True Story: આતંકના અંતનો આખરી નિર્ણય- માલધારી કાંઇ બોલે તે પહેલાં પી.આઈ અગ્રાવતે લમણે બંદૂક મૂકી દીધી અને ઓપરેશન ‘ઓવર’

True Story: બાતમીદાર વિશ્વાસુ હતો એટલે તેની બાતમી ખોટી તો નથી જ તેવો વિશ્વાસ અગ્રાવતને આવી ગયો. જુસબને પકડવાનું દબાણ એ હદે હતું કે, તેની બાતમી મળતા જ અગ્રાવતના શરીરમાંથી એક લખલખુ પસાર થઇ ગયું.

  • Publish Date - 3:23 pm, Thu, 17 June 21 Edited By: Pinak Shukla
True Story: આતંકના અંતનો આખરી નિર્ણય- માલધારી કાંઇ બોલે તે પહેલાં પી.આઈ અગ્રાવતે લમણે બંદૂક મૂકી દીધી અને ઓપરેશન 'ઓવર'
True Story: Final decision to end terror: Before Maldhari can say anything, PI Agrawat Laman drops his gun and launches Operation 'Over'

 (સત્ય ઘટના)  પાર્ટ-૩

True Story: બાતમીદાર વિશ્વાસુ હતો એટલે તેની બાતમી ખોટી તો નથી જ તેવો વિશ્વાસ અગ્રાવતને આવી ગયો. જુસબ(Jusab)ને પકડવાનું દબાણ એ હદે હતું કે, તેની બાતમી મળતા જ અગ્રાવતના શરીરમાંથી એક લખલખુ પસાર થઇ ગયું. તેમના હ્રદયના ધબકારા વધી ગયા હોય તેવું અનુભવી રહ્યાં હતાં. જ્યારે મન થનગનવા લાગ્યું અને એક વિચાર ફરી વળ્યો કે, ‘હવે નહીં છોડું..!’ તેમણે ફોન મૂકતા જ પત્ની સામે જોઇને કહ્યું, ‘થોડી ઉતાવળ રાખવી પડશે, મારે જવું પડશે’.

પોલીસ પરિવારો આવી ઘટનાઓથી ટેવાઇ ગયા હોય છે. અગ્રાવતના પત્ની પણ સમજી ગયા કે કોઇ ઇમરજન્સી છે. પરિવાર ઉતાવળથી જમ્યો અને ગાડીમાં ગોઠવાયો. અગ્રાવત ફુલ સ્પીડમાં કાર પોતાના ઘર તરફ હંકારી ગયા અને પરિવારને ઘર બહાર જ ઉતારી ઓફિસ જવાનું કહી નીકળી ગયા. 9.20 થવા આવી હતી. હજુ પણ હિમાંશુ શુક્લા, ભાવેશ રોજીયા અને કે.કે પટેલ પોતાની ચેમ્બરમાં હાજર હતા.

અગ્રાવત ઓફિસ પહોંચ્યા અને પ્રોટોકોલ પ્રમાણે સીધા ડીવાયએસ.પી રોજીયા પાસે પહોંચ્યા. ભારે વિશ્વાસ અને ઉત્સાહ સાથે ચેમ્બરમાં ઘૂસતા જ અગ્રાવત બોલ્યા, સાહેબ જુસબનું લોકેશન મળી ગયું છે. રોજીયા બોલ્યા, ક્યાં? અગ્રાવતે વિસ્તાર અને વાડી સમજાવ્યાં. રોજીયા પણ અનુભવી અધિકારી એટલે એક વખત ફરી તેમણે અગ્રાવત સામે શંકા માટે નહીં પણ વિશ્વાસ બેવડો કરવા પુછ્યું, બાતમી પાક્કી છે ને? અગ્રાવતે કહ્યું, સાહેબ સો ટકા. બન્ને ઉતાવળથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હિમાંશુ શુક્લાની ઓફિસ તરફ નીકળ્યાં.

શુક્લા કોમ્પ્યુટર પર કામ કરી રહ્યાં હતા. બન્ને અધિકારીને સાથે જોઇ તે પણ ક્ષણ વાર તેમની સામે જોઇ રહ્યાં. ડીવાયએસ.પી રોજીયા બોલ્યા, ‘સાહેબ જુસબનું લોકેશન મળ્યું છે’. આટલું કહેતા તેમણે અગ્રાવત તરફ ઇશારો કર્યો. શુક્લાએ પૂછ્યું ‘કેસે પતા ચલા?’ અગ્રાવત બોલ્યા, સાહેબ બાતમીદારનો ફોન હતો. શુક્લાએ પણ ખાતરી કરી..‘ઇન્ફર્મેશન પક્કી હૈ?’ અગ્રાવત જાણતા હતા બાતમી પાક્કી છે પણ સવારે સ્થળ પર પહોંચે તે પહેલાં જુસબ ભાગી જાય તો ભોંઠા પડવું પડે. ઉપરાંત થોડા દિવસ પહેલાં જ એક મોટું ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું. એટલે અગ્રાવતે કહ્યું, સાહેબ બાતમી પાક્કી છે, પણ સવાર સુધી તે જતો રહે તો કહેવાય નહીં.

