રાજકારણના ચક્કરમાં પિસાઈ રહ્યું છે પાકિસ્તાન, તીવ્ર જરૂર છતાં ભારતમાંથી નથી ખરીદી રહ્યું સસ્તી ખાંડ

સુગર ઉદ્યોગના એક સંગઠને રવિવારે કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારત સાથે વેપાર શરૂ કરે તો તેને આવતા રમજાન મહિના પહેલા સસ્તી સસ્તી ખાંડ મળી શકે અને ભાવમાં નિયંત્રણ આવી શકે છે.

  • Ankit Modi
  • Published On - 8:51 AM, 5 Apr 2021
રાજકારણના ચક્કરમાં પિસાઈ રહ્યું છે પાકિસ્તાન, તીવ્ર જરૂર છતાં ભારતમાંથી નથી ખરીદી રહ્યું સસ્તી ખાંડ
Pakistan PM Imran Khan

સુગર ઉદ્યોગના એક સંગઠને રવિવારે કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારત સાથે વેપાર શરૂ કરે તો તેને આવતા રમજાન મહિના પહેલા સસ્તી સસ્તી ખાંડ મળી શકે અને ભાવમાં નિયંત્રણ આવી શકે છે. ભારતમાંથી આયાત કરીને પાકિસ્તાનને ખાંડ ઝડપથી મળી શકે છે. પાકિસ્તાન ખાંડની ભારે તંગીનો સામનો કરી રહ્યું છે.

પાકિસ્તાનમાં ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ખાંડનો છૂટક ભાવ પ્રતિ કિલો 100 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગયો છે. પાકિસ્તાન આર્થિક સંકલન સમિતિ (ECC) એ સરકારને ભલામણ કરી છે કે ઉપલબ્ધતા વધારવા માટે 500,000 ટન સફેદ ખાંડની આયાત કરવાની મંજૂરી આપવામાં આવે તે જરૂરી છે. ગયા અઠવાડિયે બંને દેશો વચ્ચેનો વેપાર ફરી ખુલવાની ધારણા હતી. જોકે પાકિસ્તાન ECCના ભારતમાંથી ખાંડ અને કપાસની આયાતને મંજૂરી આપવાના નિર્ણયને પાકિસ્તાનની કેબિનેટ દ્વારા અટકાવવામાં આવ્યો હતો.

પાકિસ્તાનને ૫ લાખ ટનખાંડની જરૂર
પાકિસ્તાની વેપારીઓના જણાવ્યા મુજબ તેમનો દેશ 2020-21 માં ઓક્ટોબર થી સપ્ટેમ્બર દરમ્યાન માં 56 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરે તેવી સંભાવના છે જ્યારે માંગ સામે ૫ લાખ ટનની ઘટ પડી શકે છે. અખિલ ભારતીય સુગર વેપારી એસોસિએશન (AISTA) ના પ્રમુખ પ્રફુલ્લ વિઠ્ઠલાનીએ કહ્યું કે ભારત પાકિસ્તાનની ખાંડની અછત સરળતાથી પૂરી કરી શકે છે. તેમણે કહ્યું, ‘જો વેપાર ફરી શરૂ થાય તો તે બંને દેશોના ફાયદામાં છે.’ હું કહેવા માંગુ છું કે માનવ વપરાશની આવશ્યકતાઓને રાજકારણથી દૂર રાખવી જોઈએ. ”

60 દિવસમાં પહોંચેલી ખાંડ 5 દિવસમાં આવશે
પાકિસ્તાનમાં ખાંડને પંજાબથી જમીન માર્ગે ટન દીઠ 398 ડોલર (ભાડા સહિત) ના દરે પહોંચાડવામાં આવી શકે છે અને દરિયા દ્વારા અન્ય દેશોમાંથી આવતી ખાંડ કરતા આ દર 25 ડોલર પ્રતિ ટન સસ્તી છે. તેમણે કહ્યું કે બ્રાઝિલથી પાકિસ્તાનમાં ખાંડ પહોંચાડવામાં 45-60 દિવસનો સમય લાગે છે જ્યારે ભારતથી ચાર દિવસમાં ખાંડ પહોંચાડી શકાય છે.