ગુજરાતના એક એવા ડોનની કહાણી, જેને 29 વર્ષની ઉંમરમાં જ 100થી વધુ લોકોની કરી હતી હત્યા!

મિહિર ભટ્ટ | અમદાવાદ,  દીકરાના વિયોગમાં રઘવાઈ ગયેલા વૃધ્ધ દંપતીએ અંતે તાંત્રિકનો સહારો લીધો. જ્યાં પોલીસ નિષ્ફળ નિવડી રહી છે ત્યાં તંત્ર-મંત્ર અને દૈવીશક્તિ સાથ આપશે તેવી આશા જિંદગીના છેલ્લા દિવઈસો ગણી રહેલા વૃધ્ધ દંપતીને હતી. કારણ કે, એક અઠવાડિયાથી જુવાનજોધ દીકરો ઘરે નહોતો આવ્યો. તેની પત્નીની રડમસ આંખો વારંવાર ઘરના ડેલે ડોકિયું કરતી હતી. […]

ગુજરાતના એક એવા ડોનની કહાણી, જેને 29 વર્ષની ઉંમરમાં જ 100થી વધુ લોકોની કરી હતી હત્યા!
Follow Us:
Mihir Bhatt
| Edited By: | Updated on: Sep 29, 2020 | 3:47 PM

મિહિર ભટ્ટ | અમદાવાદ,  દીકરાના વિયોગમાં રઘવાઈ ગયેલા વૃધ્ધ દંપતીએ અંતે તાંત્રિકનો સહારો લીધો. જ્યાં પોલીસ નિષ્ફળ નિવડી રહી છે ત્યાં તંત્ર-મંત્ર અને દૈવીશક્તિ સાથ આપશે તેવી આશા જિંદગીના છેલ્લા દિવઈસો ગણી રહેલા વૃધ્ધ દંપતીને હતી. કારણ કે, એક અઠવાડિયાથી જુવાનજોધ દીકરો ઘરે નહોતો આવ્યો. તેની પત્નીની રડમસ આંખો વારંવાર ઘરના ડેલે ડોકિયું કરતી હતી. સાસુ-સસરાની તાંત્રિકની મદદ લેવાની સલાહને પુત્રવધૂએ પણ એટલી જ ઉતાવળથી હા પાડી દીધી.  જાણે કોઇ ડૂબતો માણસ તરણું પકડતો હોય. ઉત્તર ગુજરાતના સાબરમતી નદીના કાંઠે આવેલા એક નાનકડા ગામની આ વાત છે. સાંજ ઢળવા લાગી હતી, ખેતમજૂરીએથી ગ્રામવાસીઓ પોતાના માલઢોર સાથે ઘરે પાછા આવવા લાગ્યા હતા. સૂર્યનારાયણ પણ અસ્ત થવાની તૈયારીમાં હતા. ત્યાં સાઇકલ પર સફેદ લેંઘો અને સફેદ ઝભ્ભામાં, વધારેલા દાઢી-વાળ અને કપાળ પર લાંબા એવા કંકુના ચાંદલા સાથે આવેલા તાંત્રિકે ડેલી ખખડાવી.

દીકરો ગુમ થતા બચેલા ત્રણ સભ્યોના પરિવારનું ગામડાનું ઘર મોટું હતુ. ચારેક ઓરડા અને લગભગ અડધા વિઘાનું ફળિયું. વૃધ્ધે તાંત્રિક માટે ફળિયામાં ખાટલો પાથર્યો અને તાંત્રિકને બેસાડ્યો. ધીમેધીમે અંધારુ વધી રહ્યું હતુ. ઘરની ઓસરીમાં એક પીળા બલ્બના અજવાળાના સહારે વૃધ્ધ અને તાંત્રિક ખાટલા પર બેસીને વાતો કરતા હતા. તાંત્રિક શું કહે છે તે જાણવા વૃધ્ધ માતા પણ પતિની નજીક ખાટલા પાસે નીચે બેઠી. એટલામાં જુવાનજોધ પુત્રવધૂ ઘરમાંથી તાંત્રિક માટે લોટામાં ચા ભરી લાવી. તેણે તાંત્રિક અને તેના સાસુ-સસરા પાસે ચાની રકાબી ભરી. તાંત્રિકની નજર પુત્રવધૂ પર પડી. અત્યંત સ્વરૂપવાન અને જુવાનજોધ સ્ત્રીને જોઇ તાંત્રિક બે ઘડી તો જાણે તંદ્રામાં સરી પડ્યો. તેના મનમાં વાસનાના વમળોએ વાવાઝોડું સર્જી દીધુ હતુ. એક લાચાર પરિવારને તાંત્રિક પાસેથી પોતાના દીકરાની ભાળ મેળવવી હતી. જ્યારે તાંત્રિકની નજર તો ઘરની સ્વરૂપવાન સ્ત્રી પર પડી હતી. પરિણીતાની લાચારીમાં તાંત્રિકને જાણે ગેરલાભ લેવાનો રસ્તો દેખાઇ રહ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તાંત્રિકે ચાના સબડકા બોલાવતા વૃદ્ધને કહ્યું, તમે પતિ-પત્ની અંદર જાવ, જેનો પતિ ગયો છે તે તમારી વહુને જ વિધિમાં બેસાડીશું તો સવાર સુધીમાં તમારો દીકરો આવી જશે…! વૃધ્ધ દંપતીને આ વાત હાશકારો આપનારી હતી. બન્ને રકાબી જમીન પર મુકીને ઊભા થઇ ગયા અને સાસુએ બૂમ પાડી….સોનલ….ત્યાં તો સોનલ પણ માથે ઓઢેલો સાડીનો છેડો સરખો કરતા બહાર આવી. કહ્યું, હા બા, સાસુએ કહ્યું આ મહારાજ તને બેસાડીને વિધિ કરશે, એ શું કહે છે એ સાંભળી લે. તેમ કહીને સાસુ-સસરા બન્ને ત્રણેક પગથિયાં ચડીને ઘરના ઓરડામાં ગયા.

‘હા મહારાજ’ કહેતા સોનલ પણ ખાટલા નજીક જમીન પર બેસી ગઇ. તાંત્રિક હવે તેના અસ્સલ રંગમાં આવી ગયો હતો. તેણે સોનલને કહ્યું, તારા પતિને સવાર સુધીમાં પાછો લાવી આપીશ. મારી વિધિ ક્યારેય નિષ્ફળ નથી જતી. હા, વિધિમાં જો કોઇ ભૂલ થઈ તો તારા પતિ સાથે કોઇ અનિષ્ટ પણ થઇ શકે છે. સોનલના મનમાં ગભરાટ ફેલાયો અને તેના મોઢા પરનો આ ડર તાંત્રિકને દેખાવા લાગ્યો. આમ તો તાંત્રિકને આ ડર જોઇતો જ હતો, જેથી સોનલ તેના તાબે થઇ જાય. તાંત્રિકે શરૂઆતમાં તો વિધિની વાત કરી અને વિધિ માટે શું લાવવું તે બધું કહેવા લાગ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સોનલ તેની તમામ વાતોમાં હા પુરાવા લાગી. તાંત્રિકને લાગ્યું કે, હવે સોનલ તાબે થઈ ગઈ છે ત્યારે તેણે કહ્યું, આ વિધિ એક બંધ રૂમમાં કરવી પડશે અને ત્યાં તારે સંપૂર્ણ નિર્વસ્ત્ર થઇને બેસવું પડશે. આ સાંભળીને સોનલના હોંશ ઊડી ગયા, માથે જાણે આભ તૂટી પડ્યું, તે અવાચક બની ગઇ. તેના ડોળા જાણે તાંત્રિક સામે ફાટી ગયા હોય તેમ એકીટસે તેને જોવા લાગી. તાંત્રિકે ભેદી સ્મિત આપતા કહ્યું, વિધિ છે, કોઈ ચૂક થઇ તો તારો પતિ સવાર નહીં જૂએ! સોનલને હજુ તો તાંત્રિકની વાતથી કળ નહોતી વળી ત્યાં તો તાંત્રિકે ફરી કહ્યું, રાતની વિધિ પત્યા પછી તારે મારી સાથે સવારે 4 વાગ્યે નદીએ ન્હાવા આવવું પડશે!

સોનલ ત્યાંથી સફાળી ઊભી થઈ અને કંઈ જ બોલ્યા વગર ઉતાવળે પગે ઘરમાં દોડી ગઈ. તેણે પોતાની સાસુ્ને એક રૂમમાં બોલાવી કહ્યું કે આ તાંત્રિકની માગ યોગ્ય નથી. હું તેની સામે નિર્વસ્ત્ર ના બેસી શકું. સાસુ પણ તાંત્રિકના ઈરાદા જાણી ગઈ પણ તે એક માં હતી. પુત્રની લાલચ તેને આવેશમાં આવીને તાંત્રિકને ઘરની બહાર કાઢી મૂકતા રોકી રહી હતી. સોનલની સાસુએ તેની આખી વાત જાણી, પણ પુત્રને મેળવવાની લાલચમાં તે સોનલને તાંત્રિકના કહેવા પ્રમાણે કરવા સમજાવવા લાગી. રાતના 8.30 વાગી ગયા હતા. સોનલ ચોધાર આંસુએ રડતા તેની સાસુ સામે સતત કાકલૂદી કરી રહી હતી. સામે સાસુ પણ રડી રડીને તેને તાંત્રિક કહે છે તેમ કરવા સમજાવી રહી હતી.

નાનકડાં ગામના ખુશખુશાલ આ પરિવાર પર જાણે કુદરત રૂઠી હતી. તાંત્રિક પણ કાળ બનીને ફળિયામાં બેઠો હતો. એકાદ વર્ષ પહેલા જ પરણીને સાસરે આવેલી સોનલ પર બેવડી આફત આવી હતી, પતિને મેળવવા કોઇ પરપુરૂષ સામે નિર્વસ્ત્ર કેમ થવું? અને હવે તેની સાસુ પણ તેને તાંત્રિકની સલાહ મુજબ કરવા સમજાવી રહી હતી! અંતે સોનલનું હૈયુ ભરાઈ આવ્યું તેણે તેની સાસુને કહ્યું, જાવ એકવાર બાપુજી સાથે વાત કરો. તેમ કહી તેની સાસુને બાજુના રૂમમાં મોકલ્યાં. આ દરમિયાન સોનલે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને શરીર પર ઘાસલેટ છાંટીને દિવાસળી ચાંપી દીધી. સોનલની મરણચીસો ગામડાના સન્નાટામાં આસપાસના ઘરોમાં પણ સંભળાઇ અને લોકો દોડી આવે તે પહેલા તાંત્રિક ઘરમાંથી ફરાર થઇ ગયો.

હકીકતમાં સોનલના પતિની તો એક સપ્તાહ પહેલાં જ હત્યા થઈ ગઈ હતી પણ વૃધ્ધ દંપતી અને સોનલ આ વાતથી અજાણ હતા માટે મા-બાપ દીકરા માટે અને સોનલ પતિને પાછા મેળવવા વલખાં મારી રહ્યાં હતા. આમ તાંત્રિકના ચુંગાલમાં ફસાઇ એક પરિવાર વેરવિખેર થઇ ગયો. આ ઘરમાં હવે માત્ર એક વૃધ્ધ દંપતી જ રહ્યું હતું.

પણ કહેવાય છે કે, સમય આવે કર્મોનો હિસાબ કુદરત લઇ જ લે છે..! ગામડામાં રહેતા આ પરિવારની આવી હાલત માટે જવાબદારનો હિસાબ પણ કુદરતે બરાબર લીધો. આ ઘટનાના બરાબર 10 વર્ષ પછી ગામડાના આ ઘરથી 600 કિમી દૂર મુંબઇમાં આ પરિવારને બેહાલ કરનારો શખ્સ પોતાની એકની એક દીકરીનો જન્મદિવસ ઉજવવાની તડામાર તૈયારીમાં હતો. બાન્દ્રા રોડની એક બેકરીમાં કેક લેવા પહોંચેલા આ શખ્સને પોલીસે જોઇ લીધો અને કેક લઇને જેવો બેકરીની બહાર નીકળ્યો કે તેને ઘેરી લીધો. નામચીન ગુનેગાર પોલીસ પાસે એક કલાકના સમય માટે કરગર્યો. પણ પોલીસે તેની એક પણ વાત ના સાંભળી અને બીજા દિવસે સુરત નજીક કામરેજ હાઇવે પરના એક ઘરમાં તેનું એન્કાઉન્ટર થઇ ગયું.

તે છેલ્લી ઘડીએ પોતાની દીકરીનું મોં પણ ન જોઈ શક્યો. 29 વર્ષની વયે પોલીસના હાથે હણાઈ ગયેલા આ ગુનેગારે ગુજરાતનો એકેય એવો ડોન બાકી નહોતો રાખ્યો કે જેને ધમકી ના આપી હોય અથવા તો તેની હત્યાનો પ્રયાસ કર્યો ન હોય. લતીફ, એસ.કે એટલે કે શરિફ ખાન, ફઝલ અર-રહેમાન ઉર્ફ ફઝલુ રહેમાન સામે તેણે સીધી દુશ્મનાવટ કરી હતી. કહેવાય છે કે, 29 વર્ષની વયે તેનું એન્કાઉન્ટર થયું ત્યારે ગુજરાત પોલીસના ચોપડે તેની સામે ‘સત્તાવાર’ 29 હત્યા હતી. પણ તે સમયના અધિકારીઓ કહે છે કે, આ ડોને હત્યાની સેન્ચ્યુરી મારેલી છે. તેના એન્કાઉન્ટર પહેલાં તેણે મુંબઇમાં જે બંગલો ખરીદ્યો હતો તે પણ કરોડોની કિંમતનો હતો. નોંધનીય છે કે, આ ગુનેગારનું એન્કાઉન્ટર 1991માં જ થઈ ગયું હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ‘ક્રાઇમ કહાની’ છે મૂળ રાજસ્થાનના પાલી નજીક આવેલા આસવણ ગામના વતની શતરામ ભોપારામ ઉર્ફ શેતાનરામ ભોપાલારામ ઉર્ફ મહેન્દ્રસિંહ ભોપાલસિંહ રાઠોડ ઉર્ફ મહેન્દ્ર રાયકાની. બહુનામધારી મહેન્દ્રસિંહ મૂળ રાજસ્થાનનો રબારી હતો. સમાજના રિતરીવાજ મુજબ નાનપણમાં જ તેને પરણાવી દેવાયો હતો. પરિવાર સમાજના રિતરીવાજને વળગી રહેનારો હતો પણ મહેન્દ્રસિંહને સમાજ કે શરમના કોઇ વાડા નડતા નહોતા. તેણે 17 વર્ષની ઉંમરે પાડોશના ગામમાંથી બૂલેટની ચોરી કરી અને રાજસ્થાન-ગુજરાત બોર્ડરના ગામ બાખાસર પહોંચી ગયો. ત્યાં તે સમયના વગદાર બળવતસિંહ પાસે પહોંચી જઇ બૂલેટ વેચવાની વાત કરી. બળવંતસિંહ મૂળ દરબાર અને રણના ભોમિયા. તેમણે પાકિસ્તાન સાથેના યુધ્ધમાં બે વાર રણમાંથી ભારતીય સૈન્યને બોર્ડર સુધીનો રસ્તો બતાવ્યો હતો. બોર્ડરના ગામથી માંડીને છેક વડપ્રધાન ઓફિસ સુધી બળવંતસિંહનો દબદબો અને તેટલો જ તેમનો માન-મોભો પણ હતો.

બળવંતસિંહે મહેન્દ્રની વાત સાંભળી પગેથી માંડીને છેક મોઢા સુધી જોયો અને કહ્યું, ‘રવાના થઇ જા, બીજીવાર આ બાજુ આવતો પણ નહીં..!’, મહેન્દ્રસિંહના જતાં જ બળવંતસિંહે તેના ગામના લોકોને ચેતવતા કહ્યું, ‘આ છોકરો બરોબર નથી લાગતો, તેને ગામથી દૂર રાખજો’. મહેન્દ્રસિંહે ગુનાની દૂનિયામાં બૂલેટ ચોરીથી પગ મૂક્યો હતો. ત્યાર પછી તો તેણે પાલીની આસપાસના અનેક ગામોમાં ચોરી-લૂંટ જેવા નાના મોટા ગુનાને અંજામ આપ્યો હતો. માત્ર 20 વર્ષની ઉંમરે જ તે પાલીમાં કુખ્યાત ગુનેગાર તરીકે પંકાઈ ગયો હતો.

એક દિવસ તે પત્ની અને પરિવારને છોડીને અમદાવાદ ભાગી આવ્યો. 6 ફૂટ ઊંચો, ગોરોવાન અને થોડા વધારેલા વાળ તેમજ દેખાવ પણ ફિલ્મના એક્ટરથી કમ નહોતો. ઉપરાંત તેણે મુંબઇના ડોન સુલતાન મિરઝાની વાતો પણ સાંભળી હતી, તેથી તેના જેવા જ ડોન બનવા તે પણ સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરતો. 1982માં અમદાવાદ આવીને સરસપુર વિસ્તારમાં રોકાયો. ગુનાની દુનિયામાં જ મોટું નામ કરવાના તે રાતદિવસ સપના જોયા કરતો. બમ્બૈયા ડોનની જેમ મોંઘીદાટ ગાડી અને આલીશાન બંગલામાં રહેવાના તેણે સપના પણ સેવી રાખ્યા હતા. નાના-મોટા ઘણા ગુનાને અંજામ આપીને તે અમદાવાદ આવ્યો હતો. આમ પણ ગુનાની દૂનિયા તેના માટે નવી નહોતી.

તે સમયે સરસપુર-ગોમતીપુરની હદ વચ્ચે દારૂનો અડ્ડો ચલાવતા મંજૂરઅલી સાથે તેણે ઘરોબો કેળવી લીધો અને તેની સાથે જ કામ કરવાનું શરૂ કરી દીધું. મહેન્દ્રસિંહને પોલીસનો નામ માત્રનો ડર નહોતો તેથી મંજૂરઅલીએ તેને શહેરના જાણીતા પણ ખાનગીમાં દારૂ લઈ જતા ગ્રાહકોના ઘરે દારૂ સપ્લાય કરવાનું કામ સોંપ્યું હતુ. યામાહા એક્સ 100ની ઘરેરાટી વચ્ચે મહેન્દ્રસિંહ આખા અમદાવાદમાં બેફિકર થઇ ગમે તેને દારૂ પહોંચાડી દેતો. નવો ખેપીયો હતો તેથી પોલીસને પણ હજુ તેના વિશે કોઇ માહિતી નહોતી. પણ, મહેન્દ્રસિંહને દારૂના ધંધામાં જે રૂપિયા મળતા હતા તેનાથી સંતોષ નહોતો. તેને તો કરોડપતિ બનવું હતુ. કોઇ સ્ટેન્ડ પર માત્ર બૂટલેગર બનીને ઠરીઠામ નહોતું થવું.

આ એ સમય હતો જ્યારે અમદાવાદમાં ડોન લતીફનું નામ પણ મોટું હતુ. મહેન્દ્રસિંહ અને લતીફનો સામનો થવાને હજુ વાર હતી. મહેન્દ્રસિંહે હવે મોટા પાયે દારૂ સપ્લાય કરવાનું નક્કી કરી નાંખ્યું હતુ. આ સમયે ખેડા જિલ્લામાંથી મોટા પાયે અમદાવાદ શહેર અને આસપાસના જિલ્લાઓમાં દારૂ સપ્લાય થતો હતો. તેથી મહેન્દ્ર 1982માં જ અમદાવાદ છોડીને ખેડા જિલ્લાના નડિયાદમાં જતો રહ્યો.

મહેન્દ્રસિંહે જ્યારે પહેલાં દિવસે નડિયાદમાં પગ મૂક્યો ત્યારે ત્યાં તેને કોઇ ઓળખતું નહોતું. પહેલી રાત ક્યાં કાઢવી તે વિચારમાં તે મોડી સાંજ સુધી ભટકતો રહ્યો. રાતના આઠેક વાગ્યા હતા. એક ઝાડના ઓટલા પાસે આવ્યો ત્યારે ત્યાં પાંચેક ટેક્ષીઓ ઊભી હતી અને તેના ડ્રાઇવરો પણ ત્યાં ઓટલા પર બેસીને ગપાટા મારતા હતા. મહેન્દ્રસિંહ માત્ર સપના જ નહોતો જોતો, તેને સાકાર કરવા તે પ્રયત્ન પણ કરતો, વળી ગુનાને અંજામ આપવા જરૂરી ચાલાકી પણ તેનામાં હતી. મહેન્દ્રસિંહે મનોમન નક્કી કર્યું કે, ‘ડ્રાઇવરો સાથે ઘરોબો કેળવી દારૂના ધંધાની વાત કઢાવીશ. ડ્રાઇવરો બધે ફરતા હોય છે ક્યાંકને ક્યાંક કોઇ રસ્તો મળી જશે’.

મહેન્દ્ર ડ્રાઇવરો જ્યાં વાત કરતા હતા તે ઓટલા પર આવીને બેસી ગયો. થોડીવાર તો તે અજાણ્યો બનીને ડ્રાઇવરની વાત સાંભળતો રહ્યો. ડ્રાઇવરો અલગ અલગ જગ્યાની વર્દીની વાત કરતા હતા. કોઇ રાજસ્થાનનાં ભાડા માટેની વાત કરતો તો કોઇ ડ્રાઇવર મધ્યપ્રદેશના રસ્તાઓની વાત કરતો. એક-બે ડ્રાઇવરોએ બીડી પણ હાથમાં સળગાવી રાખી હતી. મહેન્દ્રસિંહ પણ વિલ્સ સિગારેટ પીવાનો શોખીન હતો.

તેણે ડ્રાઇવરોની વાત સાંભળતા જ તાત્કાલિક પ્લાન બદલી નાંખ્યો અને નક્કી કર્યું કે આમાંથી કોઇ ડ્રાઇવરને લઇ જઇને તેની ટેક્ષી લૂંટી લેવામાં આવે તો…? મહેન્દ્રસિંહ તાત્કાલિક ઉભો થઇને ડ્રાઇવરોથી દૂર જતો રહ્યો. ઓટલા પર બેસવાથી ગંદા થયેલા સફેદ કપડા ખંખેર્યા, હાથેથી વાળ પણ સમારીને ફરીથી એક સજ્જન વ્યક્તિના દેખાવમાં આવી ગયો. ઉતાવળી ચાલે ટેક્ષી ડ્રાઇવરો વાત કરતા હતાં ત્યા આવ્યો અને પુછ્યું, રાજસ્થાનના પાલી જવું છે, આવશો? પાંચેય ડ્રાઈવરોએ એકબીજા સામે જોયું અને નક્કી કર્યું કે, સ્ટેન્ડ પર હવે કોની ટેક્ષીનો વારો છે? અંતે નક્કી થતા વિનોદ નામનો એક યુવાન ટેક્ષીડ્રાઇવર તૈયાર થયો. તેણે કહ્યું, ‘બેસી જાવ’ તેમ કહેતા ગાડીમાંથી એક જુનું કપડું કાઢી ગાડીનો આગળનો કાચ ઝાપટવા લાગ્યો.

ડ્રાઇવર વિનોદ હજુ મહેન્દ્રસિંહને એક પેસેન્જર તરીકે જ જોતો હતો તેણે નામ પણ નહોતું પુછ્યું. ટેક્ષી ચાલુ કરતા પહેલાં તેણે પુછ્યું કે પાછા આવવાનું છે કે, ત્યાં જ ઊતરી જવાનું છે? મહેન્દ્રએ કહ્યું, સવારે પહોંચવાનું છે ત્યાં જઇને નક્કી થશે. રાત્રે બે-ત્રણ કલાક કોઇ હોટલમાં ઊંઘ પણ કરી લઇશું. વિનોદે સાથી ટેક્ષી ડ્રાઇવરોને કહ્યું, ઘરે કહી દેજો, કાલે આવી જઇશ. ટેક્ષી ત્યાંથી ઉપડી અને વાયા કઠલાલ થઇ હિંમતનગર તરફ દોડવા લાગી. એમ્બેસેડર કારમાં પાછળની સીટ પર બેઠેલા મહેન્દ્રસિંહના મનમાં ડ્રાઇવરની હત્યા કરીને ટેક્ષીની લૂંટ કરવાનો સતત પ્લાન ચાલતો હતો. તેણે ટેક્ષીમાં જ કેવી રીતે હત્યા કરવી તેનું મનોમન રિહર્સલ પણ કર્યુ હતુ. મહેન્દ્રસિંહ તેની જિંદગીની પહેલી હત્યા કરવા જઇ રહ્યો હતો પરંતુ જાણે કોઇ રિઢો હત્યારો હોય તેમ તેણે ફુલપ્રુફ પ્લાન મનમાં ઘડી રાખ્યો હતો. હિંમતનગર પહેલા પ્રાંતિજ પાસે હાઇવે પરની એક હોટલ આગળ તેણે કાર ઊભી રખાવી. રાતના 12 વાગવા આવ્યાં હતા. ચા-પાણીના નામે હાઇવે પર એક ખુલ્લી હોટલ પર ડ્રાઈવરથી થોડો અલગ થયો. હોટલના જ એક પાનના ગલ્લા પરથી તેણે નાઇલોનની દોરી ખરીદી લીધી.

થોડીવારમાં મહેન્દ્રસિંહ ફરી ટેક્ષીમાં ગોઠવાયો અને હવે ટેક્ષી હિંમતનગર હાઇવે તરફ દોડવા લાગી. મહેન્દ્રસિંહનો પ્લાન હતો કે હિંમતનગર પસાર થયા પછી ઈડરના રોડ પર ક્યાંક હત્યા કરવી જેથી કરીને જંગલ જેવા વિસ્તારમાં કોઇને લાશ પણ ન મળે. આજથી લગભગ 38 વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે સિંગલ પટ્ટીના સ્ટેટ હાઈવે અને રાતે તો ભાગ્યેજ કોઇ વાહન નીકળે. આમ છતાં મહેન્દ્રસિંહ હત્યામાં એક પણ ચૂક રાખવા માગતો નહોતો. તેણે એકાદ વાગ્યે ટેક્ષી હિંમતનગર પહોંચી ત્યારે ફરી હોટલ પર ગાડી ઊભી રાખવા કહ્યું. ડ્રાઇવર વિનોદને શંકા ગઇ કે હજુ કલાક પહેલા જ તો પ્રાંતિજ ઊભા રહ્યાં હતા. તેણે મહેન્દ્રસિંહને કહ્યું, શેઠ હમણાં જ તો ચા પાણી કર્યા. હવે ઊભા રહીશું તો પાલી મોડા પહોંચીશું.

મહેન્દ્રસિંહે કહ્યું, ‘આવ પહેલા થોડો નાસ્તો કરી લઈએ. આગળ નાસ્તો જોયો પણ સારો લાગ્યો નહીં એટલે નહોતો કર્યો’. આમ કહી તેણે ડ્રાઇવર વિનોદ સાથે એક જ ટેબલ પર બેસીને નાસ્તો પણ કર્યો. હોટલમાં તે બન્ને સિવાય કોઇ હતું પણ નહીં. મહેન્દ્રસિંહ આ બહાને સમય પસાર કરવા માગતો હતો જેથી બે-ત્રણ વાગ્યે હાઇવે શાંત થઇ જાય, હાઇવે પોલીસ પણ લગભગ પેટ્રોલિંગમાં મળે નહીં. મહેન્દ્રસિંહ આ ચાલમાં સફળ રહ્યો. પોણો કલાક પસાર કરીને તે ફરી એમ્બેસેડરમાં બેઠો પણ આ વખતે તે બરોબર ડ્રાઇવર સીટની પાછળ બેઠો. વિનોદને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેની સાથે આગળ શું થવાનું છે?. કાર ઈડર તરફ દોડવા લાગી. હિંમતનગરથી નીકળી આઠેક કિલોમીટર પસાર કર્યા હશે કે, મહેન્દ્રસિંહે નાયલોનની દોરી કાઢી અને ડ્રાઇવર વિનોદના ગળામાં ચાલુ ગાડીએ લપેટી નાંખી. મહેન્દ્રએ કહ્યું, ગાડી સાઇડમાં ઊભી રાખ નહીંતર મારી નાંખીશ.

પ્રતીકાત્મક તસવીર

વિનોદ ઓચિંતા હુમલાથી ગભરાઇ ગયો. આમ પણ તેની સીટની પાછળથી મહેન્દ્રસિંહે તેને દબોચ્યો હતો એટલે તે પ્રતિકાર કરી શકે તેમ પણ નહોતો. વિનોદના બન્ને હાથ હવે સ્ટીયરિંગ પર નહીં પરંતુ ગળામાં લપેટાયેલી નાયલોન દોરી પર હતા. તે સતત દોરીને ગળામાંથી કાઢવા ખેંચી રહ્યો હતો. મહેન્દ્રસિંહની ધમકીથી વશ થઇ તેણે ગાડીની બ્રેક બરાબર રસ્તા વચ્ચે જ મારી દીધી. કારની પાછળ ઘોર અંધકાર હતો અને આગળની હેડલાઇટના અજવાળામાં દેખાતો રસ્તો સુમસામ હતો. ગાડી ઊભી રહેતા જ મહેન્દ્રસિંહે દોરીનો વધુ એક આંટો વિનોદના ગળામાં મારી દીધો અને પૂરી તાકાતથી દબાવી દીધો. વિનોદના ગળામાંથી અવાજ પણ ન નીકળ્યો અને ડ્રાઇવિંગ સીટ પર જ તરફડિયા મારતા તે નિશ્ચેતન થઈ ગયો. મહેન્દ્રસિંહ કોઈ આવે તે પહેલા જ ગાડીમાંથી ઊતર્યો અને વિનોદના મૃતદેહને બહાર કાઢી ઢસડીને રોડની સાઇડની ઝાડીઓમાં નાંખી દીધો. કાર હજુ પણ રસ્તામાં જ ઊભી હતી. ડ્રાઇવરનો દરવાજો ખુલ્લો હતો અને હેડ લાઇટના અજવાળામાં તેણે લાશનો નિકાલ કરી દીધો.

મહેન્દ્રસિંહે નાયલોનની દોરી પણ વિનોદના ગળામાંથી કાઢીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી. જેથી કોઇ જ પુરાવો ન રહે. મહેન્દ્રસિંહ લાશને ઝાડીઓમાં નાંખીને દોડીને ગાડીમાં બેઠો અને ગાડી રાજસ્થાન તરફ હંકારી દીધી.  ડ્રાઇવરની હત્યા અને એમ્બેસેડર કારની લૂંટ. આવી ઘટનાઓ તે સમયે ભાગ્યે જ બનતી હતી. તેથી માત્ર સાબરકાંઠા કે ખેડા જિલ્લાની પોલીસ જ નહીં પરંતુ રાજ્ય પોલીસ વડા તરફથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસમાં જોડે રહેવા આદેશ અપાયો. આ સમયે રાજ્ય પોલીસ વડાની ઓફિસ મેઘાણીનગર હતી. તે સમયે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ રાજ્યમાં ગમે તે જિલ્લા કે શહેરમાં જઇ મોટા ઓપરેશન પાર પાડતા હતા. આ સમયે અમદાવાદમાં રાતે ઘરના તાળાં તોડીને ચોરીઓ પણ બહુ થતી હતી. તેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ઘરફોડ સ્કવોડ બનાવાયો હતો અને તેના પી.એસ.આઇ હતા જે.એન પરમાર (જોગાજી પરમાર), એન.પી રાયજાદા અને ભરત આયર.

હાલ આ ત્રણેય અધિકારીઓ નિવૃત્ત થઇ ગયા છે પરંતુ તે સમયે તેમનો પણ અમદાવાદ શહેરમાં દબદબો હતો. મોબાઇલ ફોન જ નહોતા એટલે મોબાઇલ સર્વેલન્સની વાત તો હતી જ નહીં. પણ, તે દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચમાં આ ત્રણેય અધિકારીઓનું બાતમીદારનું નેટવર્ક મજબૂત હતુ. એક રાતે જોગાજી પરમાર પોતાના સ્કવોડ સાથે ફરતા ફરતા સરસપુર પહોંચ્યા ત્યારે દારૂના અડ્ડા પરથી જાણવા મળ્યું કે, તેમને ત્યાં કામ કરતો મહેન્દ્રસિંહ રાઠોડ મોટા પાયે દારૂ સપ્લાય કરવા નડીયાદ ગયો હતો અને હવે તે ત્યાં પણ નથી.

જોગાજીને યાદ આવ્યું કે, મહેન્દ્રસિંહ મૂળ રાજસ્થાનનો છે. ઈડર-હિંમતનગર હાઇવે વચ્ચે જે હત્યા થઇ હતી તે ડ્રાઇવર વિનોદ નડિયાદનો જ હતો. પાછો તે રસ્તેથી રાજસ્થાન પણ જવાય…! આવા સંજોગોથી ઊભી થયેલી એક માત્ર શંકાના આધારે જોગાજીએ પોતાના બાતમીદારોને થોડા રૂપિયા આપી નડિયાદ મોકલ્યા. તપાસ કરવા કહ્યું કે, મહેન્દ્રસિંહ નડિયાદમાં ક્યાં છે. આ એ બાતમીદારો હતા જે અગાઉ મહેન્દ્રસિંહ સાથે સરસપુર દારૂના અડ્ડા પર કામ કરતા હતા. દસેક દિવસ પછી જોગાજીને મળવા એક બાતમીદાર આવ્યો અને કહ્યું કે મહેન્દ્રસિંહ નડિયાદમાં છે. તે કંઇ કામ નથી કરતો છતાં તેની પાસે રૂપિયા ઘણા છે. ચોક્કસ કંઇક કામ કર્યું છે. પોલીસ અને બાતમીદારોની ભાષામાં કંઇક કામ કર્યું છે તેનો મતલબ એમ થાય કે તે કોઇ ગુનાને અંજામ આપી રૂપિયા કમાયો છે.

જોગાજીએ તેનું પાક્કુ લોકેશન લીધું અને પોતાના વિશ્વાસુ બાતમીદારો સાથે નડિયાદ પહોંચી ગયા. તેણે મહેન્દ્રસિંહને માત્ર શંકાના આધારે પકડીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉઠાવી લાવ્યાં. પોલીસને માત્ર શંકા હતી, પણ મહેન્દ્રસિંહને લાગતું હતું કે તે હત્યા કેસમાં પકડાઇ ગયો છે. ક્રાઇમ બ્રાંચમાં તેની રીઢા ગુનેગારોની થાય તેવી જ ખાતેરદારી પણ થઈ. છતાં હજુ મહેન્દ્રસિંહે ગુનો નહોતો કબૂલ્યો. પોલીસે ફરી દસ વાગ્યે તેને ફિલ્મોમાં દેખાડે છે તેમ ઊંધો લટકાવીને ઉઘાડા શરીરે ચામડાના પટ્ટાથી પુછવાનું શરૂ કર્યું. મહેન્દ્રસિંહથી માર સહન ન થયો. પોલીસની કલ્પના બહાર તેણે કબૂલાત કરી લીધી કે, હા…ડ્રાઇવરની હત્યા મેં જ કરી છે.

મહેન્દ્રસિંહે કબૂલાતમાં કહ્યું કે, કેવી રીતે તેણે ટેક્ષી ભાડે કરી. ત્યાર બાદ હત્યા માટે રસ્તામાંથી તેણે નાયલોનની દોરી ખરીદી અને ઈડર પહેલાં ડ્રાઇવર સીટની પાછળ બેસીને વિનોદની હત્યા કરી દીધી. આમ ક્રાઇમ બ્રાન્ચે નડિયાદની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. હવે રાજ્ય પોલીસવડાએ આ તપાસ સત્તાવાર રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. જોગાજી પરમારને આપી દીધી. જોગાજી જગ્યાનું પંચનામુ કરવા અને રિકન્સ્ટ્રક્શન માટે મહેન્દ્રસિંહને પોલીસ જાપ્તામાં સ્થળ પર લઇ જવા નીકળ્યાં. જોગાનુંજોગ કહો કે હાઇવે પર ઓછી હોટલ હોવાથી પોલીસ કાફલો પણ હિંમતનગર પાસેની તે જ હોટલ પર રોકાયો જ્યાં હત્યાની રાતે મહેન્દ્રસિંહ અને ડ્રાઇવર વિનોદે નાસ્તો કર્યો હતો.

મોટી ઉંમરના એક વૃદ્ધ વેઇટર પોલીસ અને મહેન્દ્રસિંહને જોઈ રહ્યાં. પોલીસે ચા-પાણી કર્યા પછી વૃદ્ધ વેઈટરે ગભરાતા- ખચકાતા એક કોન્સ્ટેબલને પુછ્યું, ‘આને કેમ પકડ્યો છે? આ તો થોડા દિવસ પહેલા અહીં રાત્રે એક વ્યક્તિ જોડે નાસ્તો કરવા આવ્યો હતો’. આમ રસ્તામાં અચાનક વેઇટરના રૂપે મહેન્દ્રસિંહ વિરુધ્ધ પહેલો સાક્ષી પોલીસને મળી ગયો. મહેન્દ્રસિંહ સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરતો હોવાની ઓળખ અને તે રાત્રે મહેન્દ્રસિંહ અને ડ્રાઈવરને બાદ કરતા હોટલમાં કોઇ ગ્રાહક પણ નહોતું માટે તે ઓળખાઇ ગયો હતો.

આ તો મહેન્દ્રસિંહે કરેલી પહેલી હત્યા હતી. હજુ તો ગુજરાતના ઘણા ડોનનો વારો આવવાનો બાકી હતો!

(ક્રમશ:)

આવી બીજી ક્રાઈમ કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
g clip-path="url(#clip0_868_265)">