Kutch : વેક્સિન લો વેરો માફ, જાણો અંગીયા ગામે કોરોનાને કાબુમાં રાખવા શું આયોજન કર્યુ ?

Kutch : કોરોના મહામારીનો પગપેસારો હવે ગામડાઓમાં પણ થઇ રહ્યો છે. ગામડાની રહેણીકરણી-પરંપરા વગેરે એવી છે કે લોકો બીજાના સંપર્કમાં વધું આવતા હોય છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારો પણ સજાગ બને તથા કોરોનાને મ્હાત આપવા આગળ આવી વિશેષ પ્રદર્શન કરે તે જરૂરી છે.

  • Jay Dave
  • Published On - 19:30 PM, 4 May 2021
Kutch : વેક્સિન લો વેરો માફ, જાણો અંગીયા ગામે કોરોનાને કાબુમાં રાખવા શું આયોજન કર્યુ ?
અંગીયા ગામ, કચ્છ

Kutch : કોરોના મહામારીનો પગપેસારો હવે ગામડાઓમાં પણ થઇ રહ્યો છે. ગામડાની રહેણીકરણી-પરંપરા વગેરે એવી છે કે લોકો બીજાના સંપર્કમાં વધું આવતા હોય છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારો પણ સજાગ બને તથા કોરોનાને મ્હાત આપવા આગળ આવી વિશેષ પ્રદર્શન કરે તે જરૂરી છે. જે માટે ૧લી મે થી ગુજરાત સરકારે “મારું ગામ કોરોના મુક્ત ગામ” પહેલ શરૂ કરી છે. જેથી ગામડાના લોકોની સુરક્ષા માટે ગામડા જ સજાગ બને અને જરૂરી નિયંત્રણ તેમજ સુવિધા વિકસાવે.

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ૧૨૦૦-૧૩૦૦ વસ્તી ધરાવતા મોટા અંગિયા ગામે કચ્છના અન્ય ગામડાઓ તેમજ લોકોને એક નવી રાહ ચીંધી છે. ગામમાં પ્રવેશીએ કે તરત જ આપણું સ્વાગત કરતું કોરોના મહામારી અંગે માહિતી આપતું અને જાગૃતિ ફેલાવતું પોસ્ટર જોવા મળે. મોટા અંગિયા ગામના સરપંચ ઈકબાલભાઈ ઘાંચી અને ગામે જાગૃતિ દાખવી આગમચેતીના પગલારૂપે જૂન માસ સુધીનું સચોટ આયોજન ઘડી કાઢ્યું છે. જેથી કોરોના મહામારીને ટક્કર આપી તેની સામે બાથ ભીડી શકાય.

મોટા અંગીયા ગ્રામ પંચાયતે એક નવી જ પહેલ કરી અન્ય ગામડાઓને એક નવો દ્રષ્ટિકોણ બતાવ્યો છે. તેમણે જે પરિવારનું રસીના બંને ડૉઝ લઈને સો ટકા વેક્સિનેશન થયું હોય તેમના ગ્રામ પંચાયતના વેરા માફ કર્યા છે. જેથી લોકો આગળ આવી વેક્સિન લઈને પોતાના પરિવારને સુરક્ષિત બનાવે. ઉપરાંત ૫૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોને જો ગામ બહાર દવા માટે કે કોઇ અગત્યની બાબતે ખરીદી કરવા જવું હોય તો પંચાયતની ગાડી નિ:શુલ્ક આપવામાં આવે છે જેથી તેઓ સુરક્ષિત રહે અને તેમનું બહાર જવાનું પ્રમાણ પણ ઘટાડી શકાય.

કોરોનાની મહામારી એ હજુ ગામડાઓમાં મોટી આફત નથી સર્જી. પરંતુ લોકોને અગવડ ના પડે તે માટે ગામ લેવલે જ ૧૫ બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કરી દેવામાં આવ્યું છે.સાથે બીમાર વ્યક્તિઓ માટે અત્યારે સાત્વિક ભોજન સાથેની ટિફિન સેવા પણ શરૂ કરી છે. ઉપરાંત હોમક્વોરંટાઇન લોકો માટે પણ અગાઉથી જ ટિફિનની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા એક હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે.જેથી ગામમાં કોઇને ઘરને સેનેટાઈઝ કરાવવું હોય તો તેનો સંપર્ક કરી શકે અને રજૂઆત થતાં જ વિથોણ પીએચસી સેન્ટરના સહયોગથી ઘરને સેનેટાઇઝ કરવામાં આવે છે.

ઉપરાંત સમગ્ર ગામ, મંદિર,મસ્જીદ,જૈન દેરાસર વગેરે ને સેનેટરાઇઝ કરવામાં આવ્યા છે તથા જાહેર જગ્યાઓને અને ધાર્મિક સ્થાનોને સેનેટાઈઝર પણ આપવામાં આવ્યા છે. દર પંદર દિવસે ગામમાં જનરલ આરોગ્ય તપાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે તથા પંચાયત દ્વારા અવાર-નવાર માસ્ક અને ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે.

કહેવાય છે ને કે, ચેતતા નર સદા સુખી બસ આ વાતને જ ધ્યાનમાં રાખી આ મહામારીના સમયમાં આગમચેતીના પગલારૂપે ત્રણ મહિનાનું આગામી આયોજન ઘડી કાઢ્યું છે. જેથી આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસવું પડે. આ સ્થિતિમાં તમામ ગામડાઓએ પણ જાગૃત બનીને કોરોના મહામારી ન ફેલાય તે માટે જાગૃત બનવુ પડશે નખત્રાણાનુ નાના અંગીયા ગામ તેના માટે ઉત્તમ ઉદાહરણ છે.