કેન્દ્ર સરકારે કોવિડ વેક્સિનેશન માટે તમામ ખાનગી હોસ્પિટલોને આપી મંજૂરી, પણ આ શરતોનો કરવો પડશે અમલ

કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરુ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે આ અંતર્ગત મહત્વનો નિર્ણય લીધો છે અને તમામ ખાનગી હોસ્પિટલોને વેક્સિનેશનની મંજુરી આપી દીધી છે.

  • tv9 webdesk37
  • Published On - 11:06 AM, 3 Mar 2021
કેન્દ્ર સરકારે કોવિડ વેક્સિનેશન માટે તમામ ખાનગી હોસ્પિટલોને આપી મંજૂરી, પણ આ શરતોનો કરવો પડશે અમલ
પ્રતિકાત્મક તસ્વીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશમાં રસીકરણ અભિયાનને વેગ મળ્યો છે. બીજા તબક્કામાં માત્ર બે દવસમાં જ 50 લાખથી વધુ લોકોએ કો-વિન પોર્ટલ પર વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. રસીકરણ અભિયાનને વધુ વેગ આપવા માટે સરકારે નિયત માપદંડને અનુસરીને તમામ ખાનગી હોસ્પિટલોને રસી આપવાની મંજૂરી આપી દીધી છે.

ખાનગી હોસ્પિટલો માટે શું છે શરતો

સોમવારે શરૂ થયેલા બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉમંરના લોકો અને ગંભીર રોગોથી પીડાતા 45 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે રાત્રે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે, તમામ ખાનગી હોસ્પિટલોને કોરોના રસીકરણ કેન્દ્રો તરીકે કામ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ આના માટે તેમણે કેટલીક શરતો પાળવી પડશે. જો હોસ્પિટલ પાસે વેક્સિનેશન માટે પૂરતા કર્મચારીઓ હોય, લાભાર્થીઓને સર્વેલન્સ હેઠળ રાખવાની યોગ્ય વ્યવસ્થા હોય, કોલ્ડ ચેઇન, અને વેક્સિન લગાવ્યા બાદ પ્રતિકૂળ અસરો વાળા લોકોના ઈલાજ માટે પૂરી વ્યવસ્થા હોય તો તેમને અનુમતિ છે.

કેટલી હોસ્પિટલોમાં આપશે રસી

મંત્રાલયે રાજ્ય અને કેન્દ્ર સરકારને ત્રણ આરોગ્ય યોજનાઓની પેનલમાં શામેલ ખાનગી હોસ્પિટલોની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવા અને રસીકરણ અભિયાનમાં નિર્ધારિત માપદંડોનું પાલન કરવા જણાવ્યું છે. આ યોજનાઓમાં આયુષ્માન ભારત-વડા પ્રધાન જન આરોગ્ય યોજના, કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના અને રાજ્ય આરોગ્ય વીમા યોજનાનો સમાવેશ થાય છે. હમણાં સુધી રસીકરણ અભિયાનમાં 26,000-27,000 હોસ્પિટલોનો સમાવેશ થયો છે. જેમાં 12,500 ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

કેટલા લોકોને લાગી વેકિસન

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને રસી એડમિનિસ્ટ્રેશન (કો-વિન) ના અધ્યક્ષ ડો.આરએસ.શર્માએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, પ્રધાન સચિવો અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવો સાથે વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠકમાં માહિતી શેર કરી હતી. તેમજ રાજ્યોને એમ પણ કહેવામાં આવ્યું કે વેક્સિનને સંગ્રહિત ના કરે કેમ કે વેક્સિનની કોઈ અછત નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મંગળવારે સાંજે સાત વાગ્યા સુધીમાં વેક્સિનના કુલ 15461864 ડોઝ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. આમાં પ્રથમ ડોઝ લેતા 67,32,944 અને બેજો ડોઝ લેતા 26,85,665 આરોગ્ય કર્મચારીઓ, તેમજ પ્રથમ ડોઝ લેતા 55,47,426 અને બેજો ડોઝ લેનારા 826 ફ્રન્ટલાઈન કામદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ વયના, 4,34,981 લાભાર્થીઓ અને ગંભીર રોગથી પીડાતા 45 વર્ષથી વધુની 60,020 લાભાર્થીઓનો સમાવેશ થાય છે. મંગળવારે કુલ 6,09,845 લોકોને રસી આપવામાં આવી હતી. તેમાંથી 5,21,101 ને પહેલો ડોઝ અને 88,744 લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.