ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીએ 156 સીટ જીતીને પ્રચંડ જીત મેળવી છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કર્યા છે. તેની સાથે જ તે બીજી વખત ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે અન્ય 16 પ્રધાનોએ પણ શપથગ્રહણ કર્યા છે. આ વખતે મંત્રીમંડળની ટીમ 17 લોકોની બની છે. ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં નવા અને જુના મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા નવા ચહેરાઓ છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.
BJP leaders Parshottam Solanki, Bachubhai Khabad & Mukesh Patel, take oath as ministers in the #Gujarat cabinet @BJP4Gujarat #Gandhinagar #TV9News pic.twitter.com/rDcQcuKGOR
— Tv9 Gujarati (@tv9gujarati) December 12, 2022
પરસોત્તમ સોલંકી
પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યની બેઠક પરથી આ વખતે જીત્યા છે. તેમને કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હરાવ્યા છે. તેઓ 1998થી ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. પરસોત્તમ સોલંકી કોળી સમાજના મોટા નેતા છે. તેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પહેલા કેબિનેટ મંત્રી તરીકે સામેલ હતા. પરષોત્તમ સોંલકીના અભ્યાસની વાત કરીએ તો તેમને ડિપ્લોમા ઇન ELCનો અભ્યાસ કર્યો છે, તેમની પાસે 2 વાહન છે તેમજ તેમની પાસે જંગમ મિલકત કુલ 6, 94,40,256 રૂપિયા છે.
બચુ ખાવડ
બચુ ખાવડ દેવગઢ બારિયા બેઠક પરથી જીત્યા છે. તેમને એનસીપીના ઉમેદવારને હરાવ્યા છે. તેઓ છેલ્લી 6 ટર્મથી આ બેઠક પરથી વિજય મેળવતા આવ્યા છે. બચુ ખાવડ આ પહેલા આનંદીબેન સરકારમાં પણ મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ સિવાય વિજય રૂપાણી સરકારમાં અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં પણ મંત્રી તરીકે સામેલ હતા. બચુ ખાવડની મિલકત વિશે વાત કરીએ તો તેમની પાસે રૂપિયા 47,17,435ની જંગમ મિલકત છે અને તેમના અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ 11 (ઓલ્ડ એસ.એસ.સી) સુધીનું શિક્ષણ મેળવ્યું છે.
મુકેશ પટેલ
મુકેશ પટેલ ઓલપાડ બેઠક પરથી આ વખતે જીત્યા છે. ભુપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ ટર્મમાં મુકેશ પટેલ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના રાજ્ય મંત્રી હતા. મુકેશ પટેલની મિલકતની વાત કરીએ તો તેમની પાસે રૂપિયા 17402972ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 12 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. મહત્વની વાત એ છે કે તેઓ પાટીદાર છે અને જે વિસ્તારમાંથી તેઓ જીતીને આવ્યા છે તેમાં 60 હજાર પાટીદાર મતદારો, 80 હજાર કોળી પટેલો એટલે ભાજપે આ સીટ પર જ્ઞાતિ સમિકરણને ધ્યાનમાં લીધું હોય તેવું પણ જોવા મળ્યું છે.