MONEY9 : સ્ટીલના ભાવમાં લોખંડી વધારો, ઉપર જશે મોંઘવારીનો પારો

સ્ટીલના ભાવમાં થયેલો તોતિંગ વધારો ભારત સહિતનાં બજારોને પરેશાન કરી રહ્યો છે. સ્ટીલના ભાવ વધવાથી મોંઘવારી તમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હેરાન કરે છે. સ્ટીલની આ મોંઘવારીથી ગ્રાહકો જ નહીં, પરંતુ બિઝનેસજગત પણ પરેશાન છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 25, 2022 | 6:07 PM

એક નાનકડી ખિલ્લી, ચાવી, વાસણો, તાળું, મોબાઈલ, કાર, ટ્રક અને હવાઈજહાજ, જ્યાં તમારી નજર જશે, ત્યાં બધે જ સ્ટીલ દેખાશે. હવે, જરાક એ પણ વિચારો, કે સ્ટીલ (STEEL)ના વધતાં ભાવ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, તમારો જીવન જીવવાનો ખર્ચ પણ વધારી રહ્યાં છે અને મોંઘવારી (INFLATION)ની આગમાં ઘી હોમી રહ્યાં છે. સ્ટીલની આ મોંઘવારીથી ગ્રાહકો જ નહીં, પરંતુ બિઝનેસજગત પણ પરેશાન છે. જે બિઝનેસમાં કાચા માલ (RAW MATERIAL) તરીકે સ્ટીલનો જેટલો વધારે ઉપયોગ, તેટલી વધારે ચિંતા.

આપણે અલીગઢનું જ ઉદાહરણ લઈએ, કારણ કે, આ શહેર આપણા બધા માટે તાળાનું ઉત્પાદન કરે છે. દેશનાં 80 ટકા તાળાં આ શહેર બનાવે છે. પરંતુ, સ્ટીલ મોંઘું થવાથી, પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, અહીંની ફેક્ટરીઓ પર તાળાં વાગવાનું શરૂ થઈ ગયું છે. વિનાયક ઈન્ટરનેશનલના માલિક સૌરભ સૈની કહે છે કે, ગયા વર્ષે સ્ટીલની શીટનો ભાવ પ્રતિ કિલોએ 200 રૂપિયાથી પણ ઓછો હતો, પરંતુ હવે 300 રૂપિયાથી પણ વધારે ભાવ બોલાઈ રહ્યો છે.

તાળું બનાવવામાં 70 ટકા સ્ટીલ કે લોખંડ વપરાય છે. અમારો કાચો માલ 30થી 35 ટકા મોંઘો થયો છે, પણ તાળાનાં ભાવ લગભગ 7 ટકા જ વધારી શક્યા…કારણ કે, જો ભાવ આટલો બધો વધારીએ તો, માંગ પર અસર પડે અને અમે સ્પર્ધામાંથી પણ બહાર ફેંકાઈ જઈએ.

આ જ કારણોસર બહુ નાના વેપારીઓ સ્ટીલની મોંઘવારીનો માર સહન નથી કરી શકતા. સૌરભને અંદાજ છે કે, જો 50 લાખનું ટર્નઓવર નહીં થાય તો, બિઝનેસને ટકાવવાનું ખૂબ મુશ્કેલ બની જશે. આ કહાની તો અલીગઢની છે, પરંતુ તેનું દર્દ સમગ્ર દેશ અનુભવી રહ્યો છે.

હવે, સમજીએ કે, સ્ટીલના ભાવમાં આ આગ લાગી ક્યાંથી? તો, તેનો પલીતો ચંપાયો રશિયા-યુક્રેન યુદ્ધથી. વાસ્તવમાં આ બંને દેશ સાથે મળીને વર્ષમાં 10 કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન કરે છે, જેમાંથી 3.7 કરોડ ટન સ્ટીલની નિકાસ કરે છે, જે કુલ ગ્લોબલ ટ્રેડનો 8થી 9 ટકા હિસ્સો છે. યુદ્ધ શરૂ થયું, એટલે ત્યાંના બજારોમાંથી આવતા સપ્લાય પર બ્રેક વાગી અને ભાવમાં રોકટગતિએ વધારો શરૂ થઈ ગયો.

ભારતનાં બજારમાં એક ટન સ્ટીલની સરેરાશ કિંમત છે 70,000 રૂપિયા અને તેના પર લાગે છે 18 ટકા જીએસટી. ગયા વર્ષે સરેરાશ કિંમત લગભગ 40,000 રૂપિયા જ હતી. સપ્લાય તો ઘટ્યો જ, સાથે સાથે કોલસો અને આયર્ન ઓર પણ મોંઘું થવાથી સ્ટીલ કંપનીઓના ખર્ચમાં તોતિંગ વધારો થયો.

સ્ટીલનું ઉત્પાદન કરવામાં 40 ટકા ખર્ચ તો કોલસા પાછળ થાય છે અને કોલસાના ભાવ માર્ચમાં જ લગભગ 34 ટકા ઊંચકાયા છે. તેનું કારણ પણ રશિયા જ છે, કારણ કે, કોલસાની નિકાસમાં રશિયા, દુનિયામાં ત્રીજા ક્રમે આવે છે. સૌથી વધુ કોલસાની નિકાસ કરતા ઓસ્ટ્રેલિયામાં પણ પૂરને કારણે સપ્લાય ખોરવાયો છે.

આયર્ન ઓર, જેને ઓગાળીને, અશુદ્ધતા દૂર કરીને સ્ટીલ બને છે, તેના ભાવ પણ વધી રહ્યાં છે. NMDCએ 2022માં જ આયર્ન ઓરના ભાવ ત્રણ વખત વધાર્યા છે. NMDC ભારતની સૌથી મોટી આયર્ન ઓર સપ્લાયર છે. આમ, આખીયે વાતનો સાર એટલો જ કે, યુક્રેનમાં તો રશિયા બોમ્બ વરસાવી રહ્યું છે, પણ મોંઘવારીની મિસાઈલોનો મારો ભારત સહિત આખીયે દુનિયાએ સહન કરવાનો આવ્યો છે.

આ પણ જુઓ

કપાસના ભાવને ગુજરાતની ચૂંટણી સાથે શું છે સંબંધ?

આ પણ જુઓ

ઓઈલ ઉત્પાદનમાં ભારત કેમ છે પાછળ? કોણ છે જવાબદાર?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">