હિંડનબર્ગનો રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડ ગુરુવારે પણ ચાલુ રહ્યો અને ગૌતમ અદાણીની નેટવર્થમાં લગભગ 11 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં ટોપ 20માંથી પણ બહાર થઈ ગયા છે. હવે તેમની નેટવર્થ 62 બિલિયન ડૉલર પણ રહી નથી. આ સાથે જ ચીનના અબજોપતિ ઝોંગ શાનશાન પણ પાછળ નીકળી ગયા છે. અદાણીની મુશ્કેલીઓ અહીંથી અટકવાનું નામ લઈ રહી નથી. યુએસ શેરબજારે ગૌતમ અદાણીની ફ્લેગશિપ કંપનીને આંચકો આપ્યો છે. S&P ડાઉ જોન્સ ઈન્ડાઈસીસના નિવેદન અનુસાર અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝને 7 ફેબ્રુઆરી 2023ના રોજ ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે.
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનના નાના ભાઈ લોર્ડ જો જોન્સને અદાણી એન્ટરપ્રાઈઝ સાથે સંબંધિત યુકેની રોકાણ કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝે મંગળવારે જ તેની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) પાછી ખેંચવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં યુકે કંપનીઝ હાઉસના આંકડાઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે લોર્ડ જોન્સન (51)ને ગયા વર્ષે જૂનમાં લંડન સ્થિત એલારા કેપિટલના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે બુધવારે રાજીનામું આપ્યું હતું. તે જ દિવસે અદાણી જૂથે એફપીઓ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો.
ઈલારા પોતાને એક મૂડી બજાર કંપની તરીકે વર્ણવે છે જે ભારતીય કંપનીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરે છે. આ કંપની એફપીઓના બુકરનરમાં પણ સામેલ હતી. જ્હોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને કંપનીની સારી સ્થિતિ વિશે ખાતરી આપવામાં આવી હતી અને આ ક્ષેત્રમાં તેમની જાણકારીના અભાવને કારણે ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું.
એક નિવેદનમાં જણાવાયું છે કે અદાણી એન્ટરપ્રાઈઝને સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપોનું વિશ્લેષણ કર્યા બાદ ઈન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદથી અદાણી એન્ટરપ્રાઈઝ ચર્ચામાં છે જ્યારે ટેક્સ હેવનના દુરુપયોગનો આક્ષેપ કર્યો હતો અને સાત લિસ્ટેડ કંપનીઓના દેવું અને વેલ્યુએશન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હિંડનબર્ગના અહેવાલ છતાં છેલ્લા દિવસે અદાણી એન્ટરપ્રાઈઝનો FPO સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો પરંતુ શેરબજારમાં કંપનીઓના શેરમાં સતત ઘટાડાને જોતા રૂપિયા 20,000 કરોડનો એફપીઓ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.