
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. Jio દેશમાં સેટેલાઇટ આધારિત ગીગાબીટ ફાઇબર સર્વિસિસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે IN-SPACE માંથી લેન્ડિંગ રાઇટ્સ અને માર્કેટ એક્સેસ ઓથોરાઇઝેશન મેળવી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કંપનીએ તેના માટે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્પેસ ઈન્ડસ્ટ્રીના રેગ્યુલેટરને સબમિટ કર્યા છે.
દેશમાં ગ્લોબલ સેટેલાઇટ બેન્ડવિડ્થ ક્ષમતા માટે IN-SPACe તરફથી ઓથોરાઈઝેશન જરૂરી છે. જો રિલાયન્સ જિયોને આ મંજૂરી મળશે તો તે બીજી કંપનીઓની તુલનામાં સેટેલાઇટ દ્વારા બ્રોડબેન્ડ સર્વિસ ઝડપથી શરૂ કરી શકે છે. તેની અસર આવનારા સમયમાં રિલાયન્સના શેર પર જોવા મળી શકે છે. મંગળવારે કંપનીના શેર નજીવા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
જિયો પ્લેટફોર્મ્સે દેશમાં સેટેલાઈટ દ્વારા બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સર્વિસ પ્રોવાઈડ કરવા માટે લક્ઝમબર્ગ સ્થિત કંપની SES સાથે સંયુક્ત સાહસની રચના કરી હતી. તેમાં જિયો પ્લેટફોર્મ્સનો 51% હિસ્સો છે. એરટેલ દ્વારા રોકાણ કરાયેલ યુટલ્સેટ વનવેબ, એલોન મસ્કની સ્ટારલિંક, એમેઝોન અને ટાટાએ પણ આ ક્ષેત્રમાં પ્રવેશની જાહેરાત કરી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ પહેલેથી જ જિયની સેટેલાઇટ કંપનીને ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન્સ બાય સેટેલાઇટ સર્વિસિસ લાયસન્સ આપી ચૂક્યું છે, પરંતુ કંપનીને હજુ સુધી IN-SPACe તરફથી લીલી ઝંડી મળી નથી.
અત્યાર સુધી માત્ર ભારતી એરટેલના રોકાણવાળી Eutelsate OneWeb ને IN-SPACE દ્વારા મંજૂરી મળી છે. રિલાયન્સ જિયોએ આ સંદર્ભમાં ETના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. ભારતમાં સેટકોમ માર્કેટ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે પરંતુ તેમાં વૃદ્ધિની ઘણી સંભાવનાઓ છે. જિયોના મેથ્યુ ઉમાને કહ્યું હતું કે, કંપની સ્પેક્ટ્રમ મેળવવાના થોડા અઠવાડિયામાં જિયો સ્પેસ ફાઈબર સર્વિસ શરૂ કરી શકે છે. IN-SPACE એ તાજેતરમાં અનુમાન લગાવ્યું હતું કે દેશની સ્પેસ ઈકોનોમી 2033 સુધીમાં $44 બિલિયન સુધી પહોંચી શકે છે.