CBSE Class 12 Board Exam : પરીક્ષા રદ્દ કરવાની વિરૂદ્ધમાં થયેલી અરજી સુપ્રીમે ફગાવી, પરિણામની ફોર્મ્યુલાને યોગ્ય ગણાવી

CBSE Class 12 Board Exam : સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય ઉચ્ચ કક્ષાએ લેવામાં આવ્યો છે અને અમે તેને સૈદ્ધાંતિક રૂપે સ્વીકાર્યો છે.

  • Updated On - 7:36 pm, Tue, 22 June 21 Edited By: Nakulsinh Gohil
CBSE Class 12 Board Exam : પરીક્ષા રદ્દ કરવાની વિરૂદ્ધમાં થયેલી અરજી સુપ્રીમે ફગાવી, પરિણામની ફોર્મ્યુલાને યોગ્ય ગણાવી
FILE PHOTO

CBSE Class 12 Board Exam : કોરોનાને કારણે CBSE ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ શૈક્ષણિક સ્ટાફના આરોગ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે આ પરીક્ષાઓ રદ્દ કરી છે. હવે CBSE બોર્ડ દ્વારા 30:30:40 ફોર્મ્યુલાને આધારે પરિણામ બનાવવામાં આવશે. આ સાથે જ આ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે. CBSE ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવાના આ નિર્ણય સામે સુપ્રીમકોર્ટ (Supreme Court) માં અરજી થઇ હતી. આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
સુપ્રીમ કોર્ટે 22 જૂનને મંગળવારે CBSE અને ISCE ના પરીક્ષા રદ કરવાના નિર્ણય સામે દાખલ કરેલી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે બંને કેન્દ્રીય બોર્ડના મૂલ્યાંકન ફોર્મ્યુલાને સમર્થન આપીને, તેમને આગળ વધવા માટે લીલી ઝંડી આપી. ન્યાયાધીશ એ.એમ. ખાનવિલકર અને દિનેશ મહેશ્વરીની વિશેષ બેંચે નિરીક્ષણ કર્યું હતું કે CBSE અને ICSEની મૂલ્યાંકન યોજનામાં દખલ કરવાનું કોઈ કારણ નથી. ખંડપીઠે બોર્ડની પરીક્ષા (CBSE Class 12 Board Exam) રદ્દ કરવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી.

આ અગાઉ સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ સોમવારે CBSE અને ISCE ને કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરેલા ફોર્મ્યુલા ઉપર વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓનો જવાબ આપવા નિર્દેશ આપ્યો હતો.

30:30:40 ના આધારે CBSE બનાવશે ધો.12નું પરિણામ
CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ (CBSE Class 12 Board Exam Result) 30:30:40 ફોર્મ્યુલા ના આધારે પરિણામ બનાવશે. CBSE બોર્ડની 12માં ધોરણની માર્કશીટ તૈયાર કરવાને લઇને બનેલી 13 સભ્યોની સમિતીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે.

30:30:40 ફોર્મુલ્યા ના આધારે 30 ટકા ગુણ 10માં ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના લેવાશે, 30 ટકા ગુણ 11માં ધોરણના પાંચ વિષયના એવરેજ લેવામાં આવશે અને બાકી રહેલા 40 ટકા ગુણ ધોરણ 12 ની પ્રીબોર્ડ પરીક્ષાના પરિણામનો આધાર લઇ ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ બનાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે થોડી આશાની કિરણ હોવી જોઈએ અને તેમાં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ કહ્યું કે આ પરીક્ષા (CBSE Class 12 Board Exam) રદ કરવાનો નિર્ણય ઉચ્ચ કક્ષાએ લેવામાં આવ્યો છે અને અમે તેને સૈદ્ધાંતિક રૂપે સ્વીકાર્યો છે.