડરી ગયા છે. પરંતુ 8 તારીખે જયરાજસિંહની તાનાશાહીનો અંત આવશે. અમે જયરાજસિંહને હરાવીશું. હું કોંગ્રેસમાં નથી પણ ગોંડલ પૂરતું મારું કોંગ્રેસને સમર્થન છે. યુપી અને બિહાર જેવી દાદાગીરી જયરાજસિંહ અને તેના પુત્ર કરી રહ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે.

 • 29 Nov 2022 01:07 PM (IST)

  Gujarat Election : ગાંધીનગર ઉત્તર બેઠક પર ભગવો લહેરાવવા રીટા પટેલનો પ્રચાર

  ગુજરાત ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે  ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રીટા પટેલ પ્રચાર કરી રહ્યા છે.  રીટા પટેલ ડોર ટુ ડોર પ્રચાર થકી મતદારોની નજીક પહોંચી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, 2017માં ભાજપે  ગાંધીનગર ઉત્તરની બેઠક ગુમાવી હતી. જેથી કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લેવા ભાજપ એડી ચોટીનુ જોર લગાવી રહી છે.

 • 29 Nov 2022 01:02 PM (IST)

  Gujarat Assembly Election : ફરી એકવાર મધુ શ્રીવાસ્તવ વિવાદમાં

  વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં આવ્યા છે. વડોદરાના જરોદ ગામે જાહેર સભાને સંબોધતા મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર વાણી પર કાબૂ ગુમાવ્યો છે. મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને કિન્નર સાથે સરખાવતા વિવાદ ઉભો થયો છે.  તેમણે કહ્યું કે,  7 નંબર પર બટન દબાવજો. 6 નંબરનો ઉમેદવાર કેવો છે તે આપ જાણો છો એટલે તેમને મત આપતા નહીં. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ચૂંટણી ક્રમાંક છ નંબર છે, ત્યારે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે અભદ્ર ટિપ્પણી કરતો મધુ શ્રીવાસ્તવનો વીડિયો વાયરલ થયો છે.

 • 29 Nov 2022 12:59 PM (IST)

  Gujarat Election 2022 : પાટણના કોંગ્રેસ ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

  પાટણના કોંગ્રેસ ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલ સામે નોડલ ઓફિસરે આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરીયાદ કરી છે. રાત્રિ દરમિયાન સમય મર્યાદાથી વધુ સમયમાં કિરીટ પટેલે સભા કરતા નોડલ ઓફિસરે કાર્યવાહી કરી છે.

 • 29 Nov 2022 12:58 PM (IST)

  Gujarat Election : રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ કરી રહ્યા છે પૂરજોશના પ્રચાર

  રાજકીય પક્ષો છેલ્લી ઘડીના પૂરજોશના પ્રચારમાં લાગ્યા છે. સુરતની લિંબાયત બેઠકના ભાજપ ઉમેદવાર સંગીતા પાટીલના સમર્થનમાં જંગી બાઈક રેલી યોજાઈ.  તો કતારગામમાં વિનુ મોરડીયાના સમર્થનમાં નિકળેલી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો નરેન્દ્ર મોદીના ફોટોવાળી ટી-શર્ટ સાથે જોડાયા.  વડોદરાની રાવપુરા બેઠક પર ભાજપ ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ સમર્થકો સાથે ડોર-ટુ-ડોર પ્રચારમાં જોડાયા હતા. અમરેલીમાં ભાજપ ઉમેદવાર કૌશિક વેકરિયા અને દિલીપ સંઘાણીને રેલી સમયે ઠેર-ઠેર વેપારીઓએ ફૂલહાર પહેરાવ્યા. બોટાદના પાળિયાદ રોડ પર પેજ સમિતિના સભ્યો સાથેની બેઠક બાદ ભાજપ ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા.

 • 29 Nov 2022 12:24 PM (IST)

  Gujarat Election Live Updates : નિકોલના ભાજપ ઉમેદવાર જગદીશ વિશ્વકર્માનો અનોખો પ્રચાર

  અમદાવાદના નિકોલમાં ભાજપ ઉમેદવાર અને પ્રધાન જગદીશ વિશ્વકર્મા પ્રચાર દરમિયાન અનોખા રંગમાં જોવા મળ્યાં. જગદીશ વિશ્વકર્માએ નિકોલના ડાયમંડ માર્કેટમાં પ્રચાર દરમિયાન એક કારખાનામાં કારીગરો સાથે બેસીને હીરા ઘસ્યા. હીરા કારીગરો સાથે જગદીશ વિશ્વકર્માએ સંવાદ પણ કર્યો, જે બાદ તૈયાર થયેલા હીરા મેજ પર રાખીને ભાજપ લખી અનોખો પ્રચાર પણ કર્યો હતો.

 • 29 Nov 2022 12:12 PM (IST)

  Gujarat Election Live : ભાજપના દિગ્ગજ નેતાઓ આજે પ્રચાર મેદાનમાં

  ભાજપ છેલ્લા દિવસે પણ પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓની ફોજ ઉતારી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી માંડીને, જે.પી.નડ્ડા ,  યુવા સાંસદ તેજસ્વી સૂર્યા, સ્મૃતિ ઇરાની સહિતના  દિગગ્જોને  પ્રચાર માટે મેદાનમાં  ઉતાર્યા છે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાતના અન્ય  નેતાઓ જેવા કે મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે.

 • 29 Nov 2022 11:54 AM (IST)

  Gujarat Election : ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમરેલીમાં અદભૂત રાજકીય દ્રશ્યો જોવા મળ્યા

  પ્રથમ તબક્કા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે અમરેલીમાં અદભૂત રાજકીય દ્રશ્યો જોવા મળ્યા છે.કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સવારે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં દિલીપ સંધાણી, પરશોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે તેમણે મુલાકાત કરી. એટલુ જ નહીં ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ પણ લીધા.

 • 29 Nov 2022 11:42 AM (IST)

  Gujarat Election Live : ડભોઈ કોંગ્રેસના 500 કાર્યકરો જોડાયા ભાજપમાં

  વડોદરાની ડભોઈ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને ફરી મોટો ફટકો પડ્યો.  પૂર્વ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ચેતન પટેલ સહિત 500 કાર્યકરોએ કેસરિયા કર્યા. વડજ ગામના આગેવાન ચંદ્રસિંહ ઠાકોર, શિરોલાના પૂર્વ સરપંચ કનુભાઈ ઠાકોર સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા. ડભોઈના ભાજપ ઉમેદવાર શૈલેષ મહેતાએ કેસરિયો ખેસ પહેરાવી તમામને પક્ષમાં આવકાર્યા.

 • 29 Nov 2022 10:56 AM (IST)

  Gujarat Election 2022 : પાલનપુરના લુણવા ગામે કોંગ્રેસ ધારાસભ્યનો વિરોધ

  બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ફરી એકવાર કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ જોવા મળ્યો. હાલના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલ લુણવા ગામે પ્રચાર કરવા ગયા હતા. પરંતુ લોકોએ તેમની સભા નહોતી થવા દીધી. લોકોએ તેમનો વિરોધ કર્યો અને ‘મોદી-મોદી'ના નારા લગાવ્યા હતા. લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષમાં મહેશ પટેલે કોઈપણ પ્રકારના વિકાસકાર્યો નથી કર્યા.

 • 29 Nov 2022 10:53 AM (IST)

  ગુજરાત ઈલેક્શન 2022 : ભડકાઉ ભાષણ બદલ ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ સામે ફરિયાદ

  તો આ તરફ મતદાન પહેલા સભામાં ભડકાઉ ભાષણ બદલ ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મનોજ પટેલે રાજુલ દેસાઈની સભામાં આપેલા ભાષણ બદલ ફરિયાદ દાખલ કરી છે. સભામાં મંદિર-મસ્જિદને લઈને વિવાદિત નિવેદન કર્યું હતુ. તેમણે કહ્યું હતુ કે,  મંદિર બનાવવું હોય તો ભાજપ અને મસ્જિદ બનાવવી હોય તો કોંગ્રેસમાં રહેજો.

 • 29 Nov 2022 10:51 AM (IST)

  Gujarat Vidhansabha Election : ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

  આતરફ ભાજપનો પ્રચાર કરવા વલસાડ પહોંચેલા પરેશ રાવલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી યાત્રામાં ભલે ચાલે પણ રાજકારણમાં ન ચાલે. યાત્રામાં ચાલવા 25 હજારના બૂટ જોઈએ અને રાજકારણમાં ચાલવા માટે દિલમાં નિયત અને દિમાગ જોઈએ. તેમણે કહ્યું કે બે-અઢી હજાર ગમે તેટલું ચાલો પણ કોઈ ફરક નહીં પડે. નવાઈ લાગે છે કે કોઈ માણસ કારણ વિના અઢી હજાર કિલોમીટર ચાલવા નીકળ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી પહેલા કપડા ઉપર જનોઈ પહેરીને મંદિર-મંદિરની યાત્રા કરી, પણ હવે ભગવાન પણ તેમને મદદ નહીં કરે.

 • 29 Nov 2022 10:47 AM (IST)

  Gujarat Election Live : અલ્પેશ કથિરીયાનો ભાજપના ઉમેદવારને ખુલ્લો પડકાર

  સુરતમાં અલ્પેશ કથિરીયાએ વરાછાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને જાહેરમંચ પરથી ખુલ્લો પડકાર ફેંકયો છે. વરાછાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરીયાએ સભામાંથી કુમાર કાનાણીને ખુલ્લી ચેલેન્જ આપી. કહ્યું, ભત્રીજો હોવાથી તમને હું ખાત્રી આપું છું. પહેલી તારીખે તમારો જન્મ દિવસ છે. જેથી વરાછાની જનતા કાકાને મત આપે તેવી હું અપીલ કરું છું. જો તમે 8 ડિસેમ્બરે જીતશો તો હું તમને માનગઢ ચોક પર મારા ખભા ઉપર બેસાડીશ.

 • 29 Nov 2022 10:24 AM (IST)

  અબડાસા AAP ઉમેદવારના પક્ષપલટાથી સમીકરણો બદલાયા

  ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે કચ્છની અબડાસા બેઠક પર રાજકીય સમીકરણ બદલાયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેવાણીએ બળવો કરી ભાજપને સમર્થન આપ્યુ હતું. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારથી નારાજ કાર્યકર્તાઓએ અપક્ષના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. અપક્ષ ઉમેદવારે નલિયામાં તમામ સમાજના આગેવાનો સાથે સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે અબડાસા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ સાથે હવે અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.

 • 29 Nov 2022 10:22 AM (IST)

  Gujarat Election 2022 : પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે

  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે, ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો ઉપર યોજાનાર છે ત્યાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આજે  સાંજે 5 વાગ્યા બાદ કોઈપણ પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. જો કે ડોર-ટુ-ડોર અથવા ખાટલા મિટિંગ જેવી પ્રવૃત્તિ સ્વરૂપે પ્રચાર ચાલુ રહેશે.

Published On - Nov 29,2022 10:18 AM

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati