Year Ender 2021: વર્ષ 2021 માં ગુજરાતમાં ઘટેલી ક્રાઈમની એ સનસનીખેજ ઘટનાઓ જેણે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું

Year Ender 2021: વર્ષ 2021 માં ગુજરાતમાં ઘટેલી ક્રાઈમની એ સનસનીખેજ ઘટનાઓ જેણે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું
Year Ender 2021: Controversial crime incidents in Gujarat in the year 2021

2021નું વર્ષ ગુજરાત માટે અનેક મોટી ગુનાહિત ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ગાંધીનગરમાં મળેલા બાળકથી લઈને સુરતમાં નાની ફૂલ જેવી બાળકીની હત્યાની ઘટનાઓએ ગુજરાતને હચમચાવી દીધું. ચાલો જાણીએ મોટી ગુનાહિત ઘટનાઓ વિશે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 28, 2021 | 1:57 PM

ગુજરાતમાં (Gujarat) દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી હોય એવું લાગી રહ્યું છે. હત્યા (Murder), અપહરણ, અને દુષ્કર્મ (Rape) જેવી ઘટનાઓ રોજ બની રહી છે. આ વચ્ચે ઘટના ઘટ્યા બાદ તંત્ર સફાળું જાગી ગુનેગારને પકડવા જોર કરે છે. પરંતુ હવે જરૂરી એ છે કે ગુના થતા જ અટકાવવા જોઈએ. જેથી કોઈ નિર્દોષ આ ગુનાના ભોગ ન બને. રાજ્યમાં 2021નું વર્ષ અનેક મોટી ગુનાહિત ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ગાંધીનગરમાં મળેલા બાળકથી લઈને સુરતમાં નાની ફૂલ જેવી બાળકીની હત્યાની ઘટનાઓએ ગુજરાતને હચમચાવી દીધું. આજે આપણે વાત કરીશું ગુજરાતની આ વર્ષની મોટી ગુનાહિત ઘટનાઓ (Gujarat crime 2021) વિશે.

ગાંધીનગરમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ

5 નવેમ્બરે રાત્રે સાંતેજમાં શ્રમજીવી પરિવારની બાળકી પરિવાર સાથે સૂતી હતી ત્યારે અજાણ્યો શખ્સ બાળકીને લઈ ગયો હતો. જે બાદ બાળકીની લાશ મળી આવી હતી. અને પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે 3 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો. જેમાં બાળકી પર ઝડપાયેલા નરાધમે બળાત્કાર ગુજાર્યો તેની સ્પષ્ટતા થઈ ગઇ હતી.

મૂળ દાહોદનો અને મજૂરી કામ કરતો પરિવાર ખાત્રાજ ચોકડી પાસે રહેતો હતો, આ દરમિયાન ત્રણ વર્ષની બાળકી પણ તેમની સાથે સૂતી હતી ત્યારે આરોપી વિજયજી ઠાકોરે બાળકીનું અપહરણ કર્યું હતું. આ પછી આરોપીએ બાળકી પર બળાત્કાર કર્યો હોવાની શંકા છે અને તે પછી તેણે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.

અઢી વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચરનાર નરાધમને ફાંસીની આકરી સજા

દિવાળીના દિવસે પાંડેસરા વિસ્તારમાંથી અઢી વર્ષની બાળકી ગુમ થઈ હતી. બાળકીની લાશ તેના ઘરથી 300 મીટરના અંતરે મળી આવી હતી. બાળકી પર દુષ્કર્મ આચરી ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને શોધવાની કામગીરી શરૂ કરી હતી. અને માત્ર ચાર દિવસમાં આરોપી ગુડ્ડુ યાદવને ઝડપી પાડ્યો હતો.

એટલું જ નહીં આરોપી ગુડુ યાદવનો ગેઇટ એનાલિસિસ ટેસ્ટ પણ કરાયો હતો સાથે સાથે બાળકીને લઈ આરોપી ગુડ્ડુ નીકળ્યો ત્યારે નજરે જોનારાના લોકોના નિવેદનો પણ લેવાયા હતા. આ આરોપીએ પોર્ન વીડિયો જોઈ અઢી વર્ષીય બાળકી પર રેપ ગુજાર્યો હતો.

પોલીસે 246 પાનાંની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. અઢી વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુકુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. દુષ્કર્મ કરનાર હેવાનને સેશન્સ કોર્ટે ફાંસીની આકરી સજા ફટકારી હતી. માત્ર 29 જ દિવસમાં કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે.

ગાંધીનગરમાં મળેલા બાળકના કેસમાં નીકળી ગંભીર ગુનાહિત ઘટના

ગાંધીનગરના પેથાપુરનો ચકચારી કેસ એટલે સ્મિત કેસ. આ કેસની ટૂંકમાં વાત કરીએ તો 9 ઓક્ટોમ્બરના રોજ બાળક સ્વામિનારાયણની ગૌશાળામાંથી તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું. પોલીસને જાણ કરાઈ અને યશોદા બની પેથાપુરના મહિલા કોર્પોરેટરે તેને સાચવ્યો. પોલીસે બાળકના વાલી-વારસ કોણ તેની તપાસ શરૂ કરી.

સીસીટીવી ફૂટેજ મેળવતા પોલીસને હાથ લાગ્યો કારનો નમ્બર, જેના આધારે કાર માલિક અને તેના સરનામા સુધી પોલીસ પહોંચી અને નક્કી થઈ ગયું કે બાળક સચિન દીક્ષિતનું હતું. પરંતુ આ બાળક તેની પત્નીનું નહીં પરંતુ પ્રેમિકાનું હતું. પોલીસ ટીમ દ્વારા સચિન પકડાઈ ગયો.

સચિનને ગાંધીનગર લાવી પૂછપરછ શરૂ કરાઇ. અને સત્ય બહાર આવ્યું કે તેણે એટલે કે સચિને સ્મિતની માતા મહેંદીની હત્યા કરી હતી. આ પ્રેમ કહાનીમાં આગળ ઘણા ખુલાસા થયા. મોટી વાત એ હતી કે સચિને વડોદરામાં મહેંદીની હત્યા કરીને બાળકને ગાંધીનગર આશ્રમ આગળ મુકીને ભાગી ગયો હતો.

સચિન અને મહેંદી વડોદારમાં ભાડે રહેતા હતા. બંનેનું પ્રેમ પ્રકરણ 2018 થી ચાલતું હતું અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા અને વર્ષ 2020 માં સ્મિતનો જન્મ થયો. નાની વાતમાં થયેલી તકરાર છેવટે મહેંદીની મોતનું કારણ બની. અને સચિન જેલના સળિયા ગણતો થઇ ગયો.

સ્વીટી પટેલ હત્યા કેસ

વડોદરા જિલ્લા પોલીસમાં એસઓજીના પીઆઇ તરીકે ફરજ બજાવતા અજય દેખાઈએ પોતાની પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી. બાદમાં લાશનો ફિલ્મી ઢબે દહેજના કલાલી ગામમાં નિકાલ કર્યો હતો. ત્યાર બાદ સ્વીટી પટેલ ઘરેથી ગુમ થઇ ગઇ હોવાનું નાટક રચ્યું હતું. વડોદરા પોલીસને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરી રખડાવનાર અજય દેસાઈએ જ તેની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હોવા ના પાક્કા પુરાવા શોધવા તરફ વડોદરા ગ્રામ્ય પોલીસ આગળ વધી રહી હતી.

આ દરમિયાન અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે આ તપાસ સંભાળી. બાદમાં અજય દેસાઈને તેના કરતૂતોની કબુલાત કરાવી લઈ 24 મી જુલાઇના રોજ સ્વીટી પટેલના ભાઈને ફરિયાદી બનાવીને કરજણ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. અજય દેસાઈએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ તેની લાશનો નિકાલ દહેજના કલાલી ગામે કિરીટ સિંહ જાડેજાની ભાગીદારી વાળી નિર્માણાધીન હોટલના પાછળના ભાગમાં આગ લગાવી કર્યો હતો.

ઉત્તરપ્રદેશ ધર્માંતરણના તાર વડોદરા અડ્યા

ઉત્તરપ્રદેશ અને વડોદરાના ચકચારી ધર્માંતરણ અને હવાલા કૌભાંડ કેસમાં તપાસ કરી રહેલી SOGની ટીમ દ્વારા ઘણા ખુલાસા કરવામાં આવ્યા. ઉત્તરપ્રદેશ ATSની તપાસ દરમિયાન ધર્માંતરણની પ્રવુતિ માટે વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદિન શેખ ફંડીંગ કરતો હોવાનું જણાઇ આવેલ. ત્યારબાદ વડોદરા શહેર SOG પોલીસને મળેલ ગુપ્ત ઇનપુટ આધારે તપાસ કરી જરૂરી પુરાવા મેળવી ગુનો દાખલ કરવામાં આવ્યો.

વડોદરાને અડીને આવેલા ભરૂચના જંબુસર ખાતે કેટલાક અંતરિયાળ ગામડાઓમાં મોટી રકમ મોકલવામાં આવી હોવાના પુરાવાઓ મળ્યા બાદ SOGએ તપાસ તેજ કરી હતી. જેમાં ભરૂચના ઇખર, આછોદ અને છોટાઉદેપુરના નસવાડીની કેટલીક વ્યક્તિઓને લાખોની રકમ આપવામાં આવી હોવાના પુરાવાઓ હાથમાં લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં ધર્માંતરણ અને હવાલાકાંડમાં વડોદરા SOGએ ગત નવેમ્બર મહિનામાં કોર્ટમાં 1800 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં સલાઉદ્દીન શેખ, ઉંમર ગૌતમ, મોહંમદ હુસૈન મન્સૂરી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમજ NRI અબ્દુલ્લા ફેફડાંવાલા અને મુસ્તુફા સૈફ થાનાવાલાને આરોપી તરીકે દર્શાવામાં આવ્યા છે.

જેમાં 2017 થી અત્યાર સુધીમાં વડોદરા શહેરના પાણીગેટમાં આવેલ મુસ્લીમ મેડીકલ સેન્ટર ખાતે ” આફમી ચેરીટેબલ ટ્રસ્ટ” ખાતે મેનેજીંગ ટ્રસ્ટી આરોપી સલ્લાઉદ્દીન જૈનુદ્દીન શેખ અને અન્ય આરોપીઓએ કાવતરું રચ્યું હોવાનો ચાર્જશીટ માં આરોપ લગાવવામાં આવ્યો છે.

હેડ ક્લાર્ક પેપર લીક કાંડ

હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં હજુ પણ તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે. આ મુદ્દે રાજકારણ પણ ખુબ ગરમાયું. પ્રથમ વિધાર્થીનેતા યુવરાજ સિંહ દ્વારા પેપર લીકના આરોપ લગાવ્યા. ત્યારે તંત્રએ પ્રથમ જાણે આ વાતને અવગણી હોય એવું લાગ્યું. પરંતુ આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને તપાસ અંગે માહિતી આપતા ચકચાર મચી ગયો. અને છેવટે સરકારે પરીક્ષા રદ કરી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પહેલા દિવસથી તપાસ થઇ હતી. પોલીસ વિભાગ દ્વારા 24 થી વધુ ટીમ બનાવાઈ હતી. હર્ષ સંઘવીના નિવેદન બાદ આરોપીઓના નામ આવવાનું શરુ થઇ ગયું હતું. અને આ ઘટના ક્રમ બાદમાં છેક પેપર પ્રિન્ટીંગ પ્રેસ સુધી પહોંચ્યો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક કેસના 12 આરોપીઓ પર હાલ કાર્યવાહી ચાલી રહી છે. તો આ કેસમાં ફરિયાદ નોંધાવવાના પ્રથમ દિવસે 6 આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં મુખ્ય સૂત્રધાર જયેશ અને દેવલ પટેલનું નામ હતું. સમગ્ર મામલે સુર્યા ઓફસેટનું પણ નામ ઊછળ્યું. સુર્યા ઓફસેટ પેપર લીકનો ગુનાહિત ઈતિહાસ ધરાવતી પ્રિન્ટીંગ પ્રેસ છે. આ મુદ્દે GSSSB ના ચેરમેન અસિત વોરાના રાજીનામાંની પણ માંગ થઇ રહી છે. જોવું રહ્યું આગળ શું વળાંક આ કેસમાં આવે છે.

ગુજરાત DRUGS હેરાફેરીનું એપીસેન્ટર બન્યું

ગુજરાતનો 1,600 કિમીનો દરિયાકિનારો આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય ડ્રગ માફિયાઓ માટે આશીર્વાદમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગે છે જેઓ તેનો ઉપયોગ દેશમાં નાર્કોટિક્સ ઘુસાડવા માટે કરી રહ્યા છે. આ વર્ષે જ, ગુજરાત પોલીસે રૂ. 1,617 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે – જે રાજ્યના ઈતિહાસમાં સૌથી વધુ છે. સત્તાવાર રેકોર્ડ મુજબ, અત્યાર સુધીમાં 67,304 કિલોગ્રામ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની જપ્તી ગયા વર્ષના રૂ. 195 કરોડની કિંમતની 12,458 કિલોગ્રામની જપ્તી કરતાં ઓછામાં ઓછી 800 ગણી વધારે છે.

આ પણ વાંચો: Year Ender 2021 : ગુજરાતના રાજકારણની મહત્વની ઘટનાઓ

આ પણ વાંચો: Year Ender 2021: ગુજરાત DRUGS હેરાફેરીનું એપીસેન્ટર બન્યું, જાણો કયા અને કેટલા કરોડનો કાળો કારોબાર થયો ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati