Year Ender 2021: શિક્ષણ ક્ષેત્રે થયા આ મોટા બદલાવ, કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ પર મુકાયો ભાર

કોરોનાને કારણે આ વર્ષ શિક્ષણ પર માઠી અસર પહોંચી છે. વધતા કોરોના સંક્રમણને કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની ફરજ પડી હતી.જેને કારણે મોટા ભાગે બાળકો ઓનલાઈન શિક્ષણ લેવા મજબુર બન્યા હતા.

Year Ender 2021: શિક્ષણ ક્ષેત્રે થયા આ મોટા બદલાવ, કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ પર મુકાયો ભાર
Education sector reforms in 2021
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 25, 2021 | 1:33 PM

2021 વેકેશનનુ વર્ષ : કોરોનાની બીજી લહેર બાદ શાળાઓ અને કોલેજમાં શિક્ષણ પ્રણાલી (Education Policy) બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ.ઉપરાંત ઓનલાઈન શિક્ષણ(Online Education)  વ્યવસ્થા પર વધુ ભાર મુકવામાં આવ્યો અને ડિજિટલ શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓને (Student) યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ મંત્રાલય(Education Ministry)  દ્વારા નવી શિક્ષણ નીતિ પણ લાગુ કરવામાં આવી રહી છે.

યોજનાબદ્ધ રીતે લાગુ કરવામાં આવી રહી છે નવી શિક્ષણ નીતિ

મધ્ય પ્રદેશ અને કર્ણાટક રાજ્યમાં 2021 માં NEPને લાગુ કરવામાં આવી છે. ઉપરાંત શિક્ષણ મંત્રી દ્વારા પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે બાળકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ રીતે અન્ય રાજ્યોમાં પણ આ નવી શિક્ષણ નિતીનો (National Education Policy) અમલ થાય તે માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર 2021ના બજેટ અંતર્ગત શિક્ષણ ક્ષેત્ર માટે 93 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા માટે 54,873 કરોડ રૂપિયા અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે 38,350 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.

શાળાઓને ડિજીટલ કરવા અંગે પ્રાથમિકતા

આ વર્ષ શાળાઓમાં ઈ-લર્નિંગ અને સામાન્ય વર્ગોની વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવા સરકારે મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના કારણે હજારો શાળાઓને ડિજીટલ સ્વરૂપમાં (Digital) પરાવર્તિત કરવામાં સરકાર સફળ રહી. ઉપરાંત આ વર્ષ ઈ-લર્નિંગને(E- Learning)  પ્રોત્સાહન આપીને બાળકોને ઓનલાઈન માધ્યમ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

વિદ્યાર્થીઓને શિક્ષણની નવી દિશા મળી

શિક્ષણ મંત્રાલય દ્વારા 6 થી 14 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટે NCERT દ્વારા એક નવું અભિયાન તૈયાર કરવામાં આવ્યું છે.  આ અભિયાનની મદદથી વિદ્યાર્થીઓને નિયમિત શાળા શિક્ષણની પેટર્નમાં(Education Pattern)  ઢાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક શાળામાંથી ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓને ઉચ્ચ પ્રાથમિક શાળાના સ્તર સુધી લાવવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી રહી છે.

શિક્ષણ માળખામાં થયો આ બદલાવ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ શાળા શિક્ષણમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં અભ્યાસક્રમના માળખાના 10+2 માળખાને 5+3+3+4ના નવા માળખામાં પરાવર્તિત કરવામાં આવ્યુ. આ શાળાકીય પ્રણાલી ત્રણ થી આઠ વર્ષ, 8 થી 11 વર્ષ, 11 થી 14 વર્ષ અને 14 થી 18 વર્ષની વય જૂથ માટે છે. આ સાથે વિદ્યાર્થીઓને કૌશલ્ય કે વ્યવહારિક માહિતી આપવા અને ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

નિષ્ઠા અભિયાન હેઠળ શિક્ષકોને તાલીમ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ શિક્ષકોને વધુ સારી તાલીમ આપવામાં આવી રહી છે.જેનો મુખ્ય હેતુ શિક્ષણ પ્રણાલીમાં બદલાવ લાવવાનો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષમાં વિવિધ સરકારી શાળાઓમાં શિક્ષકોને પણ વધુ સારી રીતે ઓનલાઈન વર્ગો ચલાવવા માટે તાલીમ આપવામાં આવી હતી. શૈક્ષણિક સત્ર 2021-22માં સરકારે શાળાના શિક્ષકોની એકંદર પ્રગતિ માટે નિષ્ઠા અભિયાન હેઠળ 56 લાખથી વધુ શાળાના શિક્ષકોને તાલીમ આપવા અંગે યોજના તૈયાર કરવામાં આવી હતી.

ભણતરનો ભાર ઓછો થયો

આ નવી શિક્ષણ નીતિ હેઠળ બાળકોની સ્કૂલ બેગનો બોજ પણ હળવો થયો છે. જેમાં સ્કુલ બેગ વિદ્યાર્થીઓના વજનના 10 ટકાથી વધુ ન હોવુ જોઈએ. આ ઉપરાંત નવી શિક્ષણ નિતી હેઠળ બીજા ધોરણ સુધી કોઈ હોમવર્ક આપવામાં આવશે નહીં. તેમજ ત્રીજા ધોરણ અને પાંચમા ધોરણમાં અઠવાડિયામાં બે કલાક સુધીનુ હોમવર્ક આપવા અંગે નિયમો બનાવવામાં આવ્યા છે. જ્યારે છઠ્ઠા અને સાતમાં ધોરણમાં દિવસમાં એક કલાક અને અઠવાડિયામાં લગભગ 5 થી 6 કલાકનુ હોમવર્ક સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના સંક્રમણ ઓછુ થતા ફરીથી શૈક્ષણિક સંસ્થાઓ (Education Institute) ખોલવામાં આવી રહી છે.તેમજ બાળકોની સાવચેતી માટે સરકાર દ્રારા શાળાઓને કડક કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: GSEB Board Exam 2022: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: Ahmedabad : શાળાઓમાં કોરોનાના કેસો વધતા સરકારે પરિપત્ર જાહેર કર્યો, પરિપત્રનું પાલન થાય છે કે નહીં તે જાણવા tv9નો પ્રયાસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati