ખરીફ સીઝન પીક પર છે. જે અંતર્ગત આ દિવસોમાં ખરીફ સિઝનના મુખ્ય પાક ડાંગરની આગોતરી જાતની કાપણી ચાલી રહી છે તો મંડીઓમાં પણ ડાંગર (Paddy Crop)ની આવક શરૂ થઈ ગઈ છે. જો કે આ વખતે ડાંગરના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. તેનું મુખ્ય કારણ ચોમાસાની અનિયમિતતા રહ્યું છે. હકીકતમાં ચોમાસાની અનિયમિતતાના કારણે ઘણા રાજ્યોમાં ઓછો વરસાદ થયો હતો. જેના કારણે ડાંગરના પાકને દુષ્કાળનો માર પડ્યો હતો. પરંતુ, આગામી રવિ સિઝનમાં ખેડૂતો(Farmers)ને દુષ્કાળનો માર પડશે નહીં. તેનું મુખ્ય કારણ એ છે કે આ વર્ષે દેશના જળ ભંડારમાં 9 ટકાનો વધારો થયો છે.
સેન્ટ્રલ વોટર કમિશને શુક્રવારે જાહેર કરેલા તેના રિપોર્ટમાં આ માહિતી આપી છે. કમિશનનો રિપોર્ટ જળાશયોના સરેરાશ પાણીના સ્તર પર આધારિત છે. આ જળાશયો નહેરો દ્વારા સિંચાઈની જરૂરિયાતો પૂરી કરે છે. દેશની 48 ટકા જમીન સિંચાઈવાળી જમીન છે.
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દેશના જળ ભંડારમાં વધારો થયો નથી. પરંતુ 10 વર્ષની સરેરાશ તુલના કરતાં 16 ટકાનો વધારો નોંધાયો છે. શુક્રવારે જાહેર કરાયેલ સેન્ટ્રલ વોટર કમિશનના રિપોર્ટ અનુસાર જે જળાશયોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે તે 158 બિલિયન ક્યુબિક મીટર (બીસીએમ) પાણીથી ભરેલા છે, જે તેમની સંયુક્ત ક્ષમતાના 89 ટકા છે. જ્યારે એક વર્ષ પહેલા જળાશયોમાં 146 બીસીએમ પાણી ઉપલબ્ધ હતું તો છેલ્લા 10 વર્ષની સરેરાશ 136 BCM હતી.
સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા જળ સંગ્રહ ક્ષમતામાં થયેલા વધારાના આધારે જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તે દેશના 143 મોટા જળાશયોના જળ સ્તર પર નજર રાખ્યા બાદ બહાર પાડવામાં આવ્યો છે. તેમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના જળાશયોનો સમાવેશ થાય છે. કમિશન દ્વારા મોનિટર કરાયેલા 143 જળાશયોમાંથી, 112 પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ પ્રદેશોમાં સ્થિત છે, જ્યાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે.
પૂર્વીય ક્ષેત્ર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ અને બિહારમાં 21 જળાશયોનું જળસ્તર એક વર્ષ પહેલા કરતા વધારે છે. પરંતુ હાલનું પાણીનું સ્તર છેલ્લા 10 વર્ષની સરેરાશ કરતા ઓછું છે. પશ્ચિમ ક્ષેત્ર (ગુજરાત અને મહારાષ્ટ્ર)માં 46 જળાશયોમાં પાણીનું સ્તર હવે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં વધુ છે. તેવી જ રીતે, ઉત્તરીય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના 10 જળાશયોમાં ગયા વર્ષ અને છેલ્લા 10 વર્ષની સરેરાશ કરતાં હાલમાં વધુ પાણી છે.