આજે શેરબજારમાં (Share market updates) સતત ચોથા દિવસે તેજી રહી હતી. સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેકસ (Sensex Today) 252 અંક વધીને 57823ના સ્તરે અને નિફ્ટી 85 પોઈન્ટ વધીને 17243ના સ્તરે અને નિફ્ટી બેંક 102 પોઈન્ટના ઉછાળા સાથે 37594 ના સ્તર પર ખુલ્યો છે. રૂપિયામાં આજે પણ મજબૂતી જોવા મળી રહી છે. આજે સવારે તે 13 પૈસાની મજબૂતી સાથે 79.11ના સ્તરે ખુલ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ અને મારુતિના શેર શરૂઆતના વેપારમાં તેજીમાં જોવા મળી રહ્યા છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે તાજેતરમાં લોન્ચ કરાયેલી તેની સ્કોર્પિયો-એન એસયુવીને અડધા કલાકની અંદર 1 લાખથી વધુ બુકિંગ મળ્યા છે. તેનું બુકિંગ શનિવારથી શરૂ થઈ ગયું છે. આ વાહન 27 જૂને લોન્ચ કરવામાં આવ્યું હતું. આજે તેના શેરમાં તેજી જોવા મળી રહી છે અને તે સેન્સેક્સના ટોપ-30માં સૌથી વધુ ગેઇનર છે. 6.28 ટકાના વધારા સાથે આ શેર 1237 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં એક સપ્તાહમાં 8.54 ટકા અને એક મહિનામાં 11.35 ટકાનો ઉછાળો નોંધાયો છે.
બ્રોકરેજ સન ફાર્મા પર બુલિશ અભિપ્રાય ધરાવે છે. જેફરીઝે ખરીદીની સલાહ આપી છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 1089 રૂપિયા રાખવામાં આવી છે. ગોલ્ડમેન સેક્શને 720 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. HSBCએ 1120 રૂપિયા, ક્રેડિટ સુઇસ 880 રૂપિયા, CLSA 1140 રૂપિયા અને મોતીલાલ ઓસ્વાલ 1100 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. હાલમાં તેનો સ્ટોક 2.17 ટકા ઘટીને 923 રૂપિયાના સ્તરે છે. 967 રૂપિયા 52 સપ્તાહની ઊંચી સપાટીએ છે. છેલ્લા એક સપ્તાહમાં આ સ્ટોક 6.31 ટકા અને એક મહિનામાં 11.30 ટકા વધ્યો છે.
આજે આઈટીસી, યુપીએલ, મેક્સ ફાઈનાન્શિયલ, રામકો સિમેન્ટ, બજાજ કન્ઝ્યુમર કેર, કેસ્ટ્રોલ ઈન્ડિયા, એવરેડી ઈન્ડસ્ટ્રીઝ, પંજાબ એન્ડ સિંધ બેંક, ઝોમેટો જેવી કંપનીઓના પરિણામો જાહેર થવાના છે.
નઝારા ટેક્નોલોજીના શેરમાં આજે 15 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. આ સ્ટૉક હાલમાં 602 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીએ જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફામાં 22 ટકા અને આવકમાં 70 ટકાનો ઉછાળો આવ્યો છે. એકીકૃત ચોખ્ખો નફો 165 કરોડ હતો, જ્યારે આવક 223 કરોડ હતી.