અમદાવાદ શહેરમાં (Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચ કે (Crime) પોલીસના (POLICE)નામે તોડ કરતા હોવાની ઘટના અવાર નવાર સામે આવે છે. ત્યારે ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચના નામે વેપારીનુ અપહરણ કરી 3 લાખની માંગ કરી 20 હજાર પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે. નરોડા પોલીસે ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી છે. કોણ નકલી પોલીસ બની તોડ કરતી ટોળકી વાંચો આ અહેવાલમાં.
અમદાવાદના નરોડા પોલીસની કસ્ટડીમાં રહેલા 5 આરોપીએ ક્રાઇમ બ્રાંચના પોલીસ તરીકે પોતાની ઓળખ આપી ભાજીપાઉનો વેપાર કરતા વેપારીનું અપહરણ કરી તોડ કર્યો છે. આરોપી રાજન પટેલ,પ્રદિપ પાટીલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ જોધા અને અમિત પટેલ છે. આરોપીએ મૂળ રાજસ્થાનના અને હાલ નરોડામાં રહેતા ઈન્દ્રલાલ જાટ નામના વેપારીનું 7 તારીખના રોજ રાત્રે બારેક વાગ્યાની આસપાસ અપહરણ કર્યુ હતુ. વેપાર માટે નાના બાળકો રાખો છો તેમ કહી પોલીસ કેસ ન કરવા માટે 3 લાખની માંગ કરી રૂપિયા 20 હજાર પડાવી લીધા હતા. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
7 તારીખે વેપારી તેઓ તેમની લારી પર વેપાર ધંધો કરતા હતા. ત્યારે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં પાંચ માણસો લારી ઉપર આવ્યા હતા. અને કહેવા લાગ્યા હતા કે આ લારીનો માલિક કોણ છે. તમે કેમ નાના છોકરાને કામ માટે રાખો છો. તેમ કહી પોતાની ઓળખ ક્રાઇમ બ્રાચના નામે આપી કેસ કરવાની ધમકી આપી. નરોડા પોલીસ મથકે લઈ જવાના બહાને અપહરણ કર્યું. અને પોલીસ કેસ ન કરવા માટે ત્રણ લાખની માંગ કરી. જોકે વેપારી પાસે રૂપિયા ન હોવાથી એટીએમ મારફતે 20000 પડાવી લીધા હતા. જેની તપાસ કરતા આ કેસમાં મુખ્ય આરોપી રાજન પટેલ સાયબર ક્રાઇમમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાની હકીકત સામે આવી. જેની પણ પોલીસે ધરપકડ કરી છે.
નરોડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી પરંતુ આરોપી ટોળકીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ, અને અન્ય કોઈ વેપારી પાસે પોલીસના નામે રૂપિયા પડ્યા છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે તે જોવું રહ્યું.