CBSE નવા સત્રમાં મોટા ફેરફારો માટે તૈયાર, જાણો ક્યાં નવા નિયમો અમલમાં આવશે
CBSE ધોરણ-10 અને ધોરણ-12માંની બોર્ડની પરીક્ષાઓ આ વર્ષે 15મી ફેબ્રુઆરી 2024થી શરૂ થવાની છે તેમજ આ સાથે CBSE નવા સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પણ કરવા જઈ રહી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આ વર્ષે 15 ફેબ્રુઆરીથી 10મી-12મીની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે. જ્યારે બંને ધોરણની પ્રાયોગિક પરીક્ષાઓ 01 જાન્યુઆરી 2024થી શરૂ થશે. બોર્ડની પરીક્ષાઓ પહેલા આ વર્ષે બોર્ડે ઘણા મોટા ફેરફારો જાહેર કર્યા છે. ચાલો જાણીએ નવા સત્રમાં શું બદલાવ થવા જઈ રહ્યો છે.
થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટે માર્કિંગ સ્કીમ
CBSE એ ધોરણ 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ માટે થિયરી અને પ્રેક્ટિકલ બંને માટે માર્કિંગ સ્કીમ જાહેર કરી છે. યોજના મુજબ થિયરી, પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન વચ્ચેના ગુણના વિતરણ સાથે દરેક વિષય માટે વધારેમાં વધારે 100 ગુણ ફાળવવામાં આવ્યા છે. ધોરણ 10માં 83 વિષયો અને ધોરણ 12માં 121 વિષયો માટે માર્કિંગ સ્કીમ લાગુ કરવામાં આવી છે.
ડિવિઝન, ડિસ્ટિંક્શન ખત્મ
CBSE હવે ધોરણ 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓના પરિણામ જાહેર થશે ત્યારે વિદ્યાર્થીઓની કોઈપણ મેરિટ લિસ્ટ જાહેર કરશે નહીં. આ સિવાય CBSE બોર્ડે આ વર્ષે વિદ્યાર્થીઓને કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપવાનો નિર્ણય લીધો છે.
વર્ષમાં બે બોર્ડ પરીક્ષા
નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે શિક્ષણ મંત્રાલય દ્વારા શાળા શિક્ષણ માટે એક નવું રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) તૈયાર કરવામાં આવ્યું છે. નવા અભ્યાસક્રમના માળખા મુજબ બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ પાસે બેસ્ટ સ્કોર જાળવવાનો વિકલ્પ હશે, જ્યારે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ એકને બદલે બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. આમાં CBSE પણ સામેલ છે.
પાંચ વિષયો પસંદ કરી શકશે
બોર્ડે પરીક્ષાને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે. કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓએ પહેલા પાંચ વિષય પસંદ કરવાના હતા. પરંતુ ફેરફાર બાદ હવે વિદ્યાર્થીઓ તેમની પસંદગી મુજબ બેસ્ટ પાંચ વિષય પસંદ કરી શકશે. આ ફેરફારો વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે.
CGPAના આધારે પ્રવેશ આપવામાં આવશે
બોર્ડે કહ્યું કે, જો કોઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થા અથવા નોકરીદાતા વિદ્યાર્થીઓના ગુણની ટકાવારી જાણવા માંગે છે, તો તેઓ પોતે CGPAની ગણતરી કરી શકે છે અને ટકાવારી શોધી શકે છે. ટોચના 5 વિષયોના ગ્રેડ પોઈન્ટ્સનો ઉપયોગ CGPAની ગણતરી માટે કરવામાં આવશે.
