હવે ‘ભારતને વિશ્વગુરુ કેવી રીતે બનાવવો’, તેને લઈને અંડરગ્રેજ્યુએટ કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સ દરમિયાન વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે કે, તેઓ કેવી રીતે દેશને વિશ્વગુરૂ બનાવી શકે છે. હકીકતમાં, Allahabad Universityએ શૈક્ષણિક વર્ષ 2023-24થી ‘ભારતને વિશ્વગુરુ કેવી રીતે બનાવવો’ પર ચાર વર્ષનો અંડરગ્રેજ્યુએટ કોર્સ શરૂ કર્યો છે. અલ્હાબાદ યુનિવર્સિટીના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે, કોર્સમાં વિદ્યાર્થીઓને વિશ્વગુરુ બનવા માટે દેશના પડકારો અને પછી વિશ્વનું નેતૃત્વ કેવી રીતે કરવું તે શીખવવામાં આવશે.
ડિપાર્ટમેન્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે નવી જરૂરિયાતો, ભારતીય જ્ઞાન પરંપરા અને તેની જરૂરિયાત વિશે અભ્યાસ કરશે. ‘ભારત કૈસે બનેગા વિશ્વગુરુ’ અંડરગ્રેજ્યુએટ કોર્સ હશે. યુનિવર્સિટીનો શિક્ષણ વિભાગ હાલમાં આ અભ્યાસક્રમ તૈયાર કરી રહ્યું છે. નવા અભ્યાસક્રમ માટે બોર્ડ ઓફ સ્ટડીઝ તરફથી મંજૂરી મળ્યા બાદ તેને આગામી પગલા તરીકે એકેડેમિક કાઉન્સિલને મંજૂરી માટે મોકલવામાં આવશે.
શિક્ષણ વિભાગના અધ્યક્ષ અને FRCના નિયામક પ્રોફેસર ધનંજય યાદવે જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. નવા કોર્સમાં વિદ્યાર્થીઓને મુખ્ય વિષયો સાથે રોજગારીયોગ્ય અને મૂળભૂત અભ્યાસક્રમો શીખવવામાં આવશે. અંડરગ્રેજ્યુએટ કોર્સમાં કારકિર્દી અભ્યાસ અને વ્યક્તિત્વ વિકાસનો પણ પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં ચોથા વર્ષમાં પ્રવાસ અને પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.
પ્રોફેસર ધનંજય યાદવે જણાવ્યું કે, પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓએ ત્રણ કોર્સનો અભ્યાસ કરવાનો રહેશે. પ્રથમ વર્ષ પછી પ્રમાણપત્ર અને બીજા વર્ષ પછી ડિપ્લોમા. ત્રીજા વર્ષમાં બે વર્ષની વિષયોનો સમાવેશ હશે. સાથે જ ચોથા વર્ષમાં એક મુખ્ય વિષય ભણાવવામાં આવશે. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓને એક વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી આપવામાં આવશે.
અગાઉ, બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) એ હિંદુ અભ્યાસમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કર્યા હતા. હિંદુ અભ્યાસમાં BA અને MAમાં ભગવદ ગીતા, રામાયણ, આયુર્વેદ, હિંદુ તત્વજ્ઞાન, યોગ, વેદ, ઉપનિષદ, ભક્તિ ચળવળ, શૈવ ધર્મ, વૈષ્ણવ અને શક્તિ પરંપરા, બુદ્ધ અને જૈન પરંપરા વગેરેનો સમાવેશ થતો હતો.