Haryana : વર્લ્ડ ચેમ્પિયન નહીં યુનિવર્સિટી લેવલ કુસ્તીબાજ રહેલી નિશા દહિયાની હત્યા, નિશાની હત્યા બાદ લોકોમાં રોષ, એકેડમીમાં આગ લગાવી

ભારતીય મહિલા ટીમ સાથે બેલગ્રેડ ગયેલા કોચ રણધીર મલિકે જણાવ્યું, મૃત્યુ પામેલી છોકરી સોનીપતના હાલાલપુર ગામની નવી રેસલર હતી. તેનું નામ પણ નિશા દહિયા છે.

Haryana : વર્લ્ડ ચેમ્પિયન નહીં યુનિવર્સિટી લેવલ કુસ્તીબાજ રહેલી નિશા દહિયાની હત્યા, નિશાની હત્યા બાદ લોકોમાં રોષ, એકેડમીમાં આગ લગાવી
Nisha Dahiya Murder Case
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Nov 11, 2021 | 10:48 AM

બુધવારે હરિયાણા(Haryana)ની નેશનલ લેવલની કુસ્તીબાજ(Wrestler) નિશા દહિયા અને તેના ભાઇના મૃત્યુના ખોટા સમાચાર વાયરલ થયા હતા. ખરેખર નેશનલ લેવલ નહીં, પરંતુ યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ(Wrestler) નિશા દહિયા નામની કુસ્તીબાજની હત્યા થઇ છે. હરિયાણાના સોનીપત જિલ્લામાં, બુધવારે કેટલાક હુમલાખોરોએ કુસ્તી એકેડમીમાં ગોળીબાર કર્યો, જેમાં યુનિવર્સિટી-સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઈનું મોત થયું, જ્યારે માતા ઘાયલ થઈ.

ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ એકેડમીને આગ ચાંપી દીધી હતી. જે મહિલા કુસ્તીબાજની હત્યા કરવામાં આવી હતી તેણે તેની ઓળખ અંગે મૂંઝવણ ઉભી થઇ છે અને ઘણા અહેવાલોમાં તેણીને તાજેતરની અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કુસ્તીબાજ તરીકે વર્ણવવામાં આવી છે. બ્રોન્ઝ મેડલ વિજેતા રેસલરનું નામ પણ નિશા દહિયા છે. જોકે, બાદમાં મેડલ વિજેતા નિશા દહિયાએ એક વીડિયો જાહેર કર્યો હતો જેના પછી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી.

મૃતક નિશા કુસ્તીબાજ જ હતી ભારતીય મહિલા ટીમ સાથે બેલગ્રેડ ગયેલા કોચ રણધીર મલિકે જણાવ્યું, “મૃત્યુ પામેલી છોકરી સોનીપતના હાલાલપુર ગામની નવી કુસ્તીબાજ હતી. તેનું નામ પણ નિશા દહિયા છે પરંતુ તે નિશા અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી નથી.”

સોનીપત પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી અને કોચ પવન અને કેટલાક અન્ય લોકો દ્વારા કથિત રીતે પાંચથી છ ગોળીઓ ચલાવવામાં આવી હતી. નિશા દહિયાનો મૃતદેહ એકેડેમીના પ્રવેશદ્વાર પાસે અને તેના ભાઈનો મૃતદેહ લગભગ 100-200 મીટર દૂરથી મળી આવ્યો હતો. હુમલામાં તેની માતા ઘાયલ થઈ છે અને તેને રોહતકની પીજીઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ગ્રામજનોએ એકેડમીમાં આગ લગાવી પોલીસે જણાવ્યું કે, મૃતક ભાઈ-બહેન ખરખોડા સબ-ડિવિઝનના હાલાલપુર ગામના ધનપતિ અને દયાનંદ દહિયાના બાળકો હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા હાલાલપુર ગામના લોકોએ એકેડેમીને આગ ચાંપી દીધી હતી. જેથી ત્યાં પોલીસને તૈનાત કરવામાં આવી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. યુવા કુસ્તીબાજ અને તેના ભાઈની હત્યા એ કુસ્તી સમુદાય સાથે સંબંધિત તાજેતરની દુ:ખદ ઘટના છે.

એકેડેમીના કોચ-કમ-માલિક પર શંકા પોલીસને શંકા છે કે સોનીપતના હાલાલપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના પાછળ એકેડેમીના કોચ-કમ-માલિકનો હાથ છે. પોલીસ તેને પકડવા અને ઘટના પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. સોનીપતના સહાયક પોલીસ અધિક્ષક મયંક ગુપ્તાએ જણાવ્યું હતું કે, ”આ ઘટનામાં નિશા દહિયા (20) અને તેના ભાઈ સૂરજ (18)નું મોત થયું હતું. તેણે એવા અહેવાલોને રદિયો આપ્યો હતો કે મૃતક મહિલા બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ હોવાનું કહેવાય છે.” ગુપ્તાએ જણાવ્યું કે, ”તે યુનિવર્સિટી લેવલની કુસ્તીબાજ હતી. જે સુશીલ કુમાર રેસલિંગ એકેડમીમાં પ્રેક્ટિસ કરતી હતી.” અધિકારીઓએ કહ્યું કે, ”એકેડેમીનો બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર સાથે કોઈ સંબંધ નથી.”

મેડલિસ્ટ નિશા દહિયાએ કર્યો ખુલાસો કેટલાક અહેવાલોમાં, મૃતક નિશા દહિયાને વિશ્વ ચંદ્રક વિજેતા તરીકે વર્ણવવામાં આવી હતી. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા બેલગ્રેડમાં તેમના પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા. જો કે ખરેખર મેડલ જીતનાર નિશા દહિયાએ મીડિયામાં તેના મોતના સમાચાર વાયરલ થયા બાદ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિડીયો મુકીને તેના મોતની વાતનું ખંડન કર્યુ હતુ અને તે ઉત્તર પ્રદેશના ગોંડામાં આયોજિત રાષ્ટ્રીય કુસ્તી ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા આવી હોવાનું જણાવ્યુ હતુ. એટલુ જ નહીં દહિયાએ કહ્યું કે , “હું ઠીક છું… અને સ્વસ્થ છુ.” તેણે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો જેમાં તે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક સાથે બેઠેલી જોવા મળી.

અગાઉ પણ બની છે આવી જ ઘટનાઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્સના કોચ સુખવિન્દરે કથિત અંગત દુશ્મનાવટના કારણે તેના ત્રણ સાથી કોચ મનોજ કુમાર, સતીશ દલાલ અને પ્રદીપ મલિકને રોહતકના એક અખાડામાં ગોળી મારી દીધી હતી. તેણે રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ પૂજા સાથે મનોજની પત્ની સાક્ષી અને તેમના ત્રણ વર્ષના પુત્રની પણ હત્યા કરી હતી. મે મહિનામાં, બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારની છત્રસાલ સ્ટેડિયમમાં લડાઈ દરમિયાન અન્ય કુસ્તીબાજ સાગર ધનખરની કથિત રીતે હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, તે અત્યારે જેલમાં છે.

આ પણ વાંચોઃ ગજબ ! પાકિસ્તાનની આ મહિલાઓ 65 વર્ષ સુધી બાળકોને આપી શકે છે જન્મ, 80 વર્ષે પણ દેખાય છે યુવાન, જાણો કારણ

આ પણ વાંચોઃ આ ટીપ્સથી મેળવી શકાશે ખાંડની આદતથી છુટકારો, વજન પણ ઝડપથી ઘટશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati