
તાજેતરમાં જ રાજ્યમાં નકલી પોલીસ, નકલી IPS, નકલી PA ઉપરાંત અન્ય પણ નકલી ચીજ વસ્તુઓની જાણે કે બોલબાલા વધી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક આવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી એઝાઝખાન પઠાણ નામનો વ્યક્તિ ઈલેક્ટ્રિકની દુકાનમાં કોમ્પ્યુટરમાં નકલી ડોક્યુમેન્ટ બનાવી રહ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ સાઇબર ક્રાઈમ પોલીસને થતાં પોલીસ દ્વારા આ ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસને આઝાદખાન પઠાણની ઓફિસમાંથી મોટી સંખ્યામાં નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. જેને લઈને પોલીસે તેની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઇમ પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, એઝાઝખાન પઠાણ ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કરેલો છે, પરંતુ તે પહેલેથી જ કોમ્પ્યુટર પર કામ કરતો હતો અને અગાઉ તે સ્વીગી અને ઝોમેટો જેવી કંપનીમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશનનું પણ કામ કરતો હતો.
આરોપી યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં વેબસાઈટ પરથી નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું શીખ્યો હતો. જે લોકોને લોનમાં ખૂટતા પુરાવાઓ પણ ડુપ્લીકેટ બનાવી આપતો હતો. આરોપી લોકોની જરૂરિયાત મુજબ ડોક્યુમેન્ટ બનાવવાના રૂપિયા પડાવતો હતો. હાલ પોલીસની તપાસમાં 100 જેટલા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઈટ બિલ અને પાનકાર્ડ ડુપ્લીકેટ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમે આરોપીની ઓફિસમાં સર્ચ કરતા ત્યાંથી 30 જેટલા ડુપ્લીકેટ ઇલેક્ટ્રીક બિલ, આધાર કાર્ડ અને જન્મ મરણના દાખલા સહિતના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. આરોપી છેલ્લા સાત મહિનાથી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવવાનું કામકાજ કરતો હતો.
ખાસ કરીને જે પણ લોકોને લોન માટે ખૂટતા ડોક્યુમેન્ટની જરૂર હોય તેવા લોકો આ આરોપીનો સંપર્ક કરતા હતા અને તેમની પાસેથી જે તે નામ સરનામાના ખોટા ડોક્યુમેન્ટ મેળવતા હતા. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને અત્યાર સુધીમાં કેટલા લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવી આપ્યા છે અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો, એક વર્ષમાં અમદાવાદમાં 8.52 લાખ પાસપોર્ટ ઈસ્યું થયા