ક્રાઈમ કહાણી: અમદાવાદમાં ‘ભૈયા’ ગેંગ જોડે દુશ્મનાવટ પછી મહેન્દ્રસિંહના ટાર્ગેટ લતીફ, શરીફખાન અને ફઝલુ રહેમાન હતા

ભાગ-2| નડિયાદના ટેક્ષીડ્રાઇવરની હત્યામાં મહેન્દ્રસિંહ પકડાઇ ગયો. તેણે હિંમતનગર પાસે હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. જોગાજી પરમારે તેને પકડીને તપાસ કરતા હાઇવેની એક હોટલના વૃધ્ધ વેઇટરે તેને ઓળખી લીધો હતો. મહેન્દ્રસિંહનો કેસ નડિયાદની કોર્ટમાં ચાલ્યો. શરૂઆતના 7 મહિના તેને જેલમાં ધકેલી દેવાયો પણ તે દરમિયાન તેને જામીન મળી ગયા. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો માટે […]

ક્રાઈમ કહાણી: અમદાવાદમાં ‘ભૈયા’ ગેંગ જોડે દુશ્મનાવટ પછી મહેન્દ્રસિંહના ટાર્ગેટ લતીફ, શરીફખાન અને ફઝલુ રહેમાન હતા
Follow Us:
Mihir Bhatt
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:23 PM

ભાગ-2| નડિયાદના ટેક્ષીડ્રાઇવરની હત્યામાં મહેન્દ્રસિંહ પકડાઇ ગયો. તેણે હિંમતનગર પાસે હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. જોગાજી પરમારે તેને પકડીને તપાસ કરતા હાઇવેની એક હોટલના વૃધ્ધ વેઇટરે તેને ઓળખી લીધો હતો. મહેન્દ્રસિંહનો કેસ નડિયાદની કોર્ટમાં ચાલ્યો. શરૂઆતના 7 મહિના તેને જેલમાં ધકેલી દેવાયો પણ તે દરમિયાન તેને જામીન મળી ગયા. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો માટે સેન્ટ્રલ જેલ કે સબ જેલ કોઈ યુનિવર્સિટીથી કમ નથી હોતી. ત્યાં તેમના જેવા કે તેમનાથી પણ વધુ માથાભારે શખ્સોનો સામનો થાય છે, સંપર્ક થાય છે. ઘણા ગુનેગારો જેલમાં જઈ આવ્યાં બાદ વધુ તાકાતથી ગુના આચરવા લાગ્યાના દાખલા પણ છે.

મહેન્દ્રસિંહના કેસમાં પણ આવું બન્યું. સાત મહિનાના જેલવાસ દરમિયાન તે ખેડા અને નડિયાદમાં જેમને નહોતો ઓળખતો તેવા માથાભારે શખ્સોને પણ ઓળખવા લાગ્યો. નડિયાદમાં આ સમયે પ્રતાપ નામના મોરેસલામ શખ્સનો દબદબો હતો. જેલમાંથી મળેલા પરિચયના કારણે મહેન્દ્ર અને પ્રતાપ એકબીજાને ઓળખવા લાગ્યા હતા.  પરંતુ, પ્રતાપ મહેન્દ્ર કરતા વધુ ચબરાક હતો. તે માત્ર ગુનાની દૂનિયામાં જ નહીં પણ સ્થાનિક રાજકારણમાં પણ વર્ચસ્વ ધરાવતો હતો. એક સમયે તો પ્રતાપ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ ચૂંટાઈ આવ્યો હતો. આમ ધાક અને રાજનીતિના સંયોગના કારણે તે ખેડાના ઘણા ઉદ્યોગપતિઓના સંપર્કમાં પણ હતો.

વાત ૧૯૮૪ની છે. ખેડા રોડ પર આવેલી ધર્માત્મા નામની ઇન્ડસ્ટ્રીઝમાં કારીગરોના યુનિયને હડતાળ પાડી. ફેક્ટરીનું કામકાજ ઠપ્પ થઇ ગયું. ફેક્ટરી માલિકે સામ-દામ-દંડ-ભેદ જે રીતે માને તે રીતે કારીગરોને કામ પર ચડાવવાનું કામ પ્રતાપને આપ્યું. પ્રતાપ મહેન્દ્રને પણ ઓળખતો હતો. તેણે પહેલીવાર આ કામમાં મહેન્દ્રસિંહને સાથે લીધો. બંન્નેને ફેક્ટરીના માલિક તરફથી કામ પૂરું થયે રૂપિયા મળવાના હતા. દસેક દિવસની બન્નેની મહેનત સફળ રહી. હડતાળ સમેટાઈ ગઇ. દરમિયાન ફેક્ટરીમાં રોજની અવરજવર કરવાના કારણે ત્યાં કામ કરતી કિરણ નામની યુવતી સાથે મહેન્દ્રસિંહને પ્રેમ થઇ ગયો. મૂળ ક્રિશ્ચિયન કિરણ મહેન્દ્રસિંહના પ્રેમમાં ઓળઘોળ થઇ ગઇ. બીજી તરફ મહેન્દ્ર અને પ્રતાપ વચ્ચે ફેક્ટરીના માલિકે આપેલા રૂપિયાને લઇને વિવાદ થયો.

આ વિવાદ એટલો વકર્યો કે, બન્નેએ એક બીજાની હત્યા કરવા સુધીના પ્લાન ઘડી કાઢ્યા. બન્ને એક બીજાની કપટી નીતિઓથી પણ પરિચિત હતા માટે બન્ને જાત બચાવવા સતર્ક પણ રહેતા હતા. પ્રતાપ મહેન્દ્રસિંહ સુધી ન પહોંચી શક્યો તો તેણે તેના એક સાગરીત મહમદ અલીની હત્યા કરી નાંખી. સાગરીતની હત્યાથી મહેન્દ્રસિંહ અકળાઇ ઊઠ્યો. હવે તેને કોઇ પણ ભોગે પ્રતાપની હત્યા કરી બદલો લેવો હતો. તે રોજ પ્રતાપની અને તેની આસપાસના લોકોની રેકી કરવા લાગ્યો. એક બપોરે મહેન્દ્રસિંહ પોતાના ઘરે સુતો હતો ત્યારે તેની ગેંગના એક શખ્સે માહિતી આપી કે, ધર્માત્મા ઇન્ડસ્ટ્રી સામેના ગેસ્ટ હાઉસમાં પ્રતાપનો ભાણેજ રોકાયો છે.

Dinner with a crime

મહેન્દ્રસિંહને તો કોઇ પણ રીતે બદલો લેવો જ હતો, બદલો લેવા માટે પ્રતાપ નહીં તો તેનો ભાણીયો. એમ નક્કી કરી તે સાગરીત સાથે હોટલ પર પહોંચી ગયો અને ગેસ્ટ હાઉસના રૂમમાં જ પ્રતાપના નિર્દોષ ભાણેજની હત્યા કરી નાંખી. આ વાત પ્રતાપ સુધી પહોંચતા તે હચમચી ઊઠ્યો. કારણ કે નડિયાદ પ્રતાપનો ગઢ હતો અને તેના પર આ વાર સહન થાય તેવો નહોતો. નડિયાદના ઇતિહાસની કદાચીત આ સૌથી પહેલી લોહિયાળ ગેંગ વોર હતી. પોલીસ એક તરફ મહમદ અલીની હત્યા માટે પ્રતાપને શોધતી હતી તો હવે પ્રતાપના ભાણેજની હત્યામાં મહેન્દ્ર પણ વોન્ટેડ થઇ ગયો. તે નડિયાદની આસપાસના ગામડાઓમાં જ છુપાઇને રહ્યો અને પ્રતાપની હત્યાનો સતત પ્લાન કરતો રહ્યો. મહેન્દ્રસિંહના માણસોએ પ્રતાપની રેકી કરી માહિતી આપી કે, પ્રતાપ રોજ સવારે પોતાની ગાડીમાં છાપું લેવા આવે છે અને શાકમાર્કેટની પાછળની ગલીમાં ગાડીમાં બેસીને છાપું વાંચે છે. એક સવારે મહેન્દ્રસિંહ તે ગલીમાં પહોંચી ગયો અને ગાડીમાં જ પ્રતાપને ગોળી ધરબી દીધી. આ સમયે નડિયાદના ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર હતા કાળુસિંહ ચૌહાણ.

પ્રતાપની હત્યાના સમાચારે ખેડા જિલ્લામાં હાહાકાર મચાવી દીધો. મહેન્દ્રસિંહ ભાગીને સુરત આવી ગયો. પી.આઈ કાળુસિંહ ચૌહાણ અને તેમની ટીમે થોડા મહિનાઓ બાદ મહેન્દ્રસિંહને સુરતથી પકડી પાડી જેલમાં ધકેલ્યો. કોર્ટ કાર્યવાહી થઇ અને સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, મહેન્દ્રસિંહ અગાઉ એક ટેક્સી ડ્રાઇવર વિનોદની હત્યામાં જામીન પર છે. તેણે જામીન લઇને બે-બે હત્યા કરી છે. માટે તેના જામીન રદ્દ કરવા. કોર્ટે મહેન્દ્રસિંહના અગાઉના જામીન રદ્દ કર્યા અને તેને પરત જુનાગઢ જેલમાં ધકેલવાનો આદેશ આપ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ વાત છે 1986ની છે, કોર્ટે જ્યારે મહેન્દ્રસિંહને જેલમાં ધકેલવાનો આદેશ આપ્યો. ત્યારે નિયમ પ્રમાણે તેને પોલીસ સ્ટેશનથી જાપ્તા પોલીસના હવાલે કરાયો. મહેન્દ્રસિંહનું એમ.સી.આર. (માસ્ટર ક્રિમિનલ રેકોર્ડ) કાર્ડ બનાવામાં આવ્યું. જેમાં તેની કરમ કુંડળી લખવાની હોવાથી તેને જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી નડિયાદ લઇ જવાયો. આ સમયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ હતા કે.પી સ્વામી.

કે.પી સ્વામી પણ અનુભવી અને બાહોશ અધિકારી. તેમને જાણ થઇ કે, મહેન્દ્રસિંહ નામના ગુનેગારને તેમની ઓફિસ લવાયો છે, ત્યારે તેમણે તેમની ચેમ્બરમાં લઇને આવવા આદેશ કર્યો. ભરબપોરનો સમય હતો. સ્વામી પોતાની ચેમ્બરમાં રિવોલ્વિંગ ચેરમાં સાદા કપડામાં બેઠા હતા. જાપ્તા પોલીસના ત્રણેક કોન્સ્ટેબલ હાથમાં દોરડા બાંધીને સ્વામીની ચેમ્બરમાં પ્રવેશ્યા અને મહેન્દ્રસિંહને તેમની સામે ઊભો રાખી દીધો. મહેન્દ્રસિંહ માથું નીચું ઝુકાવીને ઊભો હતો. સ્વામી લગભગ બે મિનિટ સુધી એકી ટસે તેની સામે જોઇ રહ્યાં. અંતે જાપ્તા પોલીસના જવાનોને માત્ર એટલું જ કહ્યું,, ‘ધ્યાન રાખજો, આ બહાર જશે તો તમે અંદર જશો’. પી.આઈ સ્વામીનું આ વાક્ય સાંભળીને મહેન્દ્રસિંહે માથું થોડુ ઊંચુ કર્યુ અને સ્વામીની સામે જોવા આંખના ડોળા અધ્ધર ચડાવી તેમની સામે જોઇ રહ્યો.

આ પહેલીવાર બન્યું કે, પી.આઈ સ્વામી અને મહેન્દ્રસિંહનો સામનો થયો. ભવિષ્યમાં બન્નેનો સામનો અનેકવાર થવાનો બાકી હતો. મહેન્દ્રસિંહને જુનાગઢ જેલમાં ધકેલી દેવાયો. સાતેક મહિના પછી રાજ્યભરની પોલીસને જુનાગઢ જેલમાંથી મેસેજ અપાયો કે, નડિયાદ જિલ્લાના આરોપી મહેન્દ્રસિંહને ૧૪ દિવસની પેરોલ અપાઇ હતી અને તે પેરોલનો સમય પૂરો થયો છતાં જેલ પર પાછો આવ્યો નથી. આ મેસેજનો સીધો અર્થ હતો કે, મહેન્દ્રસિંહ પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો છે. આ મેસેજ કે.પી સ્વામીએ પણ વાંચ્યો અને નિસાસો નાંખ્યો કે આ અપેક્ષિત જ હતુ. બીજી તરફ રાજ્યભરની પોલીસને આ સંદેશો મળ્યો હતો તેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ આ મેસેજ અપાયો હતો. પહેલીવાર મહેન્દ્રસિંહને પકડનારા જોગાજી પરમારે આ મેસેજ ‌વાંચ્યો અને તાત્કાલીક પોતાના બાતમીદારોને સક્રિય કર્યા. બે દિવસમાં એક બાતમીદારે માહિતી આપી કે, મહેન્દ્રસિંહની તો ભાળ નથી મળી પણ તેની પ્રેમિકા કિરણ ઓઢવ ગીતા-ગૌરી સિનેમાં પાછળની વસાહતમાં એકલી રહે છે.

Social & Environmental Aspects Of Crime

શક્ય છે કે, મહેન્દ્રસિંહ ત્યાં આવે!. જોગાજી તાત્કાલિક પોતાના સ્ટાફ સાથે કિરણના ઘરે પહોંચી ગયા અને તપાસ કરી. કિરણ પણ ગુનેગારના પ્રેમમાં ગુનાહિત માનસિકતા ધરાવતી થઇ ગઇ હતી. તેણે પોલીસને ગોળગોળ જવાબ આપી રવાના કરી દીધી. પણ જોગાજીએ એક કોન્સ્ટેબલને તેના ઘર બહાર ગુપ્ત વોચમાં બેસાડી દીધો. નડિયાદમાં પણ જિલ્લા એલ.સી.બી.એ આખા જિલ્લામાં મહેન્દ્રસિંહની વોચ શરૂ કરી હતી. કિરણના માતા-પિતાને પણ પોલીસ મળી હતી. એક સાંજે કે.પી સ્વામી જ્યારે મહેન્દ્રસિંહની બાતમી લેવા તેની પ્રેમિકા કિરણના ઘરે ગયા ત્યારે ખબર પડી કે કિરણ પણ ઘર છોડીને ક્યારની જતી રહી છે. તેના વૃધ્ધ માતા-પિતા સ્વામીના પગે પડી ગયા અને કરગરવા લાગ્યા, ‘સાહેબ અમારી દીકરીને પાછી મનાવી લાવો…એની જિંદગી બરબાદ થઇ જશે’ સ્વામી એક માતા-પિતાની પગે પડેલી લાચારી જોતા રહ્યાં પણ તે લાચાર હતા.

ઓઢવમાં ગીતા-ગૌરી સિનેમા પાછળની વસાહતમાં રહેતી કિરણના ઘર બહાર વોચમાં ગોઠવેલા કોન્સ્ટેબલે જોગાજીને બાતમી આપી કે, મહેન્દ્રસિંહ આવી ગયો છે..! પી.એસ.આઈ પરમાર ટીમ સાથે તૈયાર થયા અને સાંજે તેને પકડી લેવાનું ઓપરેશન ગોઠવાયું. પોલીસ ખાનગી કપડામાં કિરણના ઘરની આસપાસ ગોઠવાઇ ગઇ. કેટલાક પોલીસકર્મીઓ ગીતા-ગૌરી સિનેમા આગળના એક મોટા મેદાનના અંધારામાં ગોઠવાઇ ગયા. સાંજની વોચમાં ઊભેલી પોલીસને રાત્રે ૯ વાગ્યે એક એમ્બેસેડર કારની લાઇટ મેદાનમાંથી આવતા દેખાઇ. તમામ પોલીસકર્મીઓ સતર્ક થઇ ગયા. લાઇટ કિરણના ઘર બાજુ જ આગળ વધી રહી હતી માટે તેમાં મહેન્દ્રસિંહ હોવાની શક્યતાઓ પણ વધતી હતી. પોલીસકર્મીઓ ગંભીર બનીને ગાડી ઉભી રહે તેની રાહ જોઇ રહ્યાં હતા. બન્યું પણ એવું જ, કારમાં મહેન્દ્રસિંહ જ હતો. તે કારનો દરવાજો ખોલીને નીચે ઉતરે તે પહેલા જ પી.એસ.આઈ. જોગાજી તેની બારી પાસે આવી ગયા અને કહ્યું, ‘મહેન્દ્ર આવી જા, બહુ ભાગ્યો’. જોગાજીને આટલું બોલતા જ મહેન્દ્રસિંહના મોઢામાંથી ગંધ આવી ગઇ કે તેણે દારૂ પીધેલો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જોગાજીએ બહારથી એમ્બેસેડરનો દરવાજો ખોલ્યો પણ અંદરથી મહેન્દ્રસિંહ ફિલ્મી સ્ટાઇલે દેશી તમંચો લઇને જ ઊતર્યો અને જોગાજીના કપાળ પર તાકીને ઊભો રહી ગયો. જોગાજી પણ એટલા જ જીગરવાળા. તેમણે મહેન્દ્રસિંહના આંખના પલકારામાં જ પોતાની સરકારી રિવોલ્વર કાઢીને તેના કપાળ પર તાકી દીધી. કોઇ ફિલ્મી દ્રશ્ય હોય તેવો જ સીન સર્જાયો. બન્ને એક બીજાની એટલા નજીક હતા કે બન્નેની બંદૂકના નાળચા એક બીજાના કપાળે અડતા હતા. બન્નેમાંથી કોઇ પણ ગમે તે ઘડીએ ટ્રીગર દબાવી દે તેવી શક્યતા હતી. લગભગ દસેક સેકન્ડ બન્ને એક બીજા સામે બંદૂક તાણીને ઉભા રહ્યા, મામલો ગંભીર બની ગયો હતો. આ દ્રશ્ય જોનારી પોલીસ પણ સ્તબ્ધ બની ગઇ. ઓચિંતા જ જોગાજીએ મહેન્દ્રસિંહને લાત મારી પાડી દીધો. બન્ને હવે બથ્થમબથ્થી પર આવી ગયા. આસપાસમાં ઊભેલી પોલીસ પણ દોડી આવી અને મહેન્દ્રસિંહ પર તૂટી પડી. જમીન પર પડેલા મહેન્દ્રસિંહ પર પોલીસ જાણે ઢગલો થઇ ગઇ અને અંતે તેને હથિયાર સાથે પકડી લીધો.

મહેન્દ્રસિંહ પેરોલ જમ્પમાં પકડાયો અને ફરીથી જેલમાં ધકેલી દેવાયો. આ સમય દરમિયાન તેના પર કેસ ચાલ્યો અને સજા થઇ. થોડા સમય પછી હાઇકોર્ટમાંથી ફરી તેણે પરોલ મેળવી લીધા અને ફરી એકવાર તે પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો. પોલીસને દિવસો સુધી મહેન્દ્રસિંહની ભાળ ન મળી. બીજી તરફ મહેન્દ્રસિંહ રાઠોડ પેરોલ પર છુટીને અમદાવાદ જ આવ્યો હતો પણ પોલીસથી બચતો રહ્યો હતો. મહેન્દ્રસિંહ અમદાવાદ આવીને તે સમયની ખુંખાર ‘ભૈયા’ ગેંગમાં જોડાઇ ગયો હતો. આ ગેંગના સરદાર ‘ભૈયા’ ઉપરાંત ગેંગના સભ્ય જીતુ કાણીયા અને મહેન્દ્રસિંહે મળીને નવરગંપુરાના વેપારી કમલેશભાઇનું અપહરણ કર્યું. આ અપહરણ દસ લાખની ખંડણી વસૂલવા કરાયું હતુ.

આ ગેંગનો દબદબો તે સમયે એટલો હતો કે નામ સાંભળતા જ વેપારીઓ રૂપિયા પહોંચાડી દેતા. ગેંગ સફળ રહી અને દસ લાખની ખંડણી મળી જતા ભૈયાની ગેંગે કમલેશભાઇને મુક્ત કરી દીધા. જો કે, આ વાત મહેન્દ્રસિંહને ખટકી ગઇ. તેણે ગેંગમાં બળવો કર્યો. તેણે પોતાની ક્રુર ગુનાહિત માનસિકતાનો જાણે ચિતાર આપતો હોય તેમ ગેંગના સરદાર ભૈયાને કહ્યું,‘કમલેશ આપણને ઓળખે છે. ભલે રૂપિયા આવી ગયા હોય પણ તેને જીવતો ના છોડાય. તે ભવિષ્યમાં આપણી સામે સાક્ષી બનશે’. જો કે, ભૈયાની નીતિ અલગ હતી. તેણે કહ્યું, ‘ભલે ખોટું કામ કરીએ પણ તેમાં નીતિ રાખવી. આપણે વચન આપ્યું હતુ કે, રૂપિયા મળશે તો તેને છોડી દઇશું. રૂપિયા મળ્યા એટલે છોડ્યો છે. એકવાર વચન આપ્યા પછી નહીં ફરવાનું’.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભૈયા અને મહેન્દ્રસિંહ વચ્ચે આ મુદ્દે ભારે શાબ્દિક ટપાટપી થઇ અને બન્ને છુટા પડી ગયા. ભૈયાની ગેંગ પ્રોફેશનલ હતી. તો મહેન્દ્રસિંહ એકલો જ ગુના આચરતો. મહેન્દ્રસિંહને ભૈયાની વાત ખટકી ગઇ હતી અને બદલો લેવાનું નક્કી કર્યુ હતુ. એક દિવસ ઓચિંતા ભૈયાનો ખાસ માણસ જીતુ કાણીયો ગુમ થઇ ગયો. લગભગ છ મહિને ખબર પડી કે, તેની લાશ મળી હતી અને તેને કોઇએ ચપ્પાના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. આ હત્યા મહેન્દ્રસિંહે જ કરી હતી કે કેમ? તે આજે પણ પોલીસને ખબર નથી. આ સમયના પોલીસ અધિકારીઓ કહે  છે કે, જીતુની હત્યા મહેન્દ્રસિંહે જ કરી હતી પણ તેના વિરુધ્ધ પુરાવા નહીં હોવાથી પોલીસ ચોપડે તેનું નામ નથી આવ્યું.

આ ખુંખાર ગુનેગાર ભૈયા સાથે તકરાર કરીને દરિયાપુર વિસ્તારમાં એક બાવાને મળ્યો હતો. આ બાવો પણ માથાભારે. તેણે લતીફને મારી નાંખવાની નેમ લીધી હતી. બાવો અને મહેન્દ્રસિંહ બન્ને એક બીજાનો ઉપયોગ કરીને ગુનાની દૂનિયામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગતા હતા. જો કે, આ વખતે મહેન્દ્રસિંહ કરતા બાવાનું પલ્લુ વધારે ભારે હતુ. બાવાએ મહેન્દ્રસિંહને મનાવી લીધો કે, જો તે લતીફની હત્યા કરે તો તેને રૂપિયા આપશે. મહેન્દ્રસિંહે લતીફની હત્યાની સોપારી તો લીધી હતી પણ આ એ સમય હતો કે, જ્યારે લતીફનો અમદાવાદમાં દબદબો હતો. તે જેલમાં બેઠાબેઠા જ અનેક સીટ પરથી કોર્પોરેશનની ચૂંટણી જીત્યો હતો. એટલે કે, નસીબ અને પબ્લિક બન્ને તેની સાથે હતા. આવા સંજોગોમાં મહેન્દ્રસિંહે તેની સામે ટક્કર લીધી હતી. તે સમયના અધિકારીઓ કહે છે કે, લતીફને જ્યારે જાણ થઇ કે મહેન્દ્રસિંહે તેની સોપારી લીધી છે ત્યારે તે પણ સતર્ક થઇ ગયો હતો.

તેને શંકા હતી કે, મહેન્દ્રસિંહ ગમે ત્યારે ગમે ત્યાંથી હુમલો કરી શકે છે. બીજી તરફ મહેન્દ્રસિંહે લતીફની હત્યા માટે એક વિદેશી ગન પણ વસાવી લીધી હતી. લતીફનું ગુપ્તચર નેટવર્ક મજબૂત હતુ. તેને મહેન્દ્રસિંહની તમામ વિગતો મળી જતી હતી. લતીફે પણ મહેન્દ્રસિંહને બરોબર જવાબ આપવા અને પોતાની પર હુમલો થાય તે પહેલાં આ દુશ્મનનો નાશ કરવાનું નક્કી કરી નાંખ્યું હતુ. પણ મહેન્દ્રસિંહ ન હણાય ત્યાં સુધી લતીફે બચવાનું હતુ. માટે લતીફ જ્યારે જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે ત્રણેક ગાડીઓના કાફલામાં નીકળતો. કઇ ગાડીમાં ક્યાં બેસવું તે લતીફ છેલ્લી ઘડીએ નક્કી કરતો. નિવૃત્ત અધિકારીઓ કહે છે કે, લતીફ જે પણ ગાડીમાં બેસે તેમાં પાછળની સીટમાં વચ્ચે જ બેસતો, આજુ-બાજુ પોતાની ગેંગના એક એક સાગરીતને રાખતો હતો. આમ લતીફના મનમાં પણ મહેન્દ્રસિંહનો ખોફ હતો. મહેન્દ્રસિંહે પોતાનો ખોફ ફેલાવવા આ સમયે શરિફ ખાન અને ફઝલુ રહેમાનને પણ વગર કારણે મારી નાંખવાની ફિરાકમાં ફરતો હતો. આ વાત તેણે એવા લોકોને કરી રાખી હતી જે તેની માહિતી લીક કરીને સામેની ગેંગમાં પહોંચાડી દે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે, મહેન્દ્રસિંહે લતીફના તે સમયના વિરોધી હંસરાજ સાથે પણ હાથ મિલાવ્યો હતો.

મહેન્દ્રસિંહે લતીફની હત્યા માટે ત્રણવાર પ્રયાસ પણ કર્યા હતા જો કે એકેયમાં તે સફળ નહોતો રહ્યો. લતીફ સાથેની દુશ્મનાવટ હવે સરાજાહેર થઈ ગઇ હતી. મહેન્દ્રસિંહને ખબર હતી કે, પોલીસ તેને શોધી રહી છે તેથી તેણે લતીફની હત્યાનું ઓપરેશન પડતુ મૂક્યું પણ આ પહેલાં એક સરદારજી સહિત તેના બે સાગરીતોની તો હત્યા કરી જ નાંખી હતી. અમદાવાદ છોડીને મહેન્દ્રસિંહ સુરત ભાગ્યો. ત્યાં જઇ તેણે લખલૂટ રૂપિયા કમાયા. માત્ર સુરત જ નહીં પછી તો તેણે મુંબઇ અને બેંગ્લોર સુધી ગુનાને અંજામ આપ્યો અને મુંબઇમાં સપનુ સાકાર કરવા ઘર બનાવ્યું. (ક્રમશ:)

આ પણ વાંચો: ગુજરાતના એક એવા ડોનની કહાણી, જેને 29 વર્ષની ઉંમરમાં જ 100થી વધુ લોકોની કરી હતી હત્યા!

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">