Employment Fair : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે 7મા રોજગાર મેળાનો શુભારંભ કરાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે રોજગાર મેળાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં રોજગાર મેળામાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા. તો વડોદરામાં કેન્દ્રિય મંત્રી પુરસોત્તમ રૂપાલા હાજર રહ્યા. જ્યારે સુરતમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા.
અમદાવાદમાં દિનેશ હોલ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં ડિફેન્સ, ઇન્કમટેક્ષ અને LIC વિભાગના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. રોજગાર મેળામાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા, સાંસદ નરહરિ અમીન, મેયર કિરીટ પરમાર, સાંસદ એચ એસ પટેલ, MLA દર્શના વાઘેલા, કંજન રાદડિયા, જીતુ પટેલ અને હર્ષદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના રોજગાર મેળામાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સ્થળ પર 142 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી પારદર્શકતાના હિમાયતી છે. તેથી જ તે દરેકને તેમનો અધિકાર મળે અને કોઈ વંચિત ન રહે તેનું ધ્યાન રાખે છે. પહેલા એવી માનસિકતા હતી કે લાગવક હોય તેને નોકરી મળે. લાગવક કે પૈસા ના હોય તો નોકરી ના મળે. હવે આવી છબીમાંથી બહાર આવ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે આજે દેશમાં 70 હજારને નોકરી મળવાથી તેમના પરિવારમાં આનંદનો માહોલ છે. 6 રોજગાર મેળામાં 3.50 લાખને નોકરી આપવામાં આવી છે.
દેશના 19 રાજ્યમાં આજે 44 સ્થળ પર રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળામાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે જેમને નિમણૂક પત્ર મળી રહ્યા છે તેમના માટે આ યાદગાર દિવસ છે. સાથે જ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. 1947માં આજના દિવસે 22 જુલાઈએ તિરંગાના સંવિધાન સભા દ્વારા સ્વીકારવામાં આવ્યો અને આજના દિવસે સરકારી નોકરીનો લેટર મળવો તે મોટી પ્રેરણા છે. સરકારી સેવામાં રહી તમારે તિરંગાની શાન વધારવા કામ કરવાનું છે.
Published On - 1:22 pm, Sat, 22 July 23