હિમાંશુ શુક્લાનો એક પ્લસ પોઇન્ટ એ છે કે, તે પોતાના વિશ્વાસુ વ્યક્તિ પર ભરોસો પુરો કરે અને એટલે જ એ અધિકારીઓ પણ તેમનો ભરોસો તૂટે તેવી ભૂલ ભૂલથી પણ નથી કરતા. શુક્લાને લાગ્યું કે, બાતમી પાક્કી છે એટલે તાત્કાલીક કોઇ પણ વિચાર કર્યા વગર તેમણે બેલ માર્યો અને પ્યૂનને બોલાવ્યો. પ્યૂન આવતા જ તેમણે આદેશ આપ્યો કે, ‘એટીએસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલીક ઓફિસ બોલાવો, બને એટલા ઝડપી’. આ કામ એટીએસના પી.એસ.ઓ.ને સોંપાયુ અને બધાને ફોન થવા લાગ્યા.

10.15 વાગ્યે એટીએસનો કોન્ફરન્સ રૂમ તમામ સ્ટાફથી ભરાઇ ગયો. ડીઆઈજી હિમાંશુ શુક્લાએ પી.આઈ અગ્રાવતને પ્રોજેક્ટર પર ગૂગલ મેપમાં લોકેશન અને રસ્તા સમજાવવા કહ્યું. કારણ, અગ્રાવત ૧૧ મહિના જુસબને પકડવા આ વિસ્તારના ડૂંગરા ખુંદ્યા હતા. જંગલના રસ્તા અને ખેતરો, નદી-નાળા તેમને ખબર હતી. બાતમીદારે કહેલી જગ્યા, ત્યાંથી નજીકનું સેન્ટર બધું જ પોલીસકર્મીઓને સમજાવતા પોણો કલાક થયો. ત્યાં સુધીમાં ઓપરેશનની બીજી તૈયારીઓ જેવી કે, તમામના હથિયાર, બૂલેટપ્રૂફ જેકેટ, ફરી એકવાર ટેસ્ટર, ડ્રેગન લાઇટ, પારલે-જી બિસ્કીટ અને તાર કાપવાના કટર સહિતની વસ્તુઓ ભેગી કરી લેવાઇ.

એટીએસની લગભગ તમામ ૩૯ જેટલી ગાડીઓ જુસબના ઓપરેશનમાં સૌરાષ્ટ્ર તરફ નીકળવા લાગી. લગભગ પોણા બાર વાગ્યા સુધીમાં તો પોલીસની સરકારી અને ખાનગી ગાડીઓ બગોદરા હાઇવે પર પૂરપાટ ઝડપે ચડી ગઇ હતી. આ વાતના સાડા ત્રણ કલાક પછી પાળિયાદ નજીક તમામ ગાડીઓ એકઠી થઇ અને હવે પ્લાન બન્યો કે કેવી રીતે જુસબને ઘેરી લેવો. અગ્રાવત ટીમને લીડ કરી રહ્યાં હતા. માટે તેમની ટીમ સ્થળ સુધી આસાનીથી પહોંચી શકે તેમ હતી પરંતુ બીજી ટીમને રસ્તો બતાવનારૂં કોણ? આ એક પ્રશ્ન હતો.

હિમાંશુ શુક્લાએ પુછ્યુ, ‘બાતમીદાર સાથ આયેગા?’. અગ્રાવતે કહ્યું, ‘સાહેબ છેક સુધી જોડે લઇ જવો શક્ય નથી. એ દૂર ઊભો રહેશે’. હિમાંશુ શુક્લાએ શંકા વ્યક્ત કરી કે આ જોખમ ન લેવાય. તેમણે અગ્રાવતને કહ્યું, બીજો કોઇ રસ્તો? અગ્રાવતે કહ્યું, ‘સાહેબ, હું જસદણમાં હતો ત્યારે મારો એક વિશ્વાસુ અને બાહોશ પોલીસકર્મી હતો જીતુ એની મદદ લેવાય, તે ટીમને લઇ જશે’. શુક્લાએ મંજૂરી આપતા જ અગ્રાવતે મધરાતે તેને ફોન કર્યો. અગ્રાવતે કહ્યુ, ‘તારા સિનિયર અધિકારીઓની ચિંતા ના કરતો, તેમને એટીએસના ડીઆઈજી જાણ કરી દેશે’.

જીતુએ પણ ઓપરેશનમાં સાથે આવવા તાત્કાલીક હા પાડી દીધી. હવે, બે ટીમ તૈયાર કરી દેવાઇ. બીજી ટીમને કોન્સ્ટેબલ જીતુ પી.આઈ અગ્રાવતે સમજાવેલા ખેતર સુધી દોરી જવાનો હતો. જેને ડીવાયએસ.પી કે.કે પટેલ લીડ કરી રહ્યાં હતા. જ્યારે પહેલી ટીમ જેમાં ડીઆઈજી હિમાંશુ શુક્લા અને ડીવાયએસ.પી ભાવેશ રોજીયા પી.આઈ અગ્રાવત સાથે રહ્યાં. પાળિયાદથી કાફલો બોટાદ નજીક દેવગઢના ટેકરીઓવાળા વિસ્તાર તરફ આગળ વધ્યો. આ સમયે પી.આઈ અગ્રાવતની ક્રેટા કારમાં હિમાંશુ શુક્લા અને ભાવેશ રોજીયા સવાર હતા.

બાતમીદારે આપેલા લોકેશન સુધી પહોંચતા લગભગ પરોઢ થવા આવ્યું હતુ. પાળિયાદ પહોંચ્યા ત્યારે પણ પી.આઈ અગ્રાવતે બાતમીદારને ફોન કરી જુસબ ત્યાં જ છે કે કેમ? તેની એકવાર ખાતરી કરી લીધી હતી. બાતમીદાર પણ આખી રાત વોચમાં જાગતો રહ્યો હતો. બાતમીદારે રાતે હા પાડતા જ પોલીસ વધુ એલર્ટ સાથે આગળ વધવા લાગી. જે ખેતરમાં જુસબ સુતો હતો ત્યાંથી ચારેક ખેતર દૂર પોલીસે ગાડીઓ મૂકી દીધી અને ત્યાંથી આગળ ચાલીને જવાનું નક્કી થયું.

તમામ પોલીસકર્મીઓએ બૂલેટપ્રૂફ જેકેટ પહેર્યા હતા અને હાથમાં ભરેલી બંદૂકો હતી. જુસબ દૂર એક ખાટલામાં સૂતો દેખાયો કે હિમાંશુ શુક્લા બન્ને હાથ પહોળા કરી છાના ડગલે આગળ વધી રહેલી પોલીસફોર્સને રોકી. સાહેબનો ઇશારો જોઇ સૌ કોઇ ઊભા રહી ગયા અને તેમની સામે જોવા લાગ્યા. હિમાંશુ શુક્લાએ જુસબના આતંકનો કાયમી અંત લાવવા એક ‘આખરી નિર્ણય’ કર્યો. તેમણે ટીમમાં સાથે આવેલી મહિલા પી.એસ.આઈ. સંતોક ઓડેદરા, શકુંતલા મલ, નિતમિકા ગોહિલ અને અરૂણા ગામેતીને આગળ કર્યા. સાથે સલાહ પણ આપી કે, ‘એના આતંકની સાથે એના મોભાને પણ ધૂળધાણી કરવાનો છે!’.

ટીમ હવે બે ખેતર દૂર ખાટલામાં સૂતેલા જુસબ સુધી ઉતાવળે આગળ વધવા લાગી. અરૂણોદય થઇ ચુક્યો હતો અને જુસબ જે ખેતરમાં સૂતો હતો તેને અડીને આવેલા ખેતરમાં કેટલાક માલધારીઓ પોતાના ઢોર ચરાવવા પહોંચી ગયા હતા. ગોવાળીયાઓની નજર પોલીસ કાફલા પર પડી. પરંતુ એકેય પોલીસકર્મી ખાખી વર્દીમાં નહોતો, માટે તેમને આટલા લોકો સવાર સવારમાં આમ સંતાઇને તેમના ખેતર બાજુ કેમ આવે છે? તે વિચારથી તે સ્તબ્ધ બની ગયા.

એક માલધારીની નજર પી.આઈ અગ્રાવત પર પડી. તે બોલી ઉઠ્યો, ‘અલા માસ્તર તમે…?’ ત્યાં તો પી.આઈ અગ્રાવત સ્થિતિ કળી ગયા અને માલધારીને રિવોલ્વર બતાવી કહ્યું, ‘સોરી ભાઇ ચૂપ, કાંઇ બોલતા નહીં, નહીંતર આ સગી નહીં થાય. ઓપરેશનનું ક્લાઇમેક્સ હતું અને હવે કોઇ ભૂલ થાય તો પોલીસનું નાક કપાય તેમ હતું. માટે પી.આઈ અગ્રાવતે માલધારીને માત્ર ડરાવવા માટે જ ગન બતાવી હતી. માલધારી જેને માસ્તર સમજતો હતો તેનું આવું વર્તન જોઇ હેબતાઇ ગયો અને બે-ત્રણ ગોવાળિયાઓને નજીકની એક ઓરડીમાં જતા રહેવા કહેવાયું.

પોલીસકર્મીઓ બીલ્લી પગે આગળ વધ્યા અને જૂસબના ખાટલા સુધી પહોંચી ગયા. ભેદી હલચલથી જુસબની આંખ ખુલી ત્યાં તો તેની કલ્પના બહારનું દ્રશ્ય હતું. એ કાંઇ સમજે તે પહેલા બંદૂકના બટ (બંદૂકનો પાછળનો ભાગ) અને લાફા પડવા લાગ્યા. પુરૂષ પોલીસકર્મીઓને બસ ઊભા ઊભા દ્રશ્યો જોવાના હતા. મહિલાઓના હાથે લાફા પડતા જ જુસબ ગભરાઇને ખાટલામાં બેઠો તો થયો પણ માનસિક રીતે ભાંગી પડ્યો. આસપાસ પોલીસના કાફલાને જોઇ એ ચૂપ રહ્યો અને જમીન પર બેસાડી મહિલાઓના હાથે તેને હાથકડી પહેરાવડાવી.

તેના આતંકનો અંત લાવવા મહિલા પોલીસના હાથે તેની સત્તાવાર ધરપકડના આખરી નિર્ણયે આખી ઘટનાને માત્ર જંગલ પુરતી સીમિત ન રહેવા દઇ દેશભરના મીડિયામાં સ્થાન અપાવ્યું. જુસબ ૧૧ મહિનાની મહેનત બાદ સાવ સામાન્ય રીતે ઝડપાઇ ગયો. સવારનો સમય હતો જુસબના પકડાઇ જવાથી પોલીસકર્મીઓ ખુશ હતા પણ હિમાંશુ શુક્લા તેમના અંદાજમાં બન્ને હાથ ખીસામાં નાંખીને સવારની એ સુખદ ઘટનાને માણી રહ્યાં હતા.

તે જાણતા હતા કે, ભલે જુસબને પકડવામાં મહેનત કરવી પડી પણ તે આટલી જ આસાનીથી પકડાવાનો હતો. ‘સાધારણ બાબત જ સૌથી અસાધારણ હોય છે અને બુધ્ધિશાળી લોકો જ તેમને જોઇ શકે છે’(-પાઓલો કોએલોની ધી એલ્કેમિસ્ટ બૂકમાંથી). હિમાંશુ શુક્લાએ અગ્રાવતને ખભે હાથ મૂકીને અભિનંદન આપ્યાં. ડીઆઈજી શુક્લાએ પોલીસકર્મીઓની ભીડમાં જીતુ નામના તે કોન્સ્ટેબલને પણ શોધ્યો જે રાત્રે પોલીસ ટીમને બાતમીવાળી જગ્યા સુધી મૂકવા આવ્યો હતો.

પરંતુ તેનુ કામ પોલીસટીમને સ્થળ સુધી મૂકી પાછા જતા રહેવાનું હતુ તેથી તે નીકળી ગયો હતો. હિમાંશુ શુક્લાએ પી.આઈ. અગ્રાવત પાસે તેનો નંબર માંગ્યો અને ત્યાંથી જ પોતાના ફોનથી જીતુને ફોન કરતા કહ્યું ‘ડીઆઈજી એટીએસ હિમાંશુ શુક્લા બોલ રહા હુ….જીતુ થેન્ક્યુ વેરી મચ…’એક કોન્સ્ટેબલના નાનામાં નાના કામની પણ કદર કરતા જોઇ હાજર પોલીસ સ્ટાફને પણ પોતાના લીડર પર માન થવું વ્યાજબી હતું.

બીજી તરફ જુસબને જમીન પર બેસાડી ચારેય મહિલા પી.એસ.આઈઓએ તેની સામે ગન તાકી એક ફોટો પડાવ્યો હતો તે ફોટો જુસબના આતંકના અંત માટે ધાર્યુ કામ કરી ગયો અને મીડિયામાં પણ ચર્ચાસ્પદ રહ્યો હતો.
આ સત્ય ઘટના પર આગામી દિવસમાં એક હિન્દી ફિલ્મ પણ બનવા જઇ રહી છે.

નોંધ- આ સ્ટોરી એ સત્યઘટના પર આધારિત છે અને ત્રણ ભાગમાં પ્રકાશિત કરવામાં આવી છે. જે વાચકો ભાગ-1 અને ભાગ-2 વાંચવાનું ચુકી ગયા હોય તે ભાગ-1 અને ભાગ-2 પર ક્લિક કરીને વાંચી શકશે