
સરકારી ભરતીની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વિધાર્થીઓ જેની આતૂરતાથી રાહ જોતા હતા એ સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 188 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ગૌણ સેવાએ સંશોધન મદદનીશ વર્ગ-3ની 99 અને આંકડા મદદનીશ વર્ગ-3ની 89 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ માટે ઉમેદવારો આજથી એટલે કે 2 જાન્યુઆરી 2024થી Ojasની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ-3ની કુલ મળીને 188 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે ઉમેદવારો 16 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ માટે ઉમેદવારની લાયકાત, પગાર ધોરણ સહિતની માહિતી પણ આપવામાં આવી છે.
આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર જેવા વિષયોમાં સ્નાતક અથવા અનુસ્નાતક કક્ષાની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને કમ્પ્યુટર અંગે પણ નોલેજ હોવું જરૂરી છે. વધુ વિગત માટે તમે ઓજસની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સંશોધન મદદનીશ વર્ગ-3ને પાંચ વર્ષ સુધી ફિક્સ 49,600 રૂપિયા માસિક પગાર આપવામાં આવશે. તો આંકડા મદદનીશ વર્ગ-3ને માસિક 40,800 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે.
આ પણ વાંચો UPSC લેટરલ એન્ટ્રી સ્કીમ શું છે ? જેના દ્વારા પરીક્ષા પાસ કર્યા વિના IAS લેવલના અધિકારી બની શકે છે