100% માર્ક્સનું પાગલપણું આ જનરેશનના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો આધાત

જો પરિસ્થિતિ આ રીતે ચાલુ રહી તો આગળ શું થશે? 100 માંથી 120, 100 માંથી 130, શું આવા બાળકો જ ભવિષ્યમાં એડમિશન માટે અરજી કરી શકશે જે 100% થી વધુ ગુણ મેળવશે?

100% માર્ક્સનું પાગલપણું આ જનરેશનના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો આધાત
100% Marks
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Oct 07, 2021 | 3:55 PM

લેખક – બિક્રમ બોહરા

દિલ્હીની કોલેજોમાં પ્રવેશ માટે 100 ટકા કટ ઓફ માર્ક્સ દુખદ ન હોય તો ખૂબ રમુજી છે. અમારી જનરેશનમાં 99% માર્ક્સ હોવા છતાં પ્રવેશ ન મળવાની બાબત સ્વપ્નમાં પણ વિચારી શકાતી નથી. ખાસ કરીને આર્ટ્સમાં તો તેની કલ્પના પણ ન કરી શકાય.

મને યાદ છે કે જ્યારે મને એક ટેસ્ટમાં 62% માર્ક્સ મળ્યા, ત્યારે મારા માતા -પિતા એટલા ખુશ હતા કે ઈનામ તરીકે અમે બધાએ સ્ટીવ મેક્વીનની ફિલ્મ ‘ધ ગ્રેટ એસ્કેપ’ જોઈ. તે સાંજે બધા પડોશીઓને ચાની પાર્ટી આપવામાં આવી હતી, જેથી અમે તેનો દેખાવ કરી શકીએ. અમારામાં સૌથી વધારે હોશિયાર હતા તેને 60% અથવા થોડા વધારે માર્ક્સ આવતા હતા અને તે ફર્સ્ટ ડિવીઝનમાં પાસ થતા હતા. બાકીના અમારામાં મોટા ભાગનાને માંડ 50% જ આવતા અને ખુશ રહેતા હતા.

આજનું વાહિયાત મૂલ્યાંકન, શિક્ષણની મજાક ઉડાવી રહ્યું છે. આ સત્યથી એટલું દૂર છે કે તે ખરેખર વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડી રહ્યું છે. કારણ કે ભવિષ્યમાં તેઓ એવી છાપ હેઠળ રહેશે કે તેઓ દરેક રીતે સંપૂર્ણ છે, જે તેમના માટે બહારની દુનિયાની ક્રૂર વાસ્તવિકતાનો સામનો કરવા માટે જોખમી સાબિત થશે. 100% ગુણ મેળવનાર આ બાળકોને આઘાત જ્યારે તે જાણશે કે આ માર્ક્સ તેમને ભવિષ્યના જીવનમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા કે ગેરંટી આપતા નથી. જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને, તેઓ વધુ નિરાશ થઈ શકે છે, તેમને આઘાત લાગશે, જે ક્યારેક ડિપ્રેશનનું કારણ બની જાય છે.

આ માત્ર પ્રથમ પગલું છે. કારણ કે સિસ્ટમે તેમને જીવનની શરૂઆતમાં જ કહ્યું છે કે તેમનામાં કોઈ કમી નથી અને આગળનું જ્ઞાન પ્રાપ્ત કરવાની આકાંક્ષા રાખવા માટે કંઈ બાકી નથી. આ સ્થિતિમાં પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે આ પરીક્ષકો કોણ છે જે 100 માંથી 100 માર્ક્સ આપે છે ? મૂલ્યાંકન કરવા માટે તેઓ કયા પરિમાણોનો ઉપયોગ કરે છે જેના કારણે ઘણા પરીક્ષાર્થીઓને 100% ગુણ મળે અને પછી એક માર્ક્સ ઓછો મેળવનાર વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીનો દરવાજો બંધ થઈ જાય છે.

ત્યારબાદ પ્રતિભાશાળીઓની બનાવટી ભીડ તૈયાર કરવાની સ્પર્ધા કરનારી શાળાઓ તેમને ખોટા પરિણામો આપવાનો ઢોંગ કરીને થોડા સમય માટે દંગ કરી શકે છે, પરંતુ શું તેઓ સમજે છે કે તેઓ આ બાળકોને સંપૂર્ણ હોવાનું કહીને કેટલું નુકસાન કરી રહ્યા છે ? કારણ કે ન તો કોઈ સંપૂર્ણ છે, ન તો કોઈ ભવિષ્યમાં થશે.

હવે આ સિસ્ટમને ઠીક કરવાનો સમય છે. તમે દેશના હજારો બાળકોને જુઓ કે જેમણે 80 અને 90% ની રેન્જમાં સારા માર્ક્સ મેળવ્યા છે પરંતુ તેમને અવગણવામાં આવી રહ્યા છે. તેની આકાંક્ષાઓ કાચની જેમ તૂટી ગઈ છે. જો આ પ્રતિભાની બરબાદી નથી, તો પછી શું છે? જે યુનિવર્સિટી પોતાનું કાર્યક્ષેત્ર વધારવાને બદલે ખોટી માર્કશીટ પસંદ કરે છે તેની સામે ગેરરીતિ અને નુકસાન પહોંચાડવાના ઇરાદા માટે કાર્યવાહી થવી જોઈએ.

આ વ્યવસ્થામાં વાલીઓને પણ બલિનો બકરો બનવાની ફરજ પડે છે. કલ્પના કરો કે તમારા બાળકને 96% ગુણ મળ્યા છે પરંતુ તે ખૂબ જ રડે છે કારણ કે તેને લાગે છે કે તે નિષ્ફળ ગયો છે. અને જે બાળકો 80% ગુણ મેળવે છે, તેઓ કોલેજના અભ્યાસ માટે સાયકલ રિપેર શોપની ઉપર બનેલી ‘સંસ્થા’ માં એડમીશન લેવા મજબૂર બનશે.

મેલબોર્ન યુનિવર્સિટીના એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 79% વિદ્યાર્થીઓ ચિંતાથી પીડાય છે, 75.8% વિદ્યાર્થીઓ ખરાબ મનોદશાથી અને 59.2% વિદ્યાર્થીઓ નિરાશા અને હીનભાવથી પીડાય છે. ભલે શાળાઓ તેમાંના કેટલાક વિદ્યાર્થીઓના નબળા માનસિક સ્વાસ્થ્ય માટે જવાબદાર હોય, આ પડકારો તેમના જીવનના અન્ય પાસાઓને પણ અસર કરે છે. જેમાં તેમનું સામાજિક અને ઘરેલું જીવન, શારીરિક સ્વાસ્થ્ય, કારકિર્દી અને અભ્યાસનો સમાવેશ થાય છે. અહીં અમે એવા લોકો વિશે વાત કરી રહ્યા છીએ જેમણે 90% ગુણ મેળવ્યા છે.

જ્યારે 50% અને 90% ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ગુણાત્મક તફાવત નથી, ત્યારે દેખીતી રીતે આપણી સિસ્ટમ પાટા પરથી ઉતરી ગઈ છે. જો પરિસ્થિતિ આ રીતે ચાલુ રહી તો આગળ શું થશે? 100 માંથી 120, 100 માંથી 130, શું આવા બાળકો જ ભવિષ્યમાં એડમિશન માટે અરજી કરી શકશે જે 100% થી વધુ ગુણ મેળવશે? શું કોઈ એવું નથી જે આ સીસ્ટમને વર્તમાન પેઢી માટે વરદાન નહી, પરંતુ તેમના પર કરેલો જીવલેણ હુમલો માને છે ?

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati