Ahmedabad: કોરોના સામેની લડાઇમાં તંત્રની પડખે ઉભું રહ્યું અદાણી ગૃપ, અદાણી વિદ્યા મંદિર કોવિડ સેન્ટરમાં ફેરવાશે

Ahmedabad: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે. તેની સામે શહેરની તબીબી સવલતો ઉપર અકલ્પનિય દબાણ વધી રહ્યું છે.

  • Tv9 Webdesk18
  • Published On - 16:04 PM, 30 Apr 2021
Ahmedabad: કોરોના સામેની લડાઇમાં તંત્રની પડખે ઉભું રહ્યું અદાણી ગૃપ, અદાણી વિદ્યા મંદિર કોવિડ સેન્ટરમાં ફેરવાશે
અદાણી કોવિડ સેન્ટર

Ahmedabad: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે. તેની સામે શહેરની તબીબી સવલતો ઉપર અકલ્પનિય દબાણ વધી રહ્યું છે. એકાએક સર્જાયેલી આ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા અમદાવાદમાં વધુ સંભાળ, પુષ્કળ જગ્યા અને મદદના જાજા હાથની જરુર છે.

આ જીવલેણ વાયરસ સામે સંઘર્ષ કરી રહેલ રાજ્ય સરકારના અથાક પ્રયાસોના સમર્થનમાં અદાણી ગુપ અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરુ કરશે. અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ સંચાલિત અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલ અદાણી વિદ્યામંદિર સંકૂલને કોવિડ-૧૯ની નજીવી અસર હેઠળના પોઝીટીવ દર્દીઓને આધારરુપ સારસંભાળ માટેની સવલતમાં રુપાંતરિત કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં આવેલ સરકારી અને ખાનગી આરોગ્ય માળખા ઉપરનું ભારણ ઘટે તે હેતુથી શરુ થનારા આ સેન્ટરમાં પોતાના પરિવારોથી આઇસોલેશનમાં રહેલા લોકોની સંભાળ લેશે. આઇસોલેશન હેઠળના લોકો માટેની આ સગવડથી તેમના પરિવારના અન્ય સદસ્યોનું પણ સંક્રમિત થવા સામે રક્ષણ થશે અને કોવિડ-૧૯ના ફેલાવાની ગતિને ધીમી પાડવામાં ભાગ ભજવશે.

“ઝડપથી ફેલાઇ રહેલી આ મહામારીને અંકૂશમાં લેવા સરકાર અને આરોગ્ય સંભાળની સંસ્થાઓ સંસાધનો એકત્ર કરવા મથી રહી હોય ત્યારે અમારે શક્ય તમામ રીતે સહયોગ કરવાનો જ છે અને તે કરીશું જ.” એમ અદાણી ફાઉન્ડેશને કહ્યું હતું. ગૃપના યુધ્ધના ધોરણે આંતરમાળખું ઉભું કરવાના વિશાળ અનુભવને કામે લગાડીને અદાણી વિદ્યા મંદિર ખાતે જરુરિયાતને અનુરુપ માળખું ઉભું કરશું. અમારી શાળાના શિક્ષણ આપતા ખંડોને જીવન ખંડોમાં અર્થાત વિદ્યા-દાનમાંથી જીવન-દાન” માં અમે રુપાંતરિત કરીશું.”

અદાણી વિદ્યા મંદિરના કોવિડ કેર સેન્ટર મારફત અદાણી ફાઉન્ડેશન દર્દી માટે પથારીઓ, પોષણયુકત આહાર અને તબીબી સંભાળની વ્યવસ્થા પૂરી પાડશે. રુપાંતરની આ પ્રક્રિયામાં દર્દીઓ અને તબીબી અધિકારી બન્ને માટે રહેવા અને આરામ માટે એકમોની વ્યવસ્થા, શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો ધરાવતા દર્દીઓને મેડિકલ ઓક્સિજન પૂરો પાડવાની ટેકનિકલ સુવિધાઓ ઉભી કરવી, તબીબી પૂરવઠાના પર્યાપ્ત જથ્થાની વ્યવસ્થા અને તબીબી, સંદેશા વ્યવહાર અને મોનિટરીંગ સિસ્ટમ માટે એક અલાયદા રુમની સ્થાપના સામેલ છે. સરકાર, શહેરના વહીવટીતંત્ર અને રાજ્યના આરોગ્ય સત્તાધિકારીઓ દ્વારા જરુરી નોંધણી, રિપોર્ટીંગ અને સલામતીના નીતિ નિયમો સંબંધી કાર્યમાં અદાણીની ટુકડીઓ પણ મૂકવામાં આવશે.

“અદાણી ગૃપ આ અભૂતપૂર્વ પરિસ્થિતમાં કેવી રીતે યોગદાન આપી શકે તેવી આપણા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથેની અમારી ચર્ચા દરમિયાન ગૃપ દ્વારા ૩-૪ દિવસમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની પડકારજનક કામગીરી હાથ ધરવામાં આવી હોવાની જાણકારી આપી હતી “એમ અદાણી ફાઉન્ડેશને જણાવ્યું છે. “આ પ્રયાસોમાં ગુજરાત સરકારનો અભિગમ અત્યંત સકારાત્મક અને સહાયરુપ રહ્યો છે. ”

અદાણી ગૃપે તેના વૈશ્વિક વ્યાપારી સંબંધો અને પરિવહનના વિશાળ અનુભવનો ઉપયોગ કરીને અતિઆવશ્યક એવા ઓક્સિજનના પુરવઠા માટે ૪૦+આઇએસઓ ક્રાયોજેનિક ટાંકાઓ, ૧૦૦થી વધુ ઓક્સિજન બેડની હોસ્પિટલને સહારો પાડવા પ્રત્યેક સક્ષમ એવા ૨૦ ઓક્સિજન પ્લાન્ટ્સ,૧૨૦ ઓક્સિજન કોન્સટ્રેટર્સ ૫૦૦૦ ઓક્સિજન સિલિન્ડર્સની આયાત સિંગાપોર, સાઉદી અરેબિઆ, થાઇલેન્ડ અને દૂબઇમાંથી કરી છે. ઉપરાંત ગૃપ ઓક્સિજનના નિરંતર ધોરણે રીફિલિંગ માટે ઘણી જગ્યાએ સહયોગ કરે છે.

અદાણી ગૃપ નોઇડામાં પણ આ પ્રકારનું કોવિડ કેર સેન્ટર .ઉભું કરવા માટે નોઇડા સત્તામંડળ સાથે ઘનિષ્ઠ રીતે કામગીરી કરી રહ્યું છે. સમાજને પરત અર્પણ કરવાની અદાણી પરિવારની પરંપરાગત ફિલસૂફી ના ભાગરુપે કોવિડ કેર સેન્ટરની પહેલ કરવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશનના માધ્યમથી ૧૮ રાજ્યોમાં ૨૪૦૦ સ્થળોએ શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસનું અભિયાન ચલાવે છે.