સરકારે દર્દીઓના ઈલાજ માટે આપેલા REMDESIVIR ઇન્જેક્શનની કાળાબજારી કરતા આરોગ્યકર્મી સહીત બે ઝડપાયા

જીવલેણ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઈન્જેકસનની ભારે અછત વર્તાઈ રહી છે ત્યારે કેટલાક તત્વો આવા સમયમાં પણ વધુ તગડી કમાણી કરી લેવાની લ્હાયમાં રેમડેસિવિર ઈન્જેકસનની કાળા બજારી કરતાં હોય છે.

  • Ankit Modi
  • Published On - 14:32 PM, 4 May 2021
સરકારે દર્દીઓના ઈલાજ માટે આપેલા REMDESIVIR ઇન્જેક્શનની કાળાબજારી કરતા આરોગ્યકર્મી સહીત બે ઝડપાયા
ભરૂચ SOG દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓ

જીવલેણ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર(REMDESIVIR)ઈન્જેકસનની ભારે અછત વર્તાઈ રહી છે ત્યારે કેટલાક તત્વો આવા સમયમાં પણ વધુ તગડી કમાણી કરી લેવાની લ્હાયમાં રેમડેસિવિર ઈન્જેકસનની કાળા બજારી કરતાં હોય છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે આવા બે કાળાબજારિયાઓને ઝડપી પાડી ૬ ઇન્જેક્શન કબ્જે કર્યા છે.

SOG ના પોલીસ ઇન્સ્પેકટર કરણસિંહ મંડોરાને માહિતી મળી હતી કે દહેજ બાયપાસરોડ ઉપર ઊંચી કિંમતે રેમડેસીવીર ઇન્જેક્શન વેચાય છે. હાલના સમયમાં આ ઇન્જેક્શનના વિતરણ ઉપર સરકારનો નિયંત્રણ છે અને કાળાબજારી ન થાય તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

પોલીસ સબ ઇન્સ્પેકટર નરેશ ટાપરીયાની ટીમને તપાસ માટે ઘટનાસ્થળે મોકલાઈ હતી જેમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ શેઠ મેડિકલ સ્ટોર પર રેમડેસિવિર ઈન્જેકસનનું વેચાણ કરવા આવેલ અરબાઝ ગરાસિયા નામના ઇસમને બે ઇન્જેક્શન ઝડપી પાડ્યો હતો.અરબાઝ આ ઇન્જેક્શન  મેડિકલ સ્ટોરના સંચાલક ઇમરાન શેઠને આપતો હતો. દુકાનમાં સર્ચ કરવામાં આવતા વધુ ૪ ઇન્જેક્શન મળી આવ્યા હતા.

આરોપી હોસ્પિટલમાં ફરજ બજાવે છે
ઝડપાયેલ આરોપી અરબાઝ ગરાસિયા દહેજ બાયપાસ રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે તે રેમડેસિવિર ઈન્જેકસન શેઠ મેડિકલ સ્ટોર પર ઈમરાન શેઠને આપતો હતો

6 રેમડેસિવિર ઈન્જેકસન કબ્જે કરાયા
પોલીસે બન્નેની ધરપકડ કરી તેઓ પાસેથી 6 રેમડેસિવિર ઈન્જેકસન કબ્જે કર્યા છે તો રૂપિયા 54 હજારનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આરોપી રેમડેસિવિર ઈન્જેકસન ક્યાથી લાવતો હતો એ બાબતની પોલીસ તપાસ કરી રહી છે

અગાઉ તબીબ અને મંડળી ૯ ઇન્જેક્શન સાથે ઝડપાઇ હતી
આ અગાઉ ગત સપ્તાહે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર અનિલ ચૌહાણે એક તબીબ સહીત ત્રણ લોકોની ધરપકડ કરી ૯ રેમડેસીવીર કબ્જે કાર્ય હતા. આ ટોળકી અંકલેશ્વરમાં ઇન્જેક્શન વેચવાની પેરવી દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગઈ હતી.