Assembly Elections 2021: દેશના 5 રાજ્યોમાં આજે ચૂંટણીનો મહાસંગ્રામ, જાણો કયા રાજ્યનું શું છે ગણિત

પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, પુડુચેરી અને કેરળમાં આજે એટલે કે 6 એપ્રિલના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં આજે ત્રીજા તબક્કાલનું, આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું, જ્યારે તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં આજે તમામ બેઠકો માટે મતદાન છે.

  • tv9 webdesk37
  • Published On - 9:36 AM, 6 Apr 2021
Assembly Elections 2021: દેશના 5 રાજ્યોમાં આજે ચૂંટણીનો મહાસંગ્રામ, જાણો કયા રાજ્યનું શું છે ગણિત
મતોનો મહાસંગ્રામ

દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, પુડુચેરી અને કેરળમાં આજે એટલે કે 6 એપ્રિલના રોજ મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં આજે ત્રીજા તબક્કાલનું મતદાન છે, આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. જ્યારે તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં આજે તમામ બેઠકો માટે મતદાન છે. આજે આ 5 રાજ્યોની કુલ 475 વિધાનસભા બેઠકો પર ઇવીએમ મશીનોમાં ઉમેદવારોનું ભાગ્ય કેદ થવા જઈ રહ્યું છે. લોકોને મતદાન દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે મત મથકોને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો 2 મેના રોજ સાથે આવશે.

પશ્ચિમ બંગાળની 31 બેઠકો પર મતદાન

બંગાળમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં આજે 31 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં 78 લાખ 50 હજાર મતદારો નોંધાયેલા છે, જે 205 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તેમાંથી 39,93,280 પુરુષ, 38,58,902 મહિલા મતદાતાઓ છે. બંગાળમાં સવારે 7 થી સાંજના 6.30 સુધી મતદાન થશે. આ અગાઉ બંગાળમાં મતદાનના બે તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે જેમાં મોટી સંખ્યામાં મતદાન થયું હતું. અહીં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે 10 હજાર 871 કેન્દ્રો પર 618 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

આસામમાં આજે છેલ્લા તબક્કાનું મતદાન

આસામ વિધાનસભાની ચૂંટણીમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાની 40 બેઠકો પર મતદાન યોજાશે. ત્રીજા તબક્કામાં રાજ્યકક્ષાના હિંમંતા બિસ્વા સરમા સહિતના 337 ઉમેદવારોના ભાવિને આજે ઈવીએમમાં સીલ કરવામાં આવશે. બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન (બીટીઆર) ના 3 સહિત 12 જિલ્લાની આ બેઠકો પર મતદાન યોજાશે. ત્રીજા તબક્કા દરમિયાન, આસામમાં 25 મહિલા ઉમેદવારો પણ ચૂંટણી લડાઇમાં ઉતરી છે.

તમિલનાડુમાં આજે તમામ બેઠકો માટે મતદાન

તામિલનાડું રાજ્યની તમામ 234 બેઠકો માટે આજે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. જ્યારે સત્તાધારી એઆઈએડીએમકે હેટ્રિક લાદવાની કોશિશ કરશે, ત્યારે ડીએમકે સત્તા પર પાછા ફરવાની કોશિશ કરી રહી છે. આ ચૂંટણીમાં 6 કરોડ 28 લાખ મતદારો તમામ ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેશે. વિધાનસભાની ચૂંટણીમાં સીએમ પલાનીસ્વામી, ડેપ્યુટી સીએમ પનીરસેલ્વમ, ડીએમકે ચીફ એમ કે સ્ટાલિન, અભિનેતા કમલ હાસન સહિત 3998 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. AIADMK અહિયાં એનડીએના સહયોગી તરીકે ચૂંટણી જંગમાં છે જેમાં ભાજપ, પીએમકે અને અન્ય પ્રાદેશિક પક્ષો શામેલ છે.

રાષ્ટ્રપતિ શાસન ધરાવતા પુડુચેરીમાં આજે મતદાન

પુડુચેરીની 30 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થવાનું છે, જેના માટે 324 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા મેદાનમાં છે. નારાયણસામીની આગેવાનીવાળી કોંગ્રેસની સરકારે ચૂંટણી પહેલા જ અહીં બહુમતી ગુમાવી દીધી હતી, ત્યારથી રાષ્ટ્રપતિ શાસનમાં છે. ત્યાં 10,04,197 મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરવાના છે.

લોકોની નજર પણ કેરળ પર છે

કેરળમાં કુલ 140 વિધાનસભા બેઠકો છે અને આજે તમામ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. કુલ 2 કરોડ 74 લાખ મતદારો છે જેમાંથી 1 કરોડ 32 લાખથી વધુ પુરુષ મતદારો છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 1 કરોડ 41 લાખથી વધુ છે. સીપીઆઈ (એમ) ની આગેવાનીવાળી LDF અને કોંગ્રેસના નેતૃત્વવાળી UDF અહીં એક પછી એક એમ સરકાર બનાવી રહી છે, પરંતુ બંને પક્ષો સતત જીત મેળવી શક્યા નથી. આ વખતે ભાજપ અહીં જીતવા માટે જોરશોરથી દબાણ કરી રહ્યું છે. આ માટે ભાજપે તેમની કોર્ટમાં ઇ. શ્રીધરન એટલે કે ‘મેટ્રોમેન’ને શામેલ કરી દીધા છે.