છોટાઉદેપુર: ચાલુ રિક્ષામાં છેડતી થતા ગભરાયેલી વિદ્યાર્થિનીઓ કુદી પડી, ઇજાગ્રસ્તોને અપાઇ સારવાર, વાલીઓમાં રોષ

છોટાઉદેપુરમાં શાળાથી પરત ફરી રહેલી 7 વિદ્યાર્થીનીઓની ચાલુ વાહનમાં છેડતીથી ચકચાર મચી છે. ઘટના કઇક એવી છે કે વિદ્યાર્થીનીઓ શાળાએથી ઘરે જવા પીકઅપ વાનમાં બેસીને થોડે દૂર ગયા બાદ પીકઅપ વાનમાં બેસેલા શખ્સે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા.

છોટાઉદેપુર: ચાલુ રિક્ષામાં છેડતી થતા ગભરાયેલી વિદ્યાર્થિનીઓ કુદી પડી, ઇજાગ્રસ્તોને અપાઇ સારવાર, વાલીઓમાં રોષ
| Edited By: | Updated on: Jan 03, 2024 | 2:47 PM

સુરક્ષિત અને સલામત ગુજરાતના દાવાની પોલ ખોલતી ઘટના છોટાઉદેપુરમાં પ્રકાશમાં આવી છે. કોઇ મહિલા નહીં, પરંતુ શાળાની નાની નાની વિદ્યાર્થિનીઓ છેડતીનો ભોગ બની છે. એટલુ જ નહીં રિક્ષામાં છેડતીનો ભોગ બનેલી અને ડરી ગયેલી આ વિદ્યાર્થિનીઓ કુદી પડી હતી. આ ઘટનામાં વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત થઇ છે. તેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવી છે.

ચાલુ રિક્ષામાંથી 7 વિદ્યાર્થિની કુદી પડી

છોટાઉદેપુરમાં શાળાથી પરત ફરી રહેલી 7 વિદ્યાર્થીનીઓની ચાલુ વાહનમાં છેડતીથી ચકચાર મચી છે. ઘટના કઇક એવી છે કે વિદ્યાર્થીનીઓ શાળાએથી ઘરે જવા પીકઅપ વાનમાં બેસીને થોડે દૂર ગયા બાદ પીકઅપ વાનમાં બેસેલા શખ્સે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા. અડપલાથી હતપ્રત થયેલી વિદ્યાર્થીનીઓએ છેડતીખોરોથી બચવા માટે ચાલુ વાહનમાંથી છલાંગ લગાવીને નીચે કૂદી પડી હતી. છેડતીની ઘટના બાદ ગભરાઇ ગયેલા ચાલકે પણ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આખી પીકઅપવાન પલટી મારી ગઇ હતી.

લુખ્ખાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની કરાઇ માગ

ચાલુ વાહને છલાંગ મારવાના કારણે 7 વિદ્યાર્થીનીઓને ગંભીર ઇજા પહોંચી છે, ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ વિદ્યાર્થીનીઓને નજીકની હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તમામને સારવાર આપવામાં આવી. સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓની માગ છે કે વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરતા લુખ્ખાઓ વિરૂદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાને અંજામ ન મળે તે માટે સુરક્ષા સઘન કરાશે.

આ પણ વાંચો- સુરત : પતંગોત્સવમાં જોવા મળી રહી છે રામ લલ્લાના અભિષેક સમારોહની ઝાંખી, જુઓ વિડીયો

જિલ્લા પોલીસ વડા એક્શનમાં આવ્યા

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા જ જિલ્લા પોલીસ વડા એક્શનમાં આવ્યા છે. TV9 સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ વડાએ દાવો કર્યો કે ઘટનાની 15 મિનિટમાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. સાથે જ તેઓએ જણાવ્યું કે 5 આરોપીઓમાંથી 2ની ઓળખ કરી લેવામાં આવી છે. જ્યારે ત્રણ વ્યક્તિની ઓળખ બાકી છે. અધિકારીઓ ભલે સબ સલામતનો દાવો કરતા હોય, પરંતુ આ પ્રકારની ઘટના સલામત ગુજરાતની છબીને ઠેસ પહોંચાડનારી છે. જોવાનું રહ્યું કે હવે આરોપીઓ પોલીસ સકંજામાં ક્યારે આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:45 pm, Wed, 3 January 24