ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ઉમેદવાર પસંદગીને લઈ મથામણ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) ગ્યાસુદ્દીન શેખે હાઈકમાન્ડ સમક્ષ મુસ્લિમોને 10 ટિકિટો આપવાની માંગ કરી છે. શેખે દાવો પણ કર્યો છે કે રાજ્યમાં લઘુમતી સમાજની વસ્તીના આધારે 18 ટિકિટો મળવી જોઈએ. જો કે ભાજપ (BJP)ની હિંદુ-મુસ્લિમની રાજનીતિના કારણે સમજી વિચારીને 10 બેઠકોની માંગણી કરાઈ છે. ગુજરાત કોંગ્રેસ એક તરફ રાજ્ય સરકાર સામે બજેટમાં જેની જેટલી વસ્તી એટલું બજેટ અને રાજકીય અનામત આપવાની માંગ કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના જ દરીયાપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ હાઇકમાન્ડને દ્વિધામાં મૂકતી માંગણી કરી છે.
AAP અને AIMIMની વધતી સક્રિયતા વચ્ચે ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ 10 મુસ્લિમ ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપે તેવી માંગણી કરી છે. દલિત, પાટીદાર, ઠાકોર, આદિવાસી સહિતના સમાજો વસ્તીના આધારે ટિકિટની માંગણી કરી શકતા હોય તો લઘુમતી સમાજ શા માટે વસ્તી આધારે ટિકિટની માંગણી ના કરી શકે એ પ્રશ્ન ઉઠાવતા જ્ઞાસુદ્દીન શેખે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં વસ્તી આધારે લઘુમતી સમાજના 18 ઉમેદવારો જીતી શકવાની સ્થિતિ એ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની દરેક બાબતે હિન્દુ-મુસ્લિમ રંગ આપવાની રાજનીતિના કારણે અમે કોંગ્રેસ સમક્ષ માત્ર 10 બેઠકોની માંગણી કરી છે.
રાજ્યની વિધાનસભા બેઠકમાં હાલ ત્રણ મુસ્લિમ ધારાસભ્યો છે તે ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસના છે. દરિયાપુર વિધાનસભા બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર-ખાડિયા પરથી ઇમરાન ખેડાવાળા અને વાંકાનેર વિધાનસભા બેઠક પરથી મોહમદ જાવેદ પીરઝાદા છે. 2017માં કોંગ્રેસે 7 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, ત્યારે આ વખતે 10 ઉમેદવારોની માંગણી થઈ રહી છે. જેમાં હાલના 3 ધારાસભ્યોની દરિયાપુર, જમાલપુર-ખાડીયા અને વાંકાનેર. આ સિવાય ગોધરા, વાગરા, વેજલપુર, ધોળકા, સુરત પૂર્વ, જામનગર પૂર્વ અને કચ્છની માંડવી અથવા અબડાસા બેઠકની માંગ કરાઈ છે.
2021માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યાં મુસ્લિમ મતદાતાઓ પ્રભુત્વમાં છે, ત્યાં AIMIMએ પોતાની અસરકારકતા દર્શાવી હતી. 2022 વિધાનસભાના જંગમાં કોંગ્રેસને પોતાના પરંપરાગત મુસ્લિમ મતદાતા અન્ય પાર્ટી સાથે જોડાય એ પોસાય એમ નથી. મુસ્લિમ મતદાતાઓને કોંગ્રેસ સાથે જોડી રાખવા માટે વધારે મુસ્લિમ ઉમેદવારો ઉતારવા જરૂરી હોવાની સ્થિતિ છે તો બીજી તરફ ભાજપની હાર્ડકોર રાજનીતિથી કોંગ્રેસ મુસ્લિમ મતદાતાઓ લેવા જતા હિન્દૂ મતદાતાઓને અસર ના થાય એવી રણનીતિ અખત્યાર કરે એ જરૂરી બન્યું છે.