CCTV કામ ન લાગ્યા, પણ એક ટીશર્ટને આધારે પોલીસે લૂંટના આરોપીને પકડી સળિયા પાછળ ધકેલ્યા

આ ટોળકી સામાન્ય રીતે રાત્રીના સમયે શિકાર માટે નંબરપ્લેટ વગરના બાઇકમાં ત્રિપલ સવારી નીકળી પડતી હતી અને જે પણ વિસ્તારમાં કોઇ એકલ દોકલ વ્યક્તિ જોવા મળે તુરંત જ છરીની અણીએ તેની સાથે લૂંટ ચલાવીને ફરાર થઇ જાય છે.

CCTV કામ ન લાગ્યા, પણ એક ટીશર્ટને આધારે પોલીસે લૂંટના આરોપીને પકડી સળિયા પાછળ ધકેલ્યા
Police nabbed the robbery accused on the basis of a T-shirt in Rajkot

લૂંટ કરાયેલા સ્થળના CCTV ફૂટેજ મળી આવ્યા હતા. જો કે તેમાં કોઇ આરોપીના મોંઢા ચોખ્ખા દેખાઇ રહ્યા ન હતા.

RAJKOT : શહેરના આનંદ બંગલા ચોક નજીક ગત 18મી સપ્ટેમ્બરના રોજ લૂંટ ચલાવનાર ટોળકીને પોલીસે પકડી પાડી છે.રાત્રીના સમયે ફરીયાદી વેપારી પોતાના ભાઇને ફોન કરવા માટે ઉભા રહ્યા હતા ત્યારે છરીની અણીએ ત્રણ શખ્સોએ વેપારી પાસે રહેલા રોકડ રૂપિયા અને મોબાઇલની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને CCTV ફુટેજની મદદથી આ શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. બાઇકમાં નંબર પ્લેટ ન હતી અને CCTV ફૂટેજમાં ખાસ કાઈ દેખાતું ન હતું, પણ બાતમીદારોના નેટવર્કને કારણે પોલીસે લૂંટારૂ ટોળકીને પકડી પાડી હતી.

એક ટી શર્ટ મહત્વનું સાબિત થયું અને આરોપી પકડાઈ ગયો

રાજકોટ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે લૂંટ કરાયેલા સ્થળના CCTV ફૂટેજ મળી આવ્યા હતા. જો કે તેમાં કોઇ આરોપીના મોંઢા ચોખ્ખા દેખાઇ રહ્યા ન હતા. એટલું જ નહિ બાઇકના નંબર પણ ન હતા જો કે ત્રીજા આરોપીએ કેસરી કલરનું ટી શર્ટ પહેર્યું હતુ, જેના પરથી પોલીસને તેની ઓળખ થઇ.

સોશિયલ મિડીયા અને બાતમીદારોના નેટવર્કની મદદથી આ શખ્સ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો ધ્રુવરાજસિંહ હોવાનું સામે આવ્યું, જેના આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે પકડેલા આરોપીઓમાં એક ધ્રુવરાજસિંહ ગોહિલ જ્યારે બે સગીર આરોપીઓ છે. પોલીસે આ આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો 51 હજાર રૂપિયાનો મુ્દ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે આ ટોળકીની વધુ પુછપરછ કરી ત્યારે ઘ્રુવરાજે કબુલાત આપી હતી કે તેમણે અગાઉ મનીષ ઉર્ફે ઢોલકી અને પરેશ ઉર્ફે મદારી સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો. આ ટોળકીએ અઢી મહિના પહેલા આજીડેમ વિસ્તારમાં લૂંટ ચલાવી હતી અને તે બાદ ફરાર હતા જેના આધારે પોલીસે મનીષ ઉર્ફે ઢોલકીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે..આ ઉપરાંત ત્રણેક મહિના પહેલા ગોંડલ રોડ પર પણ આ પ્રકારે એક બાઇક સવારને આંતરીને તેની પાસેથી 18 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી.

કેવી છે મોડસ ઓપરેન્ડી

પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકી પોતાના મોજશોખ પૂરા કરવા માટે લૂંટના રવાડે ચડી હતી.આ ટોળકી સામાન્ય રીતે રાત્રીના સમયે શિકાર માટે નંબરપ્લેટ વગરના બાઇકમાં ત્રિપલ સવારી નીકળી પડતી હતી અને જે પણ વિસ્તારમાં કોઇ એકલ દોકલ વ્યક્તિ જોવા મળે તુરંત જ છરીની અણીએ તેની સાથે લૂંટ ચલાવીને ફરાર થઇ જાય છે.

લૂંટ કર્યા બાદ તેઓ CCTVમાં ન આવે તેની પણ ખાસ તકેદારી રાખતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. શહેરમાં જે ત્રણ લૂંટ ચલાવી તેમાં તેમણે આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો છે. જો કે આ ટોળકીએ આ ત્રણ સિવાય અન્ય કેટલી લૂંટને અંજામ આપ્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપના 11 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